DIAMOND TIMES – સુરત માટે અત્યંત મહત્વકાંક્ષી ગણાતા સુરત ડાયમંડ બુર્સ પ્રોજેક્ટને ઝડપથી પુર્ણ કરવા કમિટી દ્વારા સધન પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.આગામી ગણતરીના મહીનાઓમાં જ આ પ્રોજેકટને પુર્ણ કરી ઓફીસની નોંધણી કરનાર સભ્યોને સુપ્રત કરવાની તૈયારીઓ ચાલી રહી છે.દરમિયાન સુરત ડાયમંડ બુર્સ નિર્માણ કમિટી તરફથી ઓફીસ બુક કરાવનાર સભ્યોને વ્યાજમાં 50 ટકા રાહત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.સુરત ડાયમંડ બુર્સ નિર્માણ કમિટીની વ્યાજ માફીની આ પહેલને સભ્યો દ્વારા આવકાર આપવામાં આવ્યો છે.સુરત ડાયમંડ બુર્સ નિર્માણ કમિટી દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ જે સભ્યોએ વ્યાજ ભર્યું હશે તે પરત કરવામાં આવશે.
કમિટી દ્વારા અપાયેલી વ્યાજ માફીની તક ઝડપી લેવી જોઇએ : નિલેશ બોડકી
ખજોદ ખાતે નિર્માણાધિન સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ બુક કરાવનાર સભ્યો માટે એક પરિપત્ર બહાર પાડીને વ્યાજમાં માફી આપવાની નિર્માણ કમિટીએ જાહેરાત કરી છે.આ પરિપત્રમાં જણાવવામાં આવ્યુ છે કે ઓફિસ તેમજ પાર્કિંગ પેટે હપ્તાની રકમ બાકી હોય અથવા ફક્ત વ્યાજની રકમ ભરવાની બાકી હોય તો તેના પર લાગતા વ્યાજ પર 50 ટકા રાહત આપવામાં આવશે. એટલે કે હપ્તાની રકમની આખર તારીખથી ત્રણ મહિનાના સુધીના વિલંબ પર વાર્ષિક 18 ટકા વ્યાજના બદલે હવે 9 ટકા લેખે સાદું વ્યાજ ભરવાનું રહેશે.જ્યારે ત્રણથી વધારે મહિનાના વિલંબ પર 18 ટકાના બદલે 9 ટકા લેખે ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવામાં આવશે.જો કે સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજ પર 12 ટકા જીએસટી અલગથી ભરવાનો રહેશે.ખાસ નોંધનિય બાબત એ છે કે વ્યાજમાં રાહતની સ્કીમનો લાભ જે સભ્ય 1 જૂન થી 30 જૂન સુધીમાં બાકી રહેતા હપ્તાની સંપૂર્ણ રકમ વ્યાજ સહિત ભરપાઈ કરશે તેમને જ મળશે. નિર્ધારીત કરેલી સમયમર્યાદામાં રકમ નહી ભરનાર સભ્યોએ બાકી રહેતી રકમ પર વાર્ષિક 18 ટકા લેખે વ્યાજ ભરવુ પડશે.
આ વિડીયોમા નિહાળો સુરત ડાયમંડ બુર્સની ભવ્યતાની એક ઝલક