DIAMOND TIMES – આર્ગાઈલ ખાણના ગુલાબી,લાલ અને વાયોલેટ કલરના ત્રણ બહુમુલ્ય, દુર્લભ અને સૌથી સુંદર રંગીન હીરાનો અનન્ય સંગ્રહ છે.જેને અમેરીકાના એક શ્રીમંત પરિવારે ખરીદી લીધો છે.પરંતુ સલામતિને ધ્યાનમાં રાખી ટેક્સાસ રાજ્યનાં હ્યુસ્ટનમાં રહેતા આર્ગાઈલ કલેક્શનની ખરીદી કરનાર શ્રીમંત પરિવારનું નામ કે આર્ગાઈલ કલેક્શનની વેંચાણ કીંમત જાહેર કરવામાં નથી આવી.જેથી આ સંગ્રહની કીંમત અને તેના માલિક અંગે હાલ તો એક મોટુ રહસ્ય છે.આર્ગાઈલ ખાણના આ હીરા એટલા મુલ્યવાન અને દુર્લભ છે કે ડાયમંડ કટર્સ ઇન્ટરનેશનલ નામની વ્યાપારીક સંસ્થાએ આ કલેક્શનને “મલ્ટી-મિલિયન ડોલર કલેક્શન”ની ઉપમા આપી છે.
મલ્ટી-મિલિયન ડોલર કલેક્શનમાં આર્ગાઈલ ખાણના દુર્લભ મિલેનીયા પિંક,મિલેનીયા રેડ અને મિલેનીયા વાયોલેટ મળી કુલ ત્રણ હીરાનો સમાવેશ થાય છે.જે પૈકી મિલેનીયા પિંક 15 કેરેટ વજન અને I1 ક્લેરેટી ધરાવતો ફેન્સી ડીપ ઓવલ કટ ગુલાબી હીરો છે.જ્યારે GIA દ્વારા સર્ટીફાઈડ કરેલો બીજો પ્યોર ફેન્સી vs2 ક્લેરીટી ધરાવતો મિલેનીયા રેડ તેના પર પડાતા પ્રકાશના આધારે રંગ બદલે છે.વળી આ હીરો પેરિડોટ (ઓલિવિન) ગ્રીન હર્ટ ધરાવતો અત્યંત અસાધારણ હીરો છે.આ સંગ્રહમાં સમાવિષ્ટ અંતિમ અને ત્રીજો હીરો મિલેનીયા વાયોલેટની વાત કરીએ તો તે 0.33 કેરેટ વજનનો વિશ્વનો સૌથી મોટો વાયોલેટ (BL3+)હીરો છે. SI2 ક્લેરીટી,ફેન્સી ડાર્ક ગ્રે વાયોલેટ કલર ગ્રેડના હીરાને GIA દ્વારા પ્રમાણિત કરાયો છે.
ડાયમંડ કટર્સ ઇન્ટરનેશનલ કંપનીના સીઇઓ ફ્રેડ કુએલરએ કહ્યુ કે મલ્ટી-મિલિયન ડોલર કલેક્શન આર્ગાઈલ ખાણમાથી ઉત્પાદીત કરેલા વિશ્વના સૌથી મોટા લાલ,ગુલાબી અને વાયોલેટ હીરાનો સંગ્રહ છે.ઉલ્લેખનિય છે કે ડાયમંડ કટર્સ ઇન્ટરનેશનલના સ્થાપક અને સીઇઓ ફ્રેડ કુએલરનો વિશ્વના ટોચના હીરા નિષ્ણાત તરીકે સમાવેશ થાય છે. ફ્રેડ કુએલર વોલ સ્ટ્રીટ જર્નલ , ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ,ધ હ્યુસ્ટન ક્રોનિકલ અને એમએસએનબીસી સહીતની એજન્સીઓ માટે હીરા નિષ્ણાત અને સલાહકાર તરીકેની ભુમિકા નિભાવી રહ્યા છે. આ ઉપરાંત તેઓ અમેરિકાના પાંચ ભુતપુર્વ રાષ્ટ્રપતિઓ અને સાઉદી રાજવી પરિવારના ઝવેરી રહી ચુક્યા છે હાલ તે રેડબુલ અને લાયન્સગેટના સત્તાવાર જ્વેલર તરીકે કાર્યરત છે. વિશ્વના શ્રેષ્ઠ હીરા નિષ્ણાંત વ્યક્તિએ આર્ગાઈલ કલેકશનને મલ્ટી-મિલિયન ડોલર કલેક્શનની ઉપમા આપી છે.