યુએસના 3504 કરોડના ઓનલાઇન જ્વેલરી બિઝનેસનો લાભ લેવો છે ? તો આ રહી ટીપ્સ

961

ચેમ્બર આયોજિત વેબિનારમાં અમેરીકામાં બિઝનેસ કરવા માટેના વિવિધ પ્રેકટીકલ સ્ટેપ્સ વિશે ઉદ્યોગકારોને માર્ગદર્શન અપાયું

DIAMOND TIMES – ટેન પ્રેકટીકલ સ્ટેપ્સ ફોર ડુઇંગ બિઝનેસ ઇન યુએસએ એન્ડ વીથ ગર્વમેન્ટ ઓફ યુએસએ વિષય ઉપર ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાત વકતા ગ્લોબલ નેટવર્ક,વાઇબ્રન્ટ માર્કેટ્‌સ,મેન્ટર ઓન રોડ,સ્માર્ટ વિલેજ અને વાઇબ્રન્ટીનર્સના ચીફ મેનેજિંગ ડિરેકટર ડો. જગત શાહે અમેરીકામાં ઓનલાઈન બિઝનેસ કરવા માટે મહત્વના દશ પ્રેકટીકલ સ્ટેપ્સ વિશે માર્ગદર્શન આપ્યું હતું.

ડો. જગત શાહે ઉદ્યોગકારોને માર્ગદર્શન આપતા કહ્યુ કે અમેરિકામાં 88 ટકા લોકો ઓનલાઇન ખરીદી કરે છે.જેના પર થી અંદાજ લગાવી શકાય તેમ છે કે સ્માર્ટફોન,ઇન્ટરનેટ અને ક્રેડીટ કાર્ડ ધરાવતા અમેરીકન નાગરીકો ઓનલાઇન બિઝનેસ કરવા ઇચ્છતા ભારતના ઉદ્યોગ સાહસિકોના ગ્રાહક બની શકે છે.અમેરીકામાં પ્રતિવર્ષ ગોલ્ડ એન્ડ જ્વેલરીનો રૂપિયા 3504 કરોડનો બિઝનેસ ઓનલાઇન થાય છે.આ બિઝનેસમાં મહત્વની બાબત એ છે કે ઓનલાઈન દ્વારા વેંચાણ થતી જ્વેલરીમાં જડવામાં આવેલા હીરા સુરતમાં તૈયાર થાય છે.જ્યારે મોટા ભાગની જ્વેલરી જયપુરમાં બનેલી હોય છે.જેથી આ ક્ષેત્રમાં રહીલી વિપુલ તકને જોતા ભારતના ઉત્પાદકોએ અમેરિકાના બાયર્સને શોધી તેમની સાથે બિઝનેસ નેટવર્ક વધારવું જોઇએ.ડો.શાહે સોસિયલ સાઈટ લીન્કડીન ઉપર એકાઉન્ટ ક્રિએટ કરી અમેરિકાના બાયર્સને કોન્ટેકટ કરવાની સલાહ આપી હતી.

આ ઉપરાંત અમેરિકાના બાયર્સ સાથે બિઝનેસ કરવામાં ખુબ જ સરળતા રહે એ અંગે ડો. જગત શાહે ઓનલાઇન વેબ સાઇટ વિશે અન્ય કેટલીક મહત્વપુર્ણ અને ઉપયોગી વિસ્તૃત માહિતી આપતા કહ્યુ કે અમેરિકામાં બિઝનેસ કરવા માટે વન-વે બેંક એકાઉન્ટ ખોલી શકાય છે.અગાઉ આ પ્રકારનું બેંક એકાઉન્ટ ખોલવા આરબીઆઇની મંજૂરી લેવી પડતી હતી.જેમા ત્રણેક મહિનાથી વધુનો સમય લાગતો હતો.પરંતુ હવે તો આરબીઆઇની મંજૂરી લેવાની જરૂર નથી રહી . કારણ કે ભારત સરકારે વિવિધ દેશોમાં નિર્યાત વધારવા માટે પ્રયાસ હાથ ધર્યા છે.

અમેરિકાના બાયર્સને પાર્ટનર બનાવી શકાય છે.

ઉદ્યોગ સાહસિકોને સંબોધતા ડો. જગત શાહે કહયું કે અમેરિકાના મોટા બાયર્સ કાયમ માટે તમારી સાથે જોડાયેલો રહે તે માટે તેને 25 ટકાના પાર્ટનર બનાવી શકાય છે.આ ઉપરાંત કોઇ પણ પ્રોડકટના કવોલિટી પ્રોડકશન માટે અમેરિકાના બાયર્સ સાથે મળીને રોકાણ પણ કરી શકાય છે.વર્તમાન સમયે આશરે 25 લાખ ઉદ્યોગકારો એમેઝોનના માધ્યમથી જ્વેલરી સહીતની વિવિધ ઉત્પાદનો સેલ કરે છે.જ્યારે 2 લાખ લોકો સ્વતંત્ર રીતે ઓનલાઈન સેલ કરીને વાર્ષિક રૂપિયા 75 લાખનો નેટ પ્રોફીટ કરે છે.આ કારોબાર શરૂ કરતા અગાઉ સંપૂર્ણપણે પ્રિપરેશન કરીને જ માર્કેટમાં જવાની તેમજ સ્પેન્ડ,વરી એન્ડ અર્નની દિશામાં આગળ વધવાની પણ તેમણે ઉદ્યોગ સાહસિકોને સલાહ આપી હતી.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે માનદ્‌ મંત્રી દીપક કુમાર શેઠ વાલાએ વેબિનારનું સંચાલન કર્યું હતું. વેબિનારમાં ઉદ્યોગ સાહસિકો દ્વારા કરાયેલા વિવિધ સવાલોના વકતાએ સંતોષકારક જવાબ આપ્યા હતા. વેબિનારના અંતે ચેમ્બરના ભૂતપૂર્વ માનદ્‌ મંત્રી મનિષ કાપડીયાએ સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.