ચુંટણીની સાથે ઉદ્યોગકારોની આ સમસ્યા પર પણ એક નજર નાખજો ને માયબાપ…!

968

            રૂંધાઈ રહ્યો જવેલરી ઉદ્યોગનો વિકાસ…

ગોલ્ડ જ્વેલરીની નિકાસકાર કંપનીઓ કાચામાલ એવા ડયુટી ફ્રી સોનાના પુરવઠાની તીવ્ર અછતનો સામનો કરી રહી છે પરિણામે આવી વિકટ સ્થિતિથી જ્વેલરીની નિકાસને અસર થઈ છે.ગોલ્ડ જ્વેલરીની નિકાસ કરતી કંપનીઓને ડયુટી ફ્રી સોનાનો નિયમિત પુરવઠો મળી રહે એ માટે સરકારે નિયુક્ત કરેલી નોડલ એજન્સીઓ પૈકી મોટાભાગની શોભાના ગાંઠીયા સમાન સાબિત થઈ રહી છે.આ એજન્સીઓ પાસેથી ડયુટી ફ્રી સોનાનો પુરવઠો મેળવવા લાંબી દસ્તાવેજીકરણ પ્રક્રિયા અને માર્જીન મની મેળવવામા થતો વિલંબ સહીતની અનેક સમસ્યાઓનો સરકારે તાત્કાલિક ઉકેલ લાવે તેવી જીજેઈપીસીએ સરકાર સમક્ષ માંગ કરી છે.

DIAMOND TIMES – ગોલ્ડ જવેલરીમાં ઉપયોગ થતા ડયુટી ફ્રી સોનાની અછતને કારણે ભારતમાથી થતી સોનાના આભુષણોની નિકાસને ખુબ મોટી અસર થઈ છે.પાછલા કેટલાક સમયથી ઉદ્યોગકારોને હેરાન -પરેશાન કરતી આ સમસ્યા અંગે જીજેઇપીસીએ વાણિજ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરી સુરેશ કુમાર સમક્ષ રજુઆત કરી છે. જીજેઇપીસીએ વાણિજ્ય વિભાગના જોઇન્ટ સેક્રેટરી સુરેશ કુમારને આ સમસ્યા બાબતે વિસ્તારથી સમજાવતા કહ્યુ કે વર્તમાન સમયમાં ગોલ્ડ જવેલરીની નિકાસકાર કંપનીઓ ડયુટી ફ્રી સોનાના પુરવઠાની તીવ્ર તંગીનો સામનો કરી રહી છે.જેના પરિણામે ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં જંગી ઘટાડો થયો છે.જેથી દેશ અને જ્વેલરી ઉદ્યોગના આર્થિક હીતને ધ્યાનમાં રાખી સરકારે તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાઓ ભરી ઉદ્યોગકારોની આ સમસ્યાનું નિવારણ લાવવુ જોઇએ.

જ્વેલરી ઉદ્યોગને સતાવતી આ સમસ્યા બાબતે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ ( જીજેઇપીસી)ના અધ્યક્ષ કોલિન શાહે કહ્યું કે જ્વેલરી નિકાસકાર કંપનીઓને ડયુટી ફ્રી સોનાનો પુરવઠો ઉપલબ્ધ કરાવવા સરકારે કેટલીક નોડલ એજન્સીઓની નિમણુંક કરી છે. જેથી સરકારે ગોઠવેલી વ્યવસ્થા મુજબ આ નોડલ એજન્સીઓ દ્વારા જ્વેલરી નિકાસકાર કંપનીઓને કોઇ મુશ્કેલી વિના આસાનીથી ડ્યુટી ફ્રી સોનાનો પુરવઠો ઉપલબ્ધ થાય એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ.

જીજેઇપીસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સબ્યસાચી રે એ કહ્યુ કે જ્વેલરી નિકાસકાર કંપનીઓને ડ્યુટી ફ્રી સોનાનો પુરવઠો ઉપલબ્ધ કરાવવા સરકારે કુલ 18 નોમિનેટેડ એજન્સીઓ નીમી છે.પરંતુ તે પૈકી અત્યારે 10 એજન્સીઓ પાસે જ ડ્યુટી ફ્રી સોનાનો પુરવઠો ઉપલબ્ધ છે.પડ્યા પર પાટૂ લાગવા સમાન બાબત એ છે કે આ નોડલ એજન્સીઓ પાસેથી ડયુટી ફ્રી સોનાનો પુરવઠો મેળવવા નિકાસકારોએ લાંબી દસ્તાવેજીકરણ પ્રક્રિયાઓમાંથી પસાર થવુ પડે છે.આ ઉપરાંત માર્જીન મની મેળવવામા થતો વિલંબ સહીતની અન્ય અનેક સમસ્યાઓની અસર તેમની કાર્યક્ષમતા પર પડે છે.જેથી આ બાબતે ધ્યાન આપીને સરકારે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવો જોઇએ.