ડાયમંડ ટાઈમ્સ
ભારતની સરખામણીએ સુપર પાવર ગણાતા અમેરીકાનું અર્થતંત્ર લગભગ સાત ગણું મોટું છે.વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા અમેરીકાના અર્થતંત્રનું કદ 21 ટ્રિલિયન ડોલર છે.એક અહેવાલ મુજબ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા પર દેવાનો બોજ 29 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે. અમેરિકાએ ભારત પાસેથી 216 અબજ ડોલર એટલે કે આશરે 15 લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે.વર્ષ 2020 માં અમેરીકાનું રાષ્ટ્રીય દેવું 23.4 ટ્રિલિયન ડોલર હતું.જે મુજબ ગણતરી કરતા પ્રત્યેક અમેરીકનના માથે 72309 ડોલર એટલે કે આશરે 52 લાખ જેટલુ દેવુ હતું.
અમેરીકાના રાજકીય નેતા એલેક્સ મૂનીએ કહ્યું છે કે અમેરિકાએ ચીન અને જાપાન પાસેથી 1-1 ટ્રિલિયન ડોલરની લોન લીધી છે.ચીન હંમેશાં અમેરિકાનું એક મોટુ હરીફ રહ્યું છે. દેવાના સતત વધતા બોજને ધ્યાનમાં રાખીને અમેરીકામા જાહેર થનારા 1.9 ટ્રિલિયન ડોલરના નવા રાહત પેકેજનો એલેક્સ મૂનીએ વિરોધ કર્યો છે.
એલેક્સ મૂનીએ કહ્યુ કે વર્ષ 2000માં અમેરીકાની માથે 6 ટ્રિલિયન ડોલરનું વિદેશી દેવું હતું. જે ઓબામાનાં શાસન દરમિયાન બમણું થયું હતું . ઓબામાનાં આઠ વર્ષનાં શાસનકાળ દરમિયાન દેવાનો બોજ ખૂબ ઝડપથી વધ્યો હતો. એલેક્સ મૂનીએ અમેરીકાના અન્ય સાંસદોને પણ નવા રાહત પેકેજને મંજૂરી આપતા પહેલા ફેરવિચારણા કરવાની અપીલ કરી છે.મુનિએ આશંકા વ્યકત કરતા કહ્યુ કે એક અંદાજ છે કે 2050 સુધીમાં અમેરીકાને વધુ 104 ટ્રિલિયન ડોલરની લોન લેવાની ફરજ પડશે.અમેરીકા માટે દેવાનો આ આંકડો ખૂબ જ ભયાવહ આંકડો હશે.
ભારતની માથે 147 લાખ કરોડનું દેવુ
અમેરીકાની સરખામણીએ ભારતની વાત કરીએ તો ભારત સરકારે નાણાકીય વર્ષ 2021-22 માટે બજેટમાં કરેલી જોગવાઈ મુજબ બજારમાંથી 12 લાખ કરોડની લોન લેવાનો નિર્ણય કર્યો છે. હાલમાં સરકાર પર કુલ 147 લાખ કરોડનું દેવુ છે.નવા નાણાકીય વર્ષમાં લોન લેવાની ઘોષણા પછી આ આંકડો 159 લાખ કરોડ થઈ જાય છે. ચાલુ નાણાકીય વર્ષમાં અર્થવ્યવસ્થામાં 3.3 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે. વર્તમાન નાણાકીય વર્ષ એટલે કે 2020-21 માટે સરકારે રાજકોષીય ખાધ જીડીપીના 9.5 ટકા હોવાનો અંદાજ લગાવ્યો છે.આ ખાધનો અંદાજ આગામી નાણાકીય વર્ષ એટલે કે 2021-22 માટે જીડીપીના 6.8 ટકા રાખવામાં આવ્યો છે.