સુરત ડાયમંડ બુર્સને ગણતરીના મહીનાઓમા જ ધમધમતુ કરવાની છે ફુલપ્રૂફ યોજના : વિપુલ સાચપરા

2069

રૂપિયા 2600 કરોડના ખર્ચે નિર્માણાધિન સુરત ડાયમંડ બુર્સના 11 માળના કુલ 9 બિલ્ડિંગનું 70 ટકાથી પણ વધુ કામ પૂર્ણ, 4500 જેટલી ઓફીસોને પણ અપાઈ રહ્યો છે આખરી ઓપ,ઓફીસ ધારકો ફર્નિચર કામ કરી શકે તે બાબતને લક્ષ્યમાં રાખી આગામી મે મહીનામાં પઝેશન આપવા ચાલી રહી છે તડામાર તૈયારીઓ…

DIAMOND TIMES- હીરા નગરી તરીકે વિખ્યાત સોનાની નગરી સુરતના ખજોદમાં સૌથી મોટું ડાયમંડ બુર્સ આકાર લઈ રહ્યું છે. સુરત સહીત સમગ્ર ગુજરાત માટે અત્યંત મહત્વાકાંક્ષી ગણાતા આ પ્રોજેક્ટમાં સેવન સ્ટાર હોટલ, રેસ્ટોરેન્ટ,10 હજાર ઓફિસ,બેંક,ગોલ્ફ કોર્સ, મેટ્રો ટ્રેન,ટેક્સટાઇલ યુનિવર્સિટીની સુવિધા મળવાની છે. 66 લાખ સ્ક્વેર ફૂટમાં પંચતત્વની થીમ પર તૈયાર થઈ રહેલુ આ ડાયમંડ બુર્સ કાર્યરત થતાની સાથે જ મુંબઇનો હજારો કરોડોનો ડાયમંડ અને જ્વેલરીનો બિઝનેસ સુરતમાં ડાયવર્ટ થવાની ધારણા છે.વિશ્વના 11 પૈકી 9 હીરાનું કટિંગ અને પોલીસિંગનું કામ સુરતમાં થાય છે.પરંતુ સુરત હીરા ઉદ્યોગનું હબ હોવા છતાં મોટાભાગની ડાયમંડ કંપનીઓની મુખ્ય ઓફિસો મુંબઈમાં આવી છે.ડાયમંડ બુર્સ ધમધમતુ થતા જ મુંબઈની મોટા ભાગની કંપનીઓ સુરતમાં આવી જશે.આ ઉપરાંત અમેરીકા સહીત વિશ્વના અનેક દેશોમાથી હીરાની ખરીદી માટે બાયર્સો સુરત આવતા થશે.પરિણામે ઇન્ટરનેશનલ ફ્લાઈટની કનેક્ટિવિટી પણ મળશે.આમ સુરત ડાયમંડ બુર્સ ખરા અર્થમાં એક ચમકદાર હીરો અને સમગ્ર ગુજરાત માટે આર્થિક પરિવર્તન લાવનારૂ સાબિત થશે.

આ વર્ષના અંતમાં સુરત ડાયમંડ બુર્સ ધમધમતુ થઈ જશે : વિપુલ સાચપરાડાયમંડ બુર્સના નિર્માણ કાર્ય સાથે લગાવ ધરાવનાર હીરા કારોબારી વિપુલભાઈ સાચપરાએ કહ્યુ કે 9 ટાવરનું 70 ટકાથી પણ વધુ બાંધકામ કાર્ય પુર્ણ થઈ ચુક્યુ છે. આગામી મે મહીના સુધીમાં 9 ટાવરનું કામ પૂર્ણ કરી ઓફિસ એલોટમેન્ટ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. કોરોનાના કારણે પ્રોજેક્ટમાં વિલંબ થયો હતો પણ હવે કામ ઝડપથી ચાલી રહ્યું છે.વર્તમાન સમયમાં ફાયર સિસ્ટમ,કુલિંગ સિસ્ટમ,પાવર સિસ્ટમ,128 લિફ્ટનું કામ ચાલી રહ્યું છે.આમ તો આ પ્રોજેક્ટ ખાસિયતોના ખજાના સમાન છે.પરંતુ આગજની જેવી આકસ્મિક ઘટનાઓ અટકાવવાં એડવાન્સ  સિસ્ટમ , પ્રોજેક્ટના 10 અલગ-અલગ પ્રવેશ દ્વાર થકી 3 થી 5 મિનીટમાં જ કારોબારીઓ ઓફિસમાં પહોંચી શકે તે માટેની અત્યાંધુનિક સિસ્ટમ અને ઓછામાં ઓછું મેઈન્ટેનન્સ આવે તે મુજબનું ઇન્ફ્રાસ્ટ્રકચર બુર્સની મુખ્ય ખાસિયતો છે.

આ છે સુરત ડાયમંડ બુર્સની વિશેષતાઓ
20 માળના 9 ટાવર
4500 ઓફિસ
128 લિફ્ટ
પ્રોજેક્ટ કોસ્ટ રૂ.2600 કરોડ,
1.25 લાખ કરોડનું કુલ મૂડી રોકાણ
46 હજાર ટન સ્ટીલનો વપરાશ
રોજ 10,000 બેગ સિમેન્ટનો વપરાશ
20 લાખ સ્કે.ફૂટ ગ્રેનાઈટનો ઉપયોગ
ઈન્ટરનેશનલ નોર્મ્સ પ્રમાણે 2 બિલ્ડિંગ વચ્ચે 200 ફૂટનું અંતર
સિઝન પ્રમાણે તડકાની અસર તપાસવા સનપાથ એનાલિસિસ
સૌથી લાંબી 340 કિમીની રેડિયન્ટ કુલિંગ સિસ્ટમ કે જે બુર્સની અંદરનું તાપમાન 5 ડિગ્રી ઘટાડશે
બુર્સમાં 128 લિફ્ટ હશે, જે પ્રતિ સેકન્ડ 3 મીટરની સ્પીડ ઉપર કામ કરશે.
પ્રતિ ફ્લોર લિફ્ટના બટનની જગ્યાએ ડેસ્ટિનેશન કંટ્રોલર
બિલ્ડિંગની ઈમારત ઉપર 400 કેવી સોલાર રૂફ