હાઉ ધ જોશ ? વેરી હાઈ ! સર… : મશીનરીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાનો ટેકનોલોજી કંપનીઓનો મક્કમ નિર્ધાર

વિદેશી કંપની દ્વારા કોપીરાઈટના મુદ્દે હીરા ઉદ્યોગમાં કરવામાં આવેલી રેડનો પ્રચંડ વિરોધ કરવા મીની બજાર પટેલ સમાજની વાડી ખાતે મળેલી બેઠકમાં કારોબારીઓની જંગી ઉપસ્થિતિ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મેઈક ઇન્ડીયા અને આત્મનિર્ભર ભારતના સુત્રને સાર્થક કરવા પ્રતિબધ્ધતા વ્યકત કરાઈ,સુરત ડાયમંડ મશીનરી અને ટેક્નોલોજી એસોસિયેશનની પણ સ્થાપના થઈ.

સંગઠન કી ખાતિર, થોડા ખુદ કો ભી બદલ
એકતા અ૫ની તાકાત હો ઔર ઇરાદે હે અટલ
હર મુશ્કિલ કા હલ નિકલેગા, કદમ મિલાકર ચલ
મંજિલ હમકો જરૂર મિલેગી, આજ નહિ તો કલ

DIAMOND TIMES/COVER STORY :  એકતા અને સંગઠનનો એક એવી તાકાત છે કે જે શક્તિશાળી અને મોટી મોટી મહાસત્તાને પણ ધુળ ચાટતી કરવાની ક્ષમતા ધરાવે છે.સંગઠન મોટા ભાગે તેમના પર આવી પડેલી અચાનક વિપત્તિના કારણે જ અસ્તિત્વમાં આવે છે.ઇતિહાસના પાના ફંફોળીએ તો ખ્યાલ આવશે કે બિઝનેસ સહીત દરેક ક્ષેત્રના મોટાભાગના સંગઠનોની રચના તેના પર આવેલી આપત્તિના કારણે થઈ છે.જ્યારે અસ્તિત્વ ટકાવી રાખવાનો સવાલ આવે કે પછી અન્યાય સામે અવાજ ઉઠાવવાની નોબત આવે ત્યારે જ એક મજબુત સંગઠનની સ્થાપના થતી હોય છે.

આજથી વર્ષો પહેલા હીરા ઉદ્યોગમાં હીરાને તૈયાર કરવા માટે વપરાતી મશીનરી અને સોફ્ટવેર બનાવતી ટેકનોલોજી કંપનીઓ માટે એક સંગઠનની તાતી આવશ્યકતા છે,એ મતલબનો એક લેખ મે લખ્યો હતો.આ ક્ષેત્રમાં સરકારી સહાયની યોજનાઓનો લાભ લેવા,વિવિધ સમસ્યાઓનું નિરાકરણ લાવવા,સમસ્યાઓની સરકાર સહીત વિવિધ વિભાગોમાં યોગ્ય રજુઆત કરવા,તેમજ જે રીતે કાપડ ઉદ્યોગમાં ટેકનોલોજી અપગ્રેડશન ફંડ (ટફ)ની યોજના છે,આ પ્રકારે હીરા ઉદ્યોગમાં વપરાતી મશીનરી માટે પણ સરકારની વિવિધ યોજનાઓનો ગ્રાહકોને લાભ અપાવવા સહીત આ ક્ષેત્રના નાના-મોટા ઉદ્યોગ સાહસિકોના આર્થિક અને વ્યાપારીક હીતોની જાળવણી માટે સંગઠનની આવશ્યકતાઓ અંગે તે લેખમાં મશીનરી નિર્માતા કંપનીઓમાં જાગ્રુતિ લાવવાનો એક નમ્ર પ્રયાસ કરેલો.

પરંતુ એ સમયે તેની ઉદ્યોગમાં કોઇ અસર થઈ ન હતી.શુધ્ધ કાઠીયાવાડી ભાષામાં કહુ તો પુછડા મઈડવા છતા પણ સુરતમાં હીરાને તૈયાર કરવા માટે મશીનરી બનાવતી વિવિધ નાની-મોટી કંપનીઓના હીત માટેનો એ લેખ બેઅસર અને કાળમીંઠ પત્થર પર પાણી નાખવા જેવો રહ્યો હતો. વળી એસોસિયેશનની સ્થાપના માટે કોઇ પણ હીલચાલ પણ થઈ ન હતી.બસ તેનુ કારણ માત્ર એટલુ જ હતુ કે મે લખેલો એ લેખ સમયસરનો નહી, પણ કસમયનો હતો !!!

સુરત ડાયમંડ એસો.દ્વારા આયોજીત કેરેટ એક્સ્પો નેટવર્ક ડીનર મીટમાં ગોવિંદભાઈ ધોળકીયાએ સંગઠન શક્તિનું મહત્વ સમજાવ્યુ

વિદેશી કંપની દ્વારા કોપીરાઈટના મુદ્દે હીરા ઉદ્યોગમાં કરવામાં આવેલી રેડના વિરોધમાં મીની બજાર પટેલ સમાજની વાડી ખાતે મળેલી બેઠકને સમાંતર કતારગામ ખાતે સુરત ડાયમંડ એસો. દ્વારા કેરેટ એક્સ્પોના પ્રમોશન માટે નેટવર્ક ડીનર મીટનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમા હીરા ઉદ્યોગના પિતામહ ગોવિંદભાઈ ધોળકીયા,વીએસ લખાણી,મથુરભાઈ સવાણી સહીત અનેક દીગ્ગજો અને કારોબારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આ કાર્યક્રમમાં હીરા ઉદ્યોગના વિકાસ માટે તેમજ સામાજીક ક્ષેત્રે સુરત ડાયમંડ એસો. દ્વારા કરવામાં આવેલી કામગીરીની ગોવિંદભાઈ ધોળકીયાએ સરાહના કરી હતી. ઉપરાંત તેમણે એસોસિયેશનની સ્થાપનાના સમયકાળના સંભારણા વાગોળતા કહ્યુ હતુ કે હીરા ઉદ્યોગની કોઇ સમસ્યાને સરકારમાં રજુઆત કરવા એક લેટરપેડની આવશ્યકતા હતી. જેથી માત્ર એક લેટરપેડ માટે જ 1988માં સુરત ડાયમંડ એસો.ની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ સમય જતા આ સંસ્થાએ હીરા ઉદ્યોગના વિકાસ માટે જે કામગીરી કરી છે તેની એ સમયે કોઇએ કલ્પના પણ કરી ન હતી. આ રીતે ગોવિંદભાઈએ સંગઠન શક્તિનું મહત્વ સમજાવ્યુ હતુ.

ગોવિદભાઈ ધોળકીયાની ઉપરોક્ત પ્રેરણાદાયી વાતનો ટૂંકસાર એ છે કે નેસેસરી ઈઝ મધર ઓફ ઇન્વેન્શન.એટલે કે જરૂરીયાત જ નવી શોધની જનની છે.મતલબ કે જ્યારે કોઇ ચીજની જરૂરીયાત ઉભી થાય ત્યારે નવા આવિષ્કાર થતા હોય છે. મોટાભાગના લોકોનો અભિપ્રાય એવો રહ્યો છે કે અત્યાર સુધી હીરા ઉદ્યોગ માટે મશીનરી બનાવતી કંપનીઓને એસોસિયેશનની જરૂરીયાત કદાચ નહી હોય,પરંતુ હવે આકસ્મિક રીતે આવેલી આફતના પગલે એક મજબુત સંગઠનની જરૂરીયાત ઉભી થતા જ નવા તાબડતોબ ડાયમંડ મશીનરી એન્ડ ટેકનોલોજી એસો.ની સ્થાપના કરવામાં આવી છે.

ડુપ્લિકેટ મશીનરી કાર્યવાહી મામલો વધુ ઉગ્ર બનતા વિદેશી કંપની વિરુધ્ધ આક્રોશ

રફ હીરાને તૈયાર કરવા માટે અત્યંત મહત્વપુર્ણ અને આધુનિક મશીનરી અને સોફટવેર બનાવતી વિદેશી કંપની દ્વારા ડુપ્લીકેટ સોફટવેર અથવા તો ડુપ્લીકેટ મશીનરીના વપરાશ થતો હોવાના આરોપ હેઠળ સ્થાનિક ભારતિય ટેકનોલોજી કંપનીઓ અને કથિત ડુપ્લીકેટ મશીનરી કે સોફ્ટવેરનો ઉપયોગ કરતી હીરાની કંપનીઓ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કમગીરીમાં અંદાજે 200 થી પણ વધુ હીરાની કંપનીઓમાં ચાલતી મશીનરીને સીલ કરી દેવામાં આવી હોવાના દાવાના પગલે સુરતના સમસ્ત હીરા ઉદ્યોગમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

ડુપ્લિકેટ મશીનરી કે સોફટવેરના ઉપયોગના આરોપ હેઠળ કારખાનેદારો પર દરોડાની કાર્યવાહીના પગલે આ મુદ્દે સુરત ડાયમંડ એસોસિયેશનમાં રજુઆત કરવામાં આવી હતી.જે કંપનીઓ પર કાર્યવાહી થઈ હતી તેવી કંપનીઓના અનેક પ્રતિનિધિઓની બેઠક એસોસિયેશન ખાતે મળી હતી. આ બેઠકમાં આ મામલો વધુ ઉગ્ર બન્યો હતો.પરિણામે વિદેશી કંપની દ્વારા હાથ ધરવામાં આવેલી દરોડાની કાર્યવાહી મામલે ઇંટનો જવાબ પત્થરથી આપવા ખાસ રણનીતી ઘડી સામુહીક રીતે અવાજ ઉઠાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને સુરત ડાયમંડ એસોસિયેશનના બેનર હેઠળ ગત તારીખ 30 મે અને સોમવારના રોજ સુરતના હીરા ઉદ્યોગકારો તેમજ હીરાઉદ્યોગમાં મશીનરી બનાવતી કંપનીઓના માલિકોની એક જંગી બેઠક વરાછા મીની બજાર સ્થિત પટેલ સમાજની વાડી ખાતે મળી હતી.

આ બેઠકમાં અગ્રણીઓ અને હોદ્દેદારોએ કહ્યું હતું કે વિદેશી કંપનીની મોનોપોલી તોડીવાની શરૂઆત સુરતથી થશે. ડાયમંડ એસોસિયેશન સાથે અન્ય એસોસિએશન દ્વારા એક સૂરમાં વિદેશી મશીનોની મોનોપોલી તોડવા હાંકલ કરવામાં આવી હતી.આ ઉપરાંત જે મશીન કરોડોના ભાવે ઉદ્યોગકારો ખરીદી રહ્યાં છે તે મશીન સુરતમાં 8 થી 25 લાખમાં સ્થાનિક ટેકનોલોજી કંપનીઓ બનાવી રહી હોવાનો પણ અગ્રણીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.

હીરા ઉદ્યોગ વિદેશી કંપનીના ખોટા આક્ષેપોના તાબે થશે નહીં : જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશભાઈ નાવડિયા

જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશભાઈ નાવડિયાએ બેઠકમાં ઉપસ્થિત કારોબારીઓને સંબોધતા કહ્યું હતુ કે હીરાઉદ્યોગ સામે કોપીરાઇટનો જે મુદ્દો આવીને ઊભો રહ્યો છે તે ખૂબ જ પેચીદો છે.પરંતુ હીરા ઉદ્યોગ કોઈ પણ વિદેશી કંપનીના ખોટા આક્ષેપોના તાબે થશે નહીં. વિદેશી કંપનીઓના હીરા કટિંગના મશીનોની જે મોનોપોલી છે તે હવે સુરતના સાહસિકો તોડીને રહેશે.તેમણે કહ્યું કે વડાપ્રધાન પોતે પણ “મેક ઇન ઇન્ડિયા” અને “આત્મનિર્ભર ભારત” ઉપર વિશેષ કામ કરી રહ્યા છે.ત્યારે સુરતમાં હવે સ્થાનિક કંપનીઓ દ્વારા આ પ્રકારની આધુનિક મશીનરી તૈયાર થાય તે દિશામાં આગળ કામ થવું જરૂરી છે.

લેબગ્રોન ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઈ વાઘાણીએ કહ્યું કે વિદેશી કંપનીઓ ભલે કાવાદાવા કરી કોપીરાઇટનો કેસ કરવા માંગતી હોય, પરંતુ આપણે તેમને કાયદાકીય રીતે યોગ્ય જવાબ આપીશું. તેની સામે આપણી લીગલ ટીમ કાયદેસર રીતે લડશે. તેમણે ઉમેર્યુ કે હીરાઉદ્યોગ સામે વિદેશી કંપનીઓ પોતાની લડત શરૂ કરી છે ત્યારે ઇંટનો જવાબ પત્થરથી આપવા સુરત ડાયમંડ એસોસિયેશન,લેબગ્રોન ડાયમંડ એસોસિયેશન અને સુરત ડાયમંડ મશીનરી એન્ડ ટેકનોલોજી એસોસિએશન ત્રણેય સાથે રહીને આ લડાઈને આગળ વધારશે.

હીરા ઉદ્યોગમાં કોપીરાઈટ મુદ્દે પડતી રેડ માટે ખુદ આપણે જ જવાબદાર : વકીલ પ્રવિણભાઈ દેવમુરારી

કોપીરાઈટ કેસમાં વકીલ તરીકે પ્રવીણભાઈ દેવમુરારી હીરા ઉદ્યોગ તરફથી લડત આપી રહ્યાં છે.પ્રવીણભાઈએ બેઠકમાં ઉપસ્થિત ઉદ્યોગકારોને કાયદાકીય માહીતી આપતા કહ્યું કે વર્ષોથી ચાલતા આપણા હીરા ઉદ્યોગમાં આવી સ્થિતિ ઊભી થવા પાછળ ઉદ્યોગમાં જોડાયેલા લોકોના ઉદારપણું અને માત્ર આપણે જ જવાબદાર છીએ. આ સમગ્ર કેસ સંભાવના અને શક્યતા ઉપર આધારિત છે.વિદેશી કંપનીઓ કોઈ પણ પ્રકારના પુરાવા વગર જ માત્ર દાવાના આધારે કેસ લડી રહી છે.વિદેશી કંપની માત્ર આરોપ કરી રહી છે કે અમારા સોફ્ટવેરનો ગેરકાયદે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

તેમણે ઉમેર્યુ કે કોઈ પણ એક પ્રકારના કામમાં વપરાતું સોફ્ટવેર એકબીજાને મળતું આવે તે સ્વાભાવિક છે. પરિણામે તેનાથી ડરી જવાની જરૂર નથી. તેમણે સવાલ કર્યો હતો કે વિદેશી કંપનીનું સોફ્ટવેર અન્ય લોકો દ્વારા વાપરવામાં આવે છે તેને લઈને તેની પાસે કયા પુરાવા છે તે અંગે આપણને કોઈ માહિતી નથી. પેટન્ટ એક્ટ હેઠળ કોઈ શોધ પ્રથમ વખત કરી હોય તેની કોઈ ડુપ્લિકેશન કરવામાં આવ્યો હોય તો જવાબદારી બને છે.બહેરીન યુનિયન સમજૂતી થયેલી હોય અને તેમા જે દેશ સભ્ય હોય તે દેશના કાયદા હેઠળ જો કોઈ કંપનીએ કોપી રાઈટના હક્કો મેળવ્યા હોય તો તેનો અમલ કરાવી શકાય છે.પરંતુ હાલનો આ કેસ માત્ર શક્યતા અને સંભાવનાને આધારે જ આગળ ચાલી રહ્યો છે.

ડાયમંડ મશીનરી એન્ડ ટેકનોલોજી એસો.ની રચના : મશીનરીના ક્ષેત્રમાં હીરા ઉદ્યોગને આત્મનિર્ભર બનાવવાની પ્રમુખ વિપુલ ધામેલિયા પર મોટી જવાબદારી

કહો દુશ્મનને, દરિયા જેમ હું પાછો જરૂર આવીશ,એ મારી ઓટ જોઇને કિનારે ઘર બનાવે છે. …!! આ પંક્તિ પણ ભારતના હીરા ઉદ્યોગકારો માટે સહેજ પણ સંકોચ વગર બેધડક વાપરી શકાય તેમ છે. કારણ કે ભારતનો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ લડાયક મિજાજ ધરાવે છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે હીરા ઉદ્યોગની સામે અસ્તિત્વનો સવાલ આવ્યો છે,ત્યારે હીરા ઉદ્યોગની ચમક-દમકમા અનેક ગણો વધારો થયો છે. આ માટે હીરા ઉદ્યોગને અડીખમ રાખતા ચાર મુખ્ય મજબુત આધારસ્તભો છે. જેમા અત્યંત નિર્ણાયક સમયે જ આધુનિક ટેકનોલોજી યુક્ત મશીનરીની ભેટ આપનાર ટેકનોલોજી કંપનીઓનું અમુલ્ય યોગદાન રહ્યું છે.

સુરતમાં ડાયમંડ મશીનરી એન્ડ ટેકનોલોજી ક્ષેત્ર ખુબ જ વિકસી ગયુ છે.આમ છતા પણ તે અત્યાર સુધી અસંગઠીત હતુ.પરિણામે જ્યારે આ ક્ષેત્ર સાથે સંકળાયેલી કોઇ કંપનીને સમસ્યા આવે ત્યારે તેનું નિરાકરણ લાવવામાં ખુબ મોટી તકલીફ ઉભી થતી હતી. પરંતુ હવે આ ક્ષેત્ર સંગઠીત બન્યુ છે.હવે ડાયમંડ મશીનરી એન્ડ ટેકનોલોજી એસો.અસ્તિતવમાં આવ્યુ છે. ડાયમંડ મશીનરી એન્ડ ટેકનોલોજી એસો.ના પ્રમુખની જવાબદારી મોગલ લેસર ટેકનોલોજી કંપનીના માલિક વિપુલભાઈ ધામેલિયા (માઢડા)ના મજબુત ખભા પર મુકવામાં આવી છે.

મશીનરીના ક્ષેત્રમાં હીરા ઉદ્યોગને આત્મનિર્ભર બનાવવાની ડાયમંડ મશીનરી એન્ડ ટેકનોલોજી એસો.ની ખુબ મોટી જવાબદારી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો આ ક્ષેત્રને લાભ મળવો જોઇએ. ઉપરાંત આ ક્ષેત્રમાં રિચર્સ અને ડેવલપમેન્ટ માટે પણ નવી તકો સતત શોધવાની આવશ્યકતાઓ ઉભી થવાની છે. આ અંગે વિપુલ ધામેલિયાએ પ્રતિભાવ આપતા કહ્યું કે અમારી કમિટી આ ક્ષેત્રના વિકાસ માટે પ્રતિબધ્ધ છીએ.આ માટે અમારે ઉદ્યોગ સાહસિકો અને અમારા સભ્યોનો અમને ભરપુર સહયોગ મળી રહેશે એવી અપેક્ષા રાખીએ છીએ.

સિક્કાની બીજી બાજુ: રિસર્ચ એન્ડ ડેવલપની કામગીરી પ્રભાવિત થવાથી હીરા ઉદ્યોગને લાંબાગાળે નુકશાન થવાની ભીતી રહેલી છે

કોઇ પણ કામ હોશ ગુમાવીને જોશમાં કરવાથી તેનું ભારે વિપરીત પરિણામ પણ મળતુ હોય છે એ પણ સિક્કાની બીજી બાજુ છે.આવેશમાં આવી જઈને ટૂંકાગાળાના લાભ માટે કરેલી કામગીરી લાંબાગાળે વધુ નુકશાન કરાવી શકે છે તે પણ ન ભુલવું જોઇએ. સુરતના હીરા ઉદ્યોગના વિકાસમાં આધુનિક ટેકનોલોજીનું ખુબ મોટૂ મહત્વ છે.આ ક્ષેત્રે સતત નવા નવા આવિષ્કારના કારણે સુરતનો હીરા ઉદ્યોગ ગ્રુહ ઉદ્યોગના મર્યાદીત દાયરામાથી બહાર આવી આંતરરષ્ટ્રીય ફલક પર વિસ્તરી ગયો છે.આજથી બે-ત્રણ દાયકા પહેલા હીરા તૈયાર કરવા થતી કામગીરીની સમીક્ષા કરીએ તો ખ્યાલ આવશે કે એ સમયે ધરતીની મુલ્યવાન સંપતિ એવા કીંમતો હીરાનો પાવડર કરી તેને વેડફી નાખી હતી.

આપણે સહુ જાણીએ છીએ કે રિચર્સ અને ડેવલપિંગમાં કરોડોનું મુડી રોકાણ કરી હીરાને તૈયાર કરવા માટે આધુનિક મશીનરીનું નિર્માણ અને તેના ઉપયોગ પછી હીરાને તૈયાર કરવાની કામગીરીમાં ખુબ મોટૂ સકારાત્મક પરિવર્તન આવ્યુ છે.હીરાના ગુણવત્તા યુક્ત ઉત્પાદન માટે પણ આધુનિક મશીનરી સહાયક બની છે,જેનાથી ઉદ્યોગકારોના નફામાં પણ વધારો થયો છે.આ તમામ બાબતો જાયન્ટ ટેકનોલોજી કંપનીઓને આભારી છે.જો ટેકનોલોજી કંપનીઓને રિચર્સ અને ડેવલપિંગ પાછળ રોકેલા નાણાનું વળતર નહી મળે તો તેનાથી R&D ની કામગીરી પ્રભાવિત થઈ શકે છે.જેની લાંબાગાળે હીરા ઉદ્યોગમાં નકારાત્મક અસર થવાની પણ ભીતી છે,એ વાત પણ યાદ રાખવા જેવી છે. વિદેશી કંપનીઓ પર આધારીત રહેવાના બદલે આત્મનિર્ભર ભારતના સુત્રને સાર્થક કરવું એ આપણા સહુ માટે ગૌરવની બાબત છે. પરંતુ તે માટે આપણી સ્થાનિક સ્વદેશી કંપનીઓએ તેનો મજબુત વિકલ્પ બનવા આગળ આવી ખુબ મોટી જવાબદારી ઉપાડવી પડશે એ પણ એક વાસ્તવિકતા છે.