નાના માટે મોટી સમસ્યા તો મોટા માટે મોટી તક : રફ હીરાના પુરવઠાની તંગી યથાવત રહેવાનું અલરોઝાનું નિવેદન

83

DIAMOND TIMES – રફ હીરાના પુરવઠાની તંગી વચ્ચે અલરોઝાએ ગત ઓક્ટોબરમાં કુલ 308 મિલિયન ડોલરના રફ અને પોલિશ્ડ હીરાનું વેચાણ કર્યું છે.ઉલ્લેખનિય છે કે કોરોના મહામારી પર કાબુ આવતા અને કોવિડ પ્રતિબંધો હળવા થયા પછી વૈશ્વિક બજારમાં અણધારી રીતે રફ હીરાની ઊંચી માંગને પહોંચી વળવા અલરોઝા સહીત મોટાભાગની તમામ રફ કંપનીઓ હજુ પણ ભારે સંઘર્ષ કરી રહી છે.આ બાબત નાની કંપનીઓ માટે મોટી સમસ્યા બનવાની છે તો મોટી કંપનીઓ માટે મોટી તક સાબિત થવાની ધારણા છે.

એક તરફ રફ હીરાની તંગી છે તો બીજી તરફ દીવાળી પછી પણ વૈશ્વિક બજારમાં તેજીના પગલે રફની માંગ અને કીંમત વધવાની જાણકારો ધારણા રાખી રહ્યા છે.અમેરીકન સંસ્થા નેશનલ રિટેલ ફેડરેશન (NRF) ના અહેવાલમાં આગાહી કરવામાં આવી છે કે અમેરીકન નાગરીકોની 2.5 ટ્રિલિયન ડોલરની ખર્ચ ક્ષમતાથી હીરા-ઝવેરાત ઉદ્યોગ સુપરચાર્જ થયો છે.કોરોના મહામારી દરમિયાન સરકારે આપેલી આર્થિક મદદ અને અમેરીકન નાગરીકોએ કરેલી બચત આગામી નાતાલની રજાઓમાં વેંચાણ વધારવા માટે મુખ્ય પરિબળ હશે એમ NRFના અર્થશાસ્ત્રી જેક ક્લીનહેન્ઝનું માનવુ છે.

ક્લીનહેન્ઝે જણાવ્યું હતું કે હોલીડેના આઉટલૂક પર મોટી અસર કરવા માટે લગભગ 2.5 ટ્રિલિયન ડોલરની બફર બચત સહીત અનેક સકારાત્મક પરિબળો એકસાથે આવે છે.વર્ષના અંતિમ મહિનામાં ગ્રાહકો ખૂબ જ અનુકૂળ સ્થિતિમાં છે.જેથી આગામી નાતાલ અને લગ્નસરાની સિઝનમાં અમેરીકામાં હીરા-ઝવેરાતની ધુમ ખરીદી થવાની અપેક્ષા વચ્ચે દીવાળી પછી પણ હીરા ઉદ્યોગમા તેજી બરકરાર રહેવાની જાણકારો ધારણા રાખી રહ્યાં છે.

અલરોસાના ડેપ્યુટી સીઇઓ એવજેની અગુરીવે જણાવ્યું કે કોરોના કાળ માં આવેલી મંદીના સમયગાળા દરમિયાન ખાણ કંપનીઓ પાસે રહેલા અનામત રફ હીરાના પુરવઠાને કારણે રફ હીરાની માંગને પંહોચી વળાયુ હતુ.પરંતુ ત્યારબાદ રફ હીરાના ઉત્પાદનમાં 20% જેટલો કાપ આવતા અને માંગ બરકરાર રહેતા રફના પુરવઠાની અછત ઉભી થઈ હતી. નેચરલ ડાયમંડ જ્વેલરીની માંગના પગલે રફ હીરાની માંગ વધુ રહેતી હોવાથી ઉત્પાદન વધારવાની મર્યાદિત ક્ષમતા ઓ વચ્ચે પણ અલરોઝા એ ગોખરાન પાસે રહેલો રફ હીરાનો અનામત જથ્થો ખરીદી પુરવઠા અને માંગને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ આમ છતા પણ વર્તમાન સમયે મોટાભાગની રફ કંપનીઓ રફ હીરાના પુરવઠાની અછતનો સામનો કરી રહી છે.