હીરા ઉધોગની સૂરત બદલવા સુસજ્જ થતું સુરત

54

યુ જમીન પર બૈઠકર કયું આસમાં દેખતા હૈ
પંખો કો ખોલ, જમાના સિર્ફ ઉડાન દેખતા હૈ.

સુરત કી બદલ રહી હૈ સૂરત

ગુજરાતની આર્થિક રાજધાની સુરત ભારતનું નવમા ક્રમનું ઝડપથી વિકસતુ મોટું શહેર છે.વિશ્વના 90 ટકા રફ હીરા સુરતમાં તૈયાર કરવામાં આવે છે. હીરા અને ઝવેરાતની સાથે કાપડ વણાટ, જરી, કિનખાબ એમ્બ્રોડરી અને ડાઈંગ-પ્રિન્ટિંગનો મોટા ઉદ્યોગથી સુરતને સિલ્ક સીટીનું પણ બિરુદ્દ મળ્યુ છે.

શહેરી વિકાસ મંત્રાલયના આંકડા પ્રમાણે સુરત ભારતનું ત્રીજા ક્રમનું સૌથી ચોખ્ખું શહેર અને વિશ્વમાં ચોથા ક્રમનું સૌથી ઝડપથી પ્રગતિ પામતું શહેર છે.દુનિયામાં મહત્તમ ઉદ્યોગોનું મુખ્ય માર્કેટ જ્યાં તેનું ઉત્પાદન હોય અથવા તે ઉદ્યોગ પર નભતી મોટા પ્રમાણમાં વસ્તી હોય ત્યાં હોય છે.દુનિયામાં જ્યારે મહત્તમ ડાયમંડને પોલિશ્ડ કરવાનું કામ સુરતમાં થતું હોય ત્યારે સુરત હીરા ટ્રેડીંગનું પણ હબ બનવુ જોઇએ એવુ દરેકનું સપનું હતુ.જેને સાકાર કરવા ઉદ્યોગ અગ્રણીઓએ દ્રઢ સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પ એક આકાર પામીને સાકાર થવા જઈ રહ્યો છે.જેના 6 સકારાત્મક પરિણામ સ્વરૂપે હીરા ઉધોગની સૂરત બદલવા હીરાનગરી સુરત સુસજ્જ થઈ રહ્યું છે.

(1) સુરત ડાયમંડ બુર્સ

સુરતમાં ડાયમંડ બુર્સ તૈયાર થવાની અણી પર છે.બાંધકામ કમિટીના જણાવ્યા મુજબ આગામી ચારથી પાંચ મહિનામાં વિશ્વના સૌથી મોટા ડાયમંડ ટ્રેડિંગ એન્ડ પોલીસિંગ હબની શરૂઆત થઈ જશે.જેનાંથી અંદાજે બે લાખ કરોડનો વેપાર વધશે.મહત્વની વાત એ છે કે વિશ્વનું સૌથી મોટુ ડાયમંડ બુર્સ ટ્રીટેડ પાણીથી તૈયાર થઈ રહ્યું છે.જેથી આ પ્રોજેક્ટને વિશ્વ સામે ગ્રીન પ્રોજેક્ટ તરીકે રજૂ કરવામાં આવશે.જે સુરત સહીત સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે.આ પ્રોજેક્ટ પર વિશ્વના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ લોકોની નજર છે.ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું બુર્સ બનશે.મુંબઈના ભારત ડાયમંડ બુર્સ કરતાં ઓફીસ સ્પેસ સુરત ડાયમંડ બુર્સમાં ચાર ગણા વિસ્તારમાં તૈયાર થઈ રહી છે.જ્યાં વિશ્વના 175 દેશોના વેપારીઓ હીરાની ખરીદી માટે આવશે. સૌથી અગત્યની વાત છે કે આ પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડિંગના માપદંડ હેઠળ તૈયાર થઈ રહ્યો હોય સોલાર પાવરથી લઇને તમામ પર્યાવરણ લક્ષી વસ્તુઓ પ્રોજેક્ટમાં જોવા મળશે.

સુરત ડાયમંડ બુર્સની ખાસિયતો
આ પ્રોજેક્ટની બાંધકામ લાગત આશરે રૂપિયા 2500 કરોડ છે.ચાર હજારથી વધુ વેપારીઓ મળીને આ પ્રોજેક્ટ બનાવી રહ્યા છે.16 માળના 9 ટાવરમાં 4500 ઓફિસ છે.પંચતત્વ થીમ પર બનેલા બુર્સમાં સોલાર પેનલ, ટ્રીટેડ વોટર પ્લાન્ટ તેમજ કોઇપણ ગેટથી ઓફિસમાં 5 મિનિટમાં પહોંચી શકાશે. તમામ ટાવરમાં 128 લિફ્ટ છે.16માં માળ પર 18 સેકન્ડમાં પહોંચી શકાય છે.અહી 1.25 લાખ કરોડનું કુલ મૂડી રોકાણ સાથે 46 હજાર ટન સ્ટીલનો વપરાશ થશે.એક જ જગ્યા પર અહી રફ અને પોલિશ્ડ ડાયમંડનો વેપાર થશે. આ પ્રોજેક્ટના કારણે સુરતમાં બે લાખ કરોડનો વેપાર આવનાર દિવસોમાં થઈ શકે તેવી સંભાવનાઓ છે.બિલ્ડિંગમાં આગ ઓલવવાની મશીનરી 2 કલાકની ફાયર રેટિંગ ક્ષમતા ધરાવે છે.બિલ્ડિંગની ઈમારત ઉપર 400 કેવી સોલાર રૂફની સાથે 1.8 એમએલડીનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે.જેથી વીજળી અને પાણીની મોટાપાયે બચત થઈ શકશે.

(2) કસ્ટમ હાઉસ

મુંબઈ બુર્સ કરતા ત્રણ ગણું મોટું કસ્ટમ હાઉસ
વિદેશથી હીરાની આયાત નિકાસને લીધે હવે પ્રોજેક્ટના નિર્માણ કર્તાઓ દ્વારા ડાયમંડ બુર્સમાં જ 25 હજાર સ્કવેર ફૂટની જગ્યામાં કસ્ટમ હાઉસ( Custom house)માટે જગ્યા ફાળવવાનું નક્કી કરી દેવામાં આવ્યું છે.જેનો પ્લાન પણ બનાવી દેવામાં આવ્યો છે.જે દિલ્હી કસ્ટમની ઉચ્ચ કચેરી ખાતે સબમિટ કરાવવામાં આવ્યો છે.આ પ્લાન અને જગ્યાના વેરિફિકેશન માટે ઉચ્ચ અધિકારીઓની ટીમ સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લઈ ચુકી છે.હાલ મુંબઈના ભારત ડાયમંડ બુર્સમાં 8 હજાર સ્કવેર ફૂટમાં કસ્ટમ વિભાગની ઓફિસ આવેલી છે.જેનાથી 3 ગણું મોટું કસ્ટમ હાઉસ સુરત ડાયમંડ બુર્સમાં બનાવવાનું આયોજન છે.

(3) વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ઓકશન હાઉસ

સુરત ડાયમંડ બુર્સમાં 50,000 સ્કે. ફૂટ એરિયામાં વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ઓકશન હાઉસ બનશે.જે સુરત માટે ગેમ ચેન્જર સાબિત થશે. ઉલ્લેખનિય બાબત તો એ છે કે તેમા રફ હીરાનું પણ મોટા પ્રમાણમાં ટ્રેડીંગ થવાનું છે.સુરત શહેરના ખજોદ વિસ્તારમાં સુરત ડ્રીમ સિટી પ્રોજેકટના ભાગ સ્વરૂપે તૈયાર થઇ રહેલું સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ કામ ડિસેમ્બર 2021ના અંત સુધીમાં પૂર્ણ કરીને વર્ષ 2022ના પ્રથમ કવાર્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે તેનું ઓપનીંગ કરવાનું આયોજન છે.આ પ્રસંગે રશિયાના રાષ્ટ્રપતિ પૂતિનને પણ આમંત્રણ આપવામાં આવનાર છે.

(4) સુરત ડાયમંડ બુર્સએ વિશ્વનો સૌથી મોટું ટ્રેડિંગ માર્કેટ બનશે

મુંબઈ ઉપરાંત વિદેશના વેપારીઓએ પણ ડાયમંડ બુર્સમાં ઓફીસનું બુકિંગ કરાવ્યું છે.વિશ્વના ખૂણા ખૂણાથી જ્યારે બાયર્સ અહીં આવશે ત્યારે MSME સાથે જોડાયેલા લોકો જે મુંબઈમાં ઓફિસ ખરીદી શકતા નહોંતા તેઓએ ઓછા ભાવે અહીં ઓફિસો બુકિંગ કરાવી છે.ડાયરેક્ટ વિદેશી બાયર્સ સાથે કનેક્ટિવિટી મળશે.જેના કારણે તેનો સીધો લાભ વેપારીઓને થશે.

હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે મુશ્કેલી એ છે કે સુરત હીરાનું મેન્યુફેકચરિંગ સેકટર જ્યારે મુંબઈ ટ્રેડિંગ હબ છે.જેથી હીરાના કારોબારીઓને સુરત અને મુંબઈ એમ બન્ને સ્થળોએ ઓફિસ રાખવી પડે છે.પરંતુ જ્યારે સુરત ડાયમંડ બુર્સ શરુ થશે ત્યારે વેપારીઓને આ ખોટા ખર્ચમાથી આઝાદી મળશે.વળી મુંબઈથી સ્થળાંતર કરીને આવેલા વેપારીઓ તથા મોટા કર્મચારી વર્ગને મુંબઈની તુલનાએ સુરતમા શૈક્ષણિક,મેડિકલ અને જીવન નિર્વાહ તેમજ ઓફીસથી ઘર વચ્ચેનો આવાગમનનો ખર્ચ પણ ઘટી જશે.

વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ઓકશન હાઉસ શરૂ થતા સૌથી અગત્યની વાત છે કે મુંબઈથી સ્થળાંત્તર થઈને સુરતમા આવેલી મોટી કંપનીઓ દ્વારા ઇન્કમટેક્સ રિટર્ન સુરતમાં ફાઈલ થશે.જેનો સીધો લાભ ગુજરાત સરકારને મળશે.આ પ્રોજેક્ટ 2500 કરોડ રૂપિયાનો છે.જેને દેશ અને વિદેશના વેપારીઓનો સહયોગ અને સહકાર છે.સમગ્ર રોકાણ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો દ્વારા કરવામાં આવ્યો છે.બુર્સના વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ઓકશન હાઉસ તૈયાર કરવામાં આવશે.50000 સ્કે.ફૂટની વિશાળ જગ્યામાં ઓકશન હાઉસનું નિર્માણ કરવામાં આવશે.અત્યારે 66 લાખ સ્કે.ફુટ એરિયામાં 4500 જેટલી ઓફિસનું નિર્માણ કરવામાં આવ્યું છે.

બુર્સમાં ઇન્ટરનેશનલ ટ્રેડીંગ સેન્ટરની સુવિધા પણ રાખવામાં આવી છે. ડાયમંડ ઓક્શન હાઉસમાં 175 દેશોના વિદેશી બાયરો સુરત આવીને ડાયમંડની ખરીદી કરી શકે તે માટે આયોજન ચાલી રહ્યું છે.બુર્સ ધમધમતું થયા પછી જેમ્સ એન્ડ જવેલરીનો 2 લાખ કરોડનો વેપાર વધીને 4 લાખ કરોડ થશે. બુર્સમાં વિશાળ કસ્ટમ હાઉસ પણ બનાવવામાં આવ્યું છે.બુર્સમાં 8000 રૂપિયા સ્કે.ફૂટના ભાવે ઓફિસ જેમણે અગાઉ બુકિંગ કરાવી હતી તેની સરખામણીમાં અત્યારે 83% સુધીનો વધારો ચાલી રહ્યો છે.

સુરત ડાયમંડ બુર્સની કોર કમિટિના સભ્યે જણાવ્યું હતું કે, સુરતમાં હીરાનો વેપાર બ્રોકરોના માધ્યમોથી થતો હોય છે. આવી સ્થિતિમાં ડ્રીમ સિટીમાં એટલે કે બુર્સમાં આવનારા બ્રોકરો માટે પાર્કિંગનો પ્રશ્ન ઉકેલવા સહમતિ સંધાય છે. સુરત ડ્રીમ સિટીની બોડી બુર્સના એરિયા નજીક પે એન્ડ પાર્કની વ્યવસ્થા કરશે. તેનાથી ડ્રીમ સિટીને પાર્કિંગની આવક પણ થશે.

(5) ગોલ્ડ અને ડાયમંડ જવેલરી

સુરતમાં ડાયમંડ ઉધોગની ચમક વધી છે.

સુરત છે સોનાની મુરત કહેવતને સાર્થક કરી કોરોના સમય બાદ હવે જેમ એન્ડ જવેલરી ક્ષેત્રમાં પણ સુરત અગ્રેસર બની રહ્યું છે.સુરતમાં તૈયાર થતી જવેલરીમાંથી 50 ટકા જવેલરી પશ્ચિમી બજારમાં નિકાસ થાય છે એટલે હવે જવેલરી ક્ષેત્રમાં પણ સુરત અગ્રેસર બની રહ્યું છે તેમજ જેમ્સ એન્ડ જવેલરી સેક્ટરનું વૈશ્વિક હબ બનવાની દિશામાં મક્કમપણે આગળ વધી રહ્યું છે.

હીરા ઉધોગમાંથી સુરત શહેર માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે.છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારી વચ્ચે હીરા ઉધોગમાં તેજીની ચમક પાછી ફરી છે.ખાસ કરીને સિન્થેટિક ડાયમંડની નિકાસમાં 204 ટકા જયારે કટ એન્ડ પોલીશડ ડાયમંડ તથા ડાયમંડ જવેલરીની નિકાસમાં સરેરાશ 60 ટકાનો વધારો જોવા મળ્યો છે.જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા જુલાઈ 2021ના જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર આ મહિનામાં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડની નિકાસ 60.98 ટકા વધીને 16,648,71 કરોડ નોંધાઈ છે.

જે આ સરખા સમયગાળામાં જુલાઈ 2019માં 10,342,25 કરોડ રહી હતી.આ જ પ્રમાણે સિન્થેટિક લેબગ્રોન ડાયમંડ ના જુલાઈ 2019ના 889.91 કરોડની નિકાસની સરખામણીએ જુલાઈ 2021માં 2728.73 કરોડની નિકાસ નોંધાઈ છે. જે 204 કરોડનો વધારો દર્શાવે છે. ડાયમંડ ગોલ્ડ જવેલરીની નિકાસ 2019 જુલાઇ મહિનામાં 7193,84 કરોડ રહી હતી. તેની સામે 2021 જુલાઈ મહિનામાં 60 ટકા વધી છે.

હીરા ઝવેરાત ઉધોગના જાણકારોના જણાવ્યા અનુસાર કોરોના મહામારી વચ્ચે પણ પશ્ચિમી દેશોમાં હીરા ઝવેરાતની માગ વધુ રહી છે. તેના પગલે પોલીશડ ડાયમંડ અને ડાયમંડ જવેલરીની નિકાસ વધી છે. વળી સુરત હવે ધીમે ધીમે સિન્થેટિક લેબગ્રોન ડાયમંડ અને ડાયમંડ જવેલરીના ઉત્પાદનમાં કાઠું કાઢી રહ્યું છે. વીતેલા કેટલાક વર્ષોમાં સુરતમાં 300 કારખાનેદારો સિન્થેટિક ડાયમંડનું જોબવર્ક કરતા થયા છે.

(6) ટ્રાન્સપોર્ટેશન

કોઈપણ ઉદ્યોગ ત્યારે જ વિકસે જ્યારે એને સંલગ્ન ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત હોય.ત્યારે સુરતના સડક માર્ગ, રેલવે માર્ગ હોય કે હવાઈ માર્ગની સુવિધામાં ખુબ જ સુધારો થઈ રહ્યો છે. સડક માર્ગે સુરત દેશના અન્ય રાજ્યો સાથે સારી રીતે જોડાયેલું છે.એમાં એક યશકલગી એ છે કે સુરત ચેન્નાઈ એક્સપ્રેસ વે બની રહ્યો છે.રેલવે દ્વારા રાજધાની અને દુરંતો જેવી લાંબા અંતરની ટ્રેનોને સુરત સ્ટોપેજ મળ્યુ છે.

સુરત એરપોર્ટથી રોજીંદી ડોમેસ્ટિક ફ્લાઈટનું આવન જાવન થઈ રહ્યું છે. જેનાથી સુરતથી દેશનાં કોઈપણ ખૂણે એક દિવસમાં જઈને પરત ફરી શકાય છે જ્યારે આંતરરાષ્ટ્રીયમાં શારજહા ફ્લાઈટ શરૂ છે.એરપોર્ટનું વિસ્તરણ થાય એ હેતુ થી 355 કરોડ રૂપિયાના ખર્ચે સુરત એરપોર્ટનું કામ શરૂ છે.સુરત આંતરરાષ્ટ્રીય હવાઇમથક બનશે જેનાથી સુરતી આકાશમાં એક પછી એક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ જોવા મળશે.આંતરીક ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો વર્તમાન સમયે સુરતમાં BRTS સેવાઓ ચાલુ છે.પરંતુ હવે સરથાણા-સુરત સ્ટેશન-ખજોદ મેટ્રોનું કામ પણ શરૂ થઈ ચૂક્યું છે.

કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને સુરતથી દુબઇ,બેંગકોક, લંડનની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવા રજુઆત કરી સુરત એરપોર્ટના ચાલી રહેલા વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરાવવા માંગણી કરી છે.સુરતના કસ્ટમ નોટીફાઈડ એરપોર્ટને ઇન્ટરનેશનલ કક્ષાના એરપોર્ટ તરીકે ડેવલપ કરવા પણ દર્શનાબેન જરદોશે ભાર મુક્યો છે.તેમને ડોમેસ્ટિક કાર્ગો ટર્મિનલની સફળતાની વિગતો પણ રજૂ કરી ડૉમેસ્ટિકની સાથે સુરત એરપોર્ટના પરિસરમાં ઇન્ટરનેશનલ કાર્ગો ટર્મિનલ વિકસાવવા પણ માંગ કરી હતી.

હીરાઉધોગની સૂરત બદલવા જ્યારે સુરત સુસજ્જ થતું હોય ત્યારે જેઓ હીરાઉધોગ સાથે સંકળાયેલા છે પરંતુ સુરતમાં નથી એમનાં માટે હવે રાહ શેની ?

આવો સુરતમાં…સુરત આપનું હાર્દિક સ્વાગત કરે છે, ચાલો સાથે મળીને સુરતને ખૂબસૂરત બનાવી આપણાં ઉદ્યોગને એક નવી ઊંચાઈ પર લઈ જઈએ.