DIAMOND TIMES – વર્તમાન સમયમા વધતા જતા કોરોના સંક્રમણને નાથવા ગુજરાત સરકાર અનેક પગલાઓ ભરી રહી છે.હીરા ઉદ્યોગના હબ સુરતમાં પણ તંત્ર દ્વારા સખતાઈ દાખવવામાં આવી છે.ગત રોજના મહીધરપુરા હીરા બજારમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવા હીરાના વેપારીઓને સખત સુચના આપી હતી અને હીરા બજાર બંધ કરવાની ચીમકી આપી હતી. જેને લઈને હીરાના વેપારીઓ અને અધિકારીઓ વચ્ચે ભારે ઉગ્ર ચર્ચા થઈ હતી.
આ અંગે દલાલ એસોસિયેશનના પ્રમુખ નંદલાલભાઈ નાકરાણીએ દરમિયાનગીરી કરતા અધિકારીઓને સાફ શબ્દોમાં હીરા બજારને બંધ રાખવાનો ઇન્કાર કરતા કહ્યુ હતુ કે સમગ્ર સુરતને બંધ રાખવામાં આવશે તો જ હીરા બજાર બંધમા જોડાશે.તેમણે કહ્યુ હતુ કે હીરા બજારમાં કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવામાં આવે છે અને બજારમાં આવતા મોટાભાગના લોકોએ કોરોનાની વેક્સિન પણ લીધી છે.બાદમાં માંડ માંડ આ મામલો શાંત પડ્યો હતો.