લક્ઝરી વોચીસ બનાવતા સ્વિટ્ઝર્લેન્ડે પણ રશિયન સોના પર પ્રતિબંધ મૂક્યો

DIMAOND TIMES : યુક્રેન સામે યુદ્ધ શરૂ કર્યા બાદ રશિયાએ અમેરિકા તેમજ યુરોપના ઘણાં દેશો તરફથી પ્રતિબંધનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં સ્વિટ્ઝર્લેન્ડે ગઈકાલે રશિયામાંથી સોના અને અન્ય ધાતુઓની આયાત પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો હતો.

એક આદેશમાં સ્વિટ્ઝર્લેન્ડ સરકારે રશિયામાંથી સોના અને સોનાના ઉત્પાદનોની ખરીદી, આયાત અથવા પરિવહનને ગેરકાયદેસર જાહેર કર્યુ છે. સ્વિટ્ઝર્લેન્ડ વિશ્વના કુલ સોનાના ઉત્પાદનના 70 ટકા જેટલું રિફાઇન કરે છે જેનો ઉપયોગ લક્ઝરી ઘડિયાળ બનાવતા ઉદ્યોગકારો કરે છે.

એવું જોવામાં આવ્યું છે કે સ્વિટ્ઝર્લેન્ડ પરંપરાગત રીતે આંતરરાષ્ટ્રીય બાબતોમાં તટસ્થ વલણ અપનાવે છે. EU સભ્ય ન હોવા છતાં, સ્વિટ્ઝર્લેન્ડે રશિયા પર અગાઉના પ્રતિબંધો લાદવામાં તેની આગેવાનીનું પાલન કર્યું છે.

જૂનમાં G7 દેશો જેમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુએસ અને યુકેનો સમાવેશ થાય છે. આ તમામ દેશોએ રશિયામાંથી નવા ખાણકામ અથવા શુદ્ધ સોનાની આયાતને ગેરકાયદેસર બનાવવાનો નિર્ણય લીધો હતો.

આ પ્રતિબંધોની અસર એ થઇ છે કે ગત વર્ષની સરખામણીએ સોનાની માંગ 8 ટકા જેટલી ઘટી છે. રશિયા વિશ્વના દસમા ભાગની આસપાસ સોનાની સપ્લાય કરે છે. આ પ્રતિબંધોને લીધે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.