ભારતના ઉદ્યોગકારોને આકર્ષવા બોત્સ્વાનાએ બિછાવી લાલ જાજમ : બોત્સ્વાનામાં હીરાની ફેક્ટ્રીઓ શરૂ થતા ભારતમાં સોલિટર રફ હીરાના પુરવઠાની તંગી

294

મુલ્યવાન હીરાઓ, રંગીન રત્નો, સોનું, પ્લેટીનમ સહીત કિંમતિ ધાતુઓનો ધરતીમાં ખજાનો ધરાવતા આફ્રીકન દેશોએ ” દેશની સંપતિ દેશમાં જ રહે ” તેવું સફળ અભિયાન ચલાવ્યુ છે. પરિણામ સ્વરૂપ વર્તમાન સમયે બોત્સ્વાનામાં હીરા તૈયાર કરવાના 40 જેટલા કારખાનાઓ ધમધમતા થયા છે. જેમા હજારો સ્થાનિક યુવાઓ રોજગારી પણ મેળવી રહ્યાં છે.

DIAMOND TIMES : બોત્સ્વાના સહીતના આફ્રીકન દેશોની ધરતીમાં મુલ્યવાન હીરાઓ, રંગીન રત્નો તથા સોના, પ્લેટીનમ સહીતની કિંમતિ ધાતુઓના ખજાનાની કુદરતે ભેટ તો આપી છે. આમ છતા પણ ભારતની જેમ સેકંડો વર્ષોથી અંગેજોની ગુલામીમા જકડાયેલા આફ્રીકન દેશો દારૂણ ગરીબીમાં સબડી રહ્યાં છે. ત્યારે સ્વાભાવિક છે કે આફ્રીકાની સ્થાનિક પ્રજા અને યુવાનો માટે આરોગ્ય, શિક્ષણ અને રોજગારી જેવી પાયાની સુવિધા પ્રાપ્ત કરવી ખુબ દુરની બાબત છે. આફ્રીકન દેશોની દયાજનક પરિસ્થિતિ માટે વિદેશી કંપનીઓની શોષણખોર અનીતી તેમજ ભ્રષ્ટાચારી રાજનેતાઓને જવાબદાર ગણવામાં આવે છે. પરંતુ કાળક્રમે પ્રજામાં જાગ્રુતિ આવતા બોત્સ્વાના સહીતના આફ્રીકન દેશોની સરકારને સજાગ બનવું પડ્યુ છે. વળી આફ્રીકન દેશોની સરકારે “દેશની સંપતિ દેશમાં જ રહે” તેવું સફળ અભિયાન ચલાવ્યુ છે. તેના પરિણામ સ્વરૂપ વર્તમાન સમયમાં બોત્સ્વાનામાં હીરા તૈયાર કરવાના અનેક કારખાનાઓ ધમધમતા થયા છે. જેમા હજારો સ્થાનિક યુવાઓ રોજગારી મેળવી રહ્યાં છે.

બીજી તરફ રફ હીરાની ખાણો ધરાવતા બોત્સ્વાના સહીતના આફ્રીકન દેશો હવે સક્ષમ અને આત્મનિર્ભર બની ગયા છે. આ દેશોને હવે ડીબિયર્સ જેવા ભાગીદારો પર નિર્ભર રહેવાની જરૂર નથી. પરિણામે ડીબિયર્સ બોત્સ્વાના વચ્ચે રફ હીરાના ખાણકામ માટે નવા ભાગીદીરી કરારોમાં બોત્સ્વાના પોતાની મરજી મુજબની શરતોનું પાલન કરાવવા મક્કમ છે.નોંધનિય છે કે બોત્સ્વાના સરકાર અને ડીબિયર્સ વચ્ચે ભાગીદારી અંગે કરાર પુર્ણ થયા છે. પરંતુ તેને લઈને થયેલા કરારો અંગે કોઇ વિગત બહાર પાડવામાં આવી નથી.આ કરાર પછી હવે ડીબિયર્સ અને બોત્સ્વાના સરકારની 50-50 ટકાની સરખી ભાગીદારી ધરાવતી કંપની ડેબ્સવાના બોત્સ્વાનાની વિવિધ ખાણોમાં રફ હીરાનું ખાણકામ હાથ ધરશે.

જો કે આ ભાગીદારી કરાર અંગે બહારથી મળેલી માહીતી મુજબ એવી મુખ્ય શરત રાખવામાં આવી છે કે બોત્સ્વાનાની રફ હીરાની વિવિધ ખાણોમાથી ઉત્પાદીત રફ હીરાના કુલ જથ્થા પૈકી ઉચ્ચ કવોલિટીનો રફ હીરાનો જથ્થો બોત્સ્વાનામાં કાર્યરત હીરાના કારખાના માલિકને મળશે.નોંધનિય છે કે આ રફ હીરાનો જથ્થો અત્યાર સુધી ભારત સહીત વિશ્વના ડીટીસી સાઈટ હોલ્ડર્સને મળતો હતો.

ડીબિયર્સ અને બોત્સવાના વચ્ચે લાંબા સમયથી અટવાયેલા ભાગીદારી કરારો પર હસ્તાક્ષરો થઈ ચુક્યા છે. પરંતુ આ કરારો અંગે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં વધુ માહીતી આપવામાં આવી નથી.પરિણામે નો હાથ ઉપર રહ્યો કે પછી વિન -વિન પોઝીશન રહી તે અંગે કહેવું મુશ્કેલ છે.

રફ હીરાના ખાણકામ માટે બોત્સ્વાનાની શરતોનું અનાદર કરી બોત્સવાના સાથે ભાગીદીરી સમાપ્ત કરવી એ ડીબિયર્સને પોષાય તેમ નથી.જેથી ડીબિયર્સને મજબુરીથી પણ બોત્સ્વાના સરકારની વાત સાથે સહમત થયા વિના અન્ય કોઈ વિકલ્પ નથી. જેને ધ્યાનમાં રાખી ડીબિયર્સએ સુરતની તુલનાએ આફ્રિકામાં કાર્યરત હીરા મેન્યુફેક્ચરિંગ એકમોને વધુ સારી અને સસ્તી રફ ફાળવવાની યોજના બનાવી છે. વળી ડીબિયર્સ સહીત અન્ય રફ ઉત્પાદક કંપનીઓ દ્વારા આગામી વર્ષોમાં રફ હીરાના ઉત્પાદનમાં ઘટાડાની આગાહી કરવામાં આવી છે. જેથી કુદરતી હીરા તૈયાર કરતા યુનિટોને રફ હીરાનો મર્યાદીત પુરવઠો પ્રાપ્ત થાય એવી ભીતી છે. આ પ્રકારના વૈશ્વિક સમીકરણો ભારતના હીરા ઉદ્યોગ માટે ખતરાની ઘંટડી રણકાવે છે.

આફ્રીકામાં કાર્યરત હીરાના યુનિટોને ગુણવત્તા યુકત સસ્તી રફ પુરી પાડવી એ ડીબિયર્સની મોટી મજબુરી

ભારતના કારખાનેદારોના ભોગે આફ્રીકામાં કાર્યરત હીરા યુનિટોને વધુ સારી એટલે કે ગુણવત્તા યુકત અને સસ્તી રફ આપવા પાછળ ડીબિયર્સની મોટી મજબુરી છે. નોંધનિય છે કે આફ્રીકાના દેશોમાં રફ હીરાની ખાણો આવેલી છે. આફ્રીકાના અનેક દેશોમાં ડીબિયર્સ વર્ષોથી રફ હીરાનું ખાણકામ કરી રહી છે. પરંતુ હવે આફ્રીકન દેશોની પ્રજા જાગ્રુત અને શિક્ષિત બની છે.અને દેશની સંપતિ દેશમાં જ રહે તેવુ અભિયાન ચલાવી રહી છે. પરિણામે ડીબિયર્સ સાથે વિવિધ આફ્રીકન દેશોની સરકાર નવા ભાગીદારી કરારોમાં દેશની સંપતિ નો દેશમા જ વધુ ઉપયોગ થાય તેવી શરત મુકી રહી છે.આ શરતોને ડીબિયર્સએ સ્વીકારવી પડી રહી છે.ટૂંકમાં રફ હીરાનું ઉત્પાદન કરતા આફ્રીકન દેશો હવે સ્વનિર્ભર બનવા તરફ મક્કમતાથી આગળ વધી રહ્યાં છે.

ડીબિયર્સનું નિવેદન : બોત્સ્વાનામાં લગભગ 40 કટીંગ ફેક્ટરીઓ છે તે પહેલા કરતા વધુ રફ હીરા પ્રાપ્ત કરશે

ડીબિયર્સના ઉપરોક્ત પગલાથી રફ હીરાનો મોટો જથ્થો બોત્સ્વાના, નામિબિયા અને દક્ષિણ આફ્રિકામાં કાર્યરત હીરાના યુનિટોમાં ડાયવર્ટ થશે. ડીબીયર્સ પાસે ઉપરોક્ત ત્રણેય આફ્રિકન રાષ્ટ્રો તેમજ કેનેડામાં ખાણો છે અને તેણે દક્ષિણ આફ્રિકામાં એક નવા સાઈટહોલ્ડર મોલેફી લેટ્સિકી ડાયમંડ હોલ્ડિંગ્સ ઉમેર્યા છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમો લાભદાયી અભિગમ સાથે આગળ વધી રહ્યાં છીએ.

અમે રફ ઉત્પાદક દેશોમાં કાર્યરત કટિંગ અને પોલિશિંગ એકમોને રફ હીરાની સપ્લાયને પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખીશુ. આ તમામ યુનિટો પહેલા કરતા વધુ સારી અને સસ્તી રફ પ્રાપ્ત કરશે. તેમણે ઉમેર્યુ કે રફ હીરાનું ઉત્પાદન કરતા દેશોની સરકાર મોટા અને ઉચ્ચ મૂલ્યના રફ હીરા માટે વધુ સારી ડીલ ઇચ્છે છે. ડીબીયર્સ આ વર્ષે અંદાજે 1 બિલિયન ડોલરના રફ હીરાનું વેચાણ કરશે.

રફ હીરાના ઉત્પાદનમાં ચાલુ વર્ષે 33 મિલિયન કેરેટનો ઘટાડો થવાની ડીબીયર્સને ધારણા

ડીબિયર્સની પેરેન્ટ કંપની એંગ્લો અમેરિકને એક રોકાણકાર ઇવેન્ટમાં જાહેરાત કરી હતી કે ચાલુ વર્ષે રફ હીરાના ઉત્પાદનમાં 33 મિલિયન કેરેટ ઘટાડો થવાની ધારણા છે. વેનેટીયા ખાણના ઓપન-પીટથી ભૂગર્ભમાં સંક્રમણથી કંપનીના ઉત્પાદનને અસર થઈ છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાની સાઈટ પર સંપૂર્ણ આઉટપુટ માટે રેમ્પ-અપ અપેક્ષિત કરતાં વધુ વિલંબ થઈ રહ્યો છે. આ તમામ નકારાત્મક પરિબળોના પગલે રફ હીરાનું ઉત્પાદન ધાર્યા કરતા વધુ ઘટવાની અપેક્ષાઓ છે.

લેબગ્રોને રાખ્યો રંગ, બન્યા તારણહાર 

રફ હીરા માટે ભારતનો હીરા ઉદ્યોગ પરાવલંબી બન્યો છે.પરંતુ લેબગ્રોન રફ હીરા માટે ભારતનો હીરા ઉદ્યોગ આત્મનિર્ભર બન્યો છે.વળી ભારત સરકાર દ્વારા લેબગ્રોન ડાયમંડના વેપાર અંગે નવી પોલિસી જાહેર કરવામાં આવતા અને ઉદ્યોગકારોની મહેનતને લીધે તેનો નિકાસ ખૂબ જ તીવ્ર ગતિએ વધી છે.

સુરતથી લેબગ્રોન ડાયમંડ નિકાસમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે.નેચરલ હીરા માટે જાણીતા સુરતમાં લેબગ્રોન ડાયમંડની ચમક વધી છે.નેચરલ હીરાનો ગ્રોથ રેટ 48.80 ટકાના દરે જ્યારે લેબગ્રોન ડાયમંડનો ગ્રોથ 105.53 ટકાના દરે થયો છે.સુરતમાં મોટી સંખ્યામાં નેચરલ હીરાનું કામ કરનારા ઉદ્યોગકારો અને લેબગ્રોન હીરા તૈયાર કરવાના કામમાં જોડાઈ ગયા છે.સુરતમાં લેબગ્રોન ડાયમંડ બનાવવા અને લેબગ્રોન ડાયમંડ કટ અને પોલીસિંગ પર પ્રોસેસિંગ કરવાનું કામ મોટા પાયે થઇ રહ્યું છે. એક અંદાજ મુજબ સુરતમાં આશરે દોઢ લાખ રત્ન કલાકારો લેબગ્રોન ડાયમંડ પોલિશ્ડ કરવાના કાર્યમાં જોડાઈ ગયા છે.

નેચરલ હીરા કરતાં ઓછું રોકાણ અને નવી પોલિસીને કારણે નિકાસ વધી 

હીરાઉધોગકારો માનવું છે કે આવનારા દિવસોમાં પણ લેબગ્રોન ડાયમંડનો વિકાસ ખૂબ જ ઝડપથી થશે.સુરતને કટ અને પોલિશિંગનું કેન્દ્ર માનવામાં આવે છે. બે ત્રણ વર્ષ પહેલા લેબગ્રોન ડાયમંડનો વેપાર ઓછો હતો જોકે ત્યારબાદ સરકારે લેબગ્રોન ડાયમંડના વેપાર અંગે નવી પોલિસી જાહેર કરવામાં આવતા અને ઉદ્યોગકારોની મહેનતને લીધે તેનો નિકાસ ખૂબ જ તીવ્ર ગતિએ વધી છે.

નેચરલ હીરા કરતાં લેબગ્રોન ડાયમંડમાં ઓછું રોકાણ હોવાથી કેટલાક હીરાઉધોગકારો પણ તેમાં જોડાઈ ગયા છે. સુરતમાં ચીનથી આવતા સીવીડી હીરા પર કટ અને પોલિશિંગ કરવાનું કામ મોટા પાયે શરૂ થયું છે, તે ઉપરાંત કેટલાંક મોટા ઉધોગકારો લેબગ્રોન ડાયમંડ બનાવી પણ રહ્યાં છે. ઉત્તર ગુજરાતમાં પણ લેબગ્રોન ડાયમંડ ઉત્પાદનનું કામ શરૂ થયું છે.