નેચરલ હીરાની સાથે લેબગ્રોન હીરાની ભેળસેળ દ્વારા છેતરપીંડી આચરવાના ઉપરા છાપરી બનાવો પછી ચોમેર છવાયેલા અવિશ્વાસના અંધકાર વચ્ચે હીરા – ઝવેરાત પ્રત્યે ગ્રાહકોનો વિશ્વાસ અને ઉદ્યોગને હેમખેમ રાખવા હીરાની સરળ અને ઝડપી ચકાસણી માટે અત્યંત નિર્ણાયક સમયે આધુનિક ટેકનોલોજી ધરાવતા મશીનની વિશાળ શ્રેણીની ભેટ આપનાર સુરતની ટેકનોલોજી કંપનીઓના યશસ્વી યોગદાનને પણ બિરદાવવું જોઇએ…
DIAMOND TIMES – કોરોનાની પરિસ્થિતિ થાળે પડતા સ્થાનિક બજારમાં હીરાના કારોબારમાં ગતિ આવી છે.તેની સાથે હવે હીરાની લે-વેંચ અગાઉ વિશ્વાસે વહાણ ચલાવવાના બદલે ડીલ ફાયનલ કરતા અગાઉ હીરાના પરિક્ષણ કાર્યમાં પણ ગતિ આવી છે.સ્થાનિક બજારમાં હીરની ચકાસણી કરવાના ટ્રેંડથી નિર્ભયપણે સલામત રીતે હીરાના કારોબાર થઈ રહ્યા છે.જેનો એ ફાયદો એ થયો છે કે નેચરલની સાથે લેબગ્રોનની ભેળસેળની ઘટના પકડાય તો પણ તેની સ્થાનિક બજારમાં કોઇ નકારાત્મક અસર થતી નથી.
તાજેતરમાં જ લેબોરેટરીમાં નેચરલ હીરાના સર્ટિફિકેટ સાથે પરિક્ષણમાં મોકલવામા આવેલા હીરાઓની તપાસ દરમિયાન 6.18 કેરેટ હીરા લેબગ્રોન તરીકે ઓળખાયા હતા.આ તમામ હીરાઓનો લોટને લેઝર સાથે મોકલવામાં આવ્યો હતો.આ ઘટનામાં નેચરલ ડાયમંડ મોનિટરિંગ કમિટિ છેતરપીંડી આચરનાર વિરૂધ્ધ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તેના પર સમગ્ર ઇન્ડસ્ટ્રીની નજર છે.જે હીરા ઉદ્યોગકાર આ પ્રકારની ખોટી પ્રેક્ટિસમાં સામેલ હશે તે કંપની કે વ્યક્તિને બ્લેકલિસ્ટ કરવાની સાથે અન્ય પ્રકારની પણ કડક કાર્યવાહી થાય તેવી મોટાભાગના ઉદ્યોગકારો અપેક્ષાઓ રાખી રહ્યા હશે.નેચરલની સાથે લેબગ્રોનની ભેળસેળ ની ઘટનાઓ પર નિયંત્રણ લાવવા ખાસ નેચરલ ડાયમંડ મોનિટરિગ કમિટિની રચના કરવામાં આવી છે.આ કમિટી ડાયમંડની ખરીદી અને વેચાણ કરનારા વિશ્વના દેશોમાં મોનિટરિંગ કરે છે . ભૂતકાળમાં નેચરલની સાથે સિન્થેટિકની ભેળસેળ દ્વારા છેતરપીંડી કરીને હીરા ઉદ્યોગની શાખને બટ્ટો લગાડનાર કેટલીક કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી.
હીરાની લે-વેંચ અગાઉ હીરાની ચકાસણી કરવાના અનેક ફાયદા : વિપુલ સાચપરા
મહીધરપુરા હીરા બજારમાં ઓફીસ ધરાવતા હીરા કારોબારી વિપુલ સાચપરાએ કહ્યુ કે આધુનિક ટેકનોલોજી ધરાવતી મશીનરી ઉપલબ્ધ થતા આજથી બે વર્ષ અગાઉની તુલનાએ હીરા પરિક્ષણની કોસ્ટ અને સમયમાં ખુબ જ ઘટાડો થયો છે.પરિણામે મોટાભાગના હીરાના સોદા ફાયનલ થતા અગાઉ હીરાની ખરીદી કરનાર પાર્ટી ફરજીયાત પણે હીરાના લેબપરિક્ષણનો આગ્રહ રાખે છે.હીરાના પરિક્ષણ કરવાના લાભો અંગે પ્રકાશ પાડતા વિપુલભાઈએ ઉમેર્યુ કે આ પ્રકારની સાવચેતીના કારણે નેચરલ હીરાની સાથે લેબગ્રોન હીરાની ભેળસેળ દ્વારા થતી છેતરપીંડીની ઘટનાઓ પર સદંતર બ્રેક લાગી છે.આમ છતા પણ ક્યારેક કોઇ આવી ઘટના સામે આવે તો પણ તેની કોઇ મોટી નકારાત્મક અસર સ્થાનિક સ્તરે હીરાના કારોબાર પર થતી નથી.વળી હીરાના કારોબાર સાથે સંકળાયેલા વેપારીઓ સારી રીતે જાણે છે કે હીરાના પરિક્ષણ પછી જ ડીલ ફાયનલ થવાની છે.જેથી કોઇ ચિટર ઇચ્છે તો પણ હીરાની ભેળસેળની હીંમત કરતા નથી કે કોઇને છેતરી શકતા નથી.