ડયુટી ફ્રી ગોલ્ડની સપ્લાય ફરીથી શરૂ કરી દેવામાં આવી છે : દીનેશભાઈ નાવડીયા

837
સરકારે નિયુક્ત કરેલી નોડલ એજન્સીઓ પૈકી મોટાભાગની શોભાના ગાંઠીયા સમાન સાબિત થઈ રહી હતી.જેને લઈને ધ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ ગુજરાતનાં રિજયોનલ ચેરમેન દિનેશભાઈ નાવડીયાએ આ સમસ્યાં અંગે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કોમર્સ અને મિનિસ્ટ્રિ ઓફ ફાઈનાન્સ વિભાગને અસરકારક રજુઆત કરી હતી.જેને પગલે સરકારે આ નોડલ એજન્સીઓનો કાન આમળ્યો છે.

DIAMOND TIMES – મુંબઈ અને સુરતમાં સોનાના દાગીના બનાવી તેની વિદેશમા નિકાસ કરતી નિકાસકાર કંપનીઓને કાચામાલ એવા ડયુટી ફ્રી સોનાના પુરવઠાની તીવ્ર અછતનો સામનો કરવાનો વારો આવ્યો છે.જેથી વિદેશમાથી આવેલા ઓડર્સ પુરા કરવામાં આ કંપનીઓને ભારે મુશ્કેલી ઉભી છે.નિકાસકાર કંપનીઓ સમયસર ઓર્ડર પુરા નહી કરી શકતા ગોલ્ડ જ્વેલરીની નિકાસને પણ ખુબ મોટો ફટકો પડ્યો છે.

સોનાના દાગીના બનાવી તેમની નિકાસ કરતી સુરત અને મુંબઈની કંપનીઓને કાચામાલ રૂપે ડ્યુટી ફ્રી ગોલ્ડનો નિયમિત પુરવઠો મળી રહે એ માટે સરકારે ખાસ વ્યવસ્થા ગોઠવી છે.જે મુજબ સરકારે કેટલીક બેંકો અને કંપનીઓને નોડલ એજન્સી તરીકે નિમણૂંક કરી છે. નિકાસકાર કંપનીઓને ડ્યુટી ફ્રી ગોલ્ડનો પુરવઠો પુરો પાડવાની જવાબદારી આ નોડલ એજન્સીઓની છે.પરંતુ કોઇ કારણસર મોટાભાગની નોડલ એજન્સીઓ તેમને સોંપેલી જવાબદારી નિષ્ઠાપુર્વક નિભાવી શકી નથી.

આ અંગે એક મીડીયા રિપોર્ટમાં જીજેઇપીસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સબ્યસાચી રે એ કહ્યુ હતુ કે ડ્યુટી ફ્રી સોનાનો પુરવઠો ઉપલબ્ધ કરાવવા સરકારે કુલ 18 નોમિનેટેડ એજન્સીઓ નીમી છે.પરંતુ તે પૈકી અત્યારે 10 એજન્સીઓ પાસે જ ડ્યુટી ફ્રી સોનાનો પુરવઠો ઉપલબ્ધ છે.વળી ડયુટી ફ્રી સોનાનો પુરવઠો મેળવવા નિકાસકારોએ લાંબી દસ્તાવેજીકરણ પ્રક્રિયાઓમાંથી પસાર થવુ પડે છે.આ ઉપરાંત માર્જીન મની મેળવવામા થતો વિલંબ સહીતની અન્ય અનેક સમસ્યાઓની અસર તેમની કાર્યક્ષમતા પર પડે છે.

ડાયમંડ ઈન્ડિયા લિમિટેડે સપ્લાય શરૂ કરી દીધી છે : દીનેશભાઈ નાવડીયા

જીજેઇપીસીના રિજયોનલ (ગુજરાત) ચેરમેન દિનેશભાઈ નાવડીયાએ આ અંગે કહ્યુ કે અમોએ આ સમસ્યા અંગે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ કોમર્સ અને મિનિસ્ટ્રિ ઓફ ફાઈનાન્સ વિભાગને અસરકારક રજુઆત કરી હતી. આ રજુઆતના પગલે ડાયમંડ ઈન્ડિયા લિમિટેડે ડ્યુટી ફ્રી ગોલ્ડની સપ્લાય ફરીથી શરૂ કરી દીધી છે.જો કે કોરોનાના કારણે મુંબઈમાં આંશિક બંધની પરિસ્થિતિના પરિણામે આ પ્રક્રિયામાં થોડો વિલંબ થવાની શક્યતા છે.દીનેશભાઈ નાવડીયાએ આ બાબતની દરેક સભ્યોને સુખદ નોંધ લેવા પણ અપીલ કરી છે.