ઝડપી બેંક ધિરાણ માટે આવી રહ્યુ છે ઓનલાઈન પ્લેટફોર્મ બેંક એગ્રીગેટર

773

DIAMOND TIMES – બેંકો, વિમા કંપનીઓ તથા અન્ય રોકાણ કરતી એજન્સીઓ પાસે ગ્રાહકો બાર્ગેનિંગ કરી શકે તે માટે સરકાર એક એગ્રીગેટર લોંચ કરવા જઈ રહી છે.જે રીતે ઝોમેટો કે સ્વીગીની મદદથી અનેક રેસ્ટોરામા બનતા મન પસંદ ભોજનની પસંદગી કરી શકાય છે બરાબર એજ પ્રકારે ગ્રાહકો-કારોબારીઓ અનેક બેંકો દ્વારા મળતા ધિરાણ પૈકી સસ્તા અને સુલભ ધિરાણની પસંદગી કરી શકાય તેવી સગવડ આ ફાયનાન્સીયલ એગ્રીગેટર દ્વારા મળવાની છે.ઉપરાંત બેંક લોનની અવધિ,વ્યાજદર, ચાર્જીસ સહીતના મુદ્દે ગ્રાહકો બેંકો સાથે વાટાઘાટો કરી શકશે.જેનો સીધો ફાયદો એ થશે કે લોન લેનાર કારોબારીઓ માટે બેંક ધિરાણ સ્પર્ધાત્મક અને સસ્તુ પણ બનશે.

બેંક એગ્રીગેટર એટલે કે એક નવા ડીજીટલ પ્લેટફોર્મ પર બેંકો જોડાઈ રહી છે.આ ડીજીટલ પ્લેટફોર્મમાં બેન્ક ગ્રાહક સાથે સંકળાયેલી 19 પ્રકારની માહિતી હશે.જેમા વેપારીનું આવકવેરા રીટર્ન, જીએસટી રીટર્ન, તેના રોકાણ, બેન્ક ખાતાઓ, વિમા કે પેન્શન ફંડમાં રોકાણ,વ્યક્તિગત અને વ્યાપારીક વર્તમાન બેંક ધિરાણની માહિતી અને ગ્રાહકના કેવાયસી સહીતની તમામ માહિતી પરથી બેન્ક ગ્રાહકને વધુ સારી રીતે મુલવી શકશે.લોન માટે વ્યાપક પસંદગી રીઝર્વ બેન્ક દ્વારા માન્ય એપથી ગ્રાહકોને મળશે.તો તેની મદદથી લોન લેવાની ઇચ્છા ધરાવનાર ગ્રાહક તેની ધિરાણ જરૂરીયાતને દર્શાવી શકશે.બેંકો તેના પરત ગ્રાહકને વ્યાજદર કે ધિરાણ માહિતી શરતો ઓફર કરશે અને તેમાં વાટાઘાટ પણ થઈ શકશે . સરકાર માને છે કે આ ઓનલાઈન સવલતથી લોન લેનાર ગ્રાહકને સરળતા થશે અને બેન્કોના ધકકા બંધ થશે.તો બીજી તરફ બેન્કો તેના ગ્રાહકના ક્રેડીટ સ્કોટના આધારે વ્યાજદર કે અન્ય શરતો પણ ઓફર કરી શકશે.

જો કે આ ડેટા ફકત માન્ય બેન્કો કે વિમા કંપનીઓ તેના ગ્રાહકને જાણવા માટે જ જોઈ શકશે.તેનો અન્ય કોઈ ઉપયોગ કરી શકશે નહી.એટલું જ નહી પરંતુ બેંક આ ડેટા ખુદના સર્વરમાં પણ લઈ શકશે નહી.એક વખત ધિરાણ ફાઈનલ થયા બાદ બેન્ક જરૂરી દસ્તાવેજો હાલની પ્રક્રિયા મુજબ મેળવી શકશે.