એક બાબત તો સહુએ સો ટકા સ્વીકારવી પડે તેમ છે કે ભારતનો હીરા ઉદ્યોગ સરકારની કોઇ પણ પ્રકારની મદદ વગર,અનેક પડકારો અને સમસ્યાઓ વચ્ચે પણ માત્ર હીરા ઉદ્યોગમાં કાર્યરત રત્નકલાકારોની કલા -કૌશલ્ય , સાહસિહ હીરા ઉદ્યોગપતિઓની કોઠાસુઝ અને હીરાને તૈયાર કરવામાં વપરાતી આધુનિક મશીનરી બનાવતી ટેકનોલોજી કંપનીઓના અમુલ્ય યોગદાન અને કસાયેલા કાંડાના જોરે જ પ્રગતિ કરી આ ક્ષેત્રમાં ચીન સહીત વિશ્વ ના અનેક દેશોને સ્પર્ધામાં ધુળ ચટાડી વિશ્વ ચેમ્પિયનનો તાજ જીત્યો છે. પરંતુ હવે તેમા સરાહનિય બદલાવ આવવાનો છે. કારણ કે વડાપ્રધાને નિર્ધારીત કરેલ નિકાસ લક્ષ્યાંક સિધ્ધ કરવા જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને સંપૂર્ણ સહયોગ આપવાની સરકારે ખાત્રી આપી નક્કર પગલાઓ ભરવાની શરૂઆત કરી દેતા આગામી સમયમા હીરા ઉદ્યોગની અકલ્પનિય પ્રગતિ થવાની છે.
DIAMOND TIMES – જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) દ્વારા ગત તારીખ 4 સપ્ટેમ્બર ના રોજ મુંબઈ ખાતે આયોજિત એક વિશિષ્ટ ઇન્ટરેક્ટિવ સત્રમાં ભારત સરકારના વાણિજ્ય સચિવ શ્રી બી.વી.આર. સુબ્રમણ્યમએ જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રના અગ્રણી નિકાસકારો-ઉદ્યોગકારો સાથે ચર્ચા કરી હતી.આ પ્રસંગે ભારત સરકાર ના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી સુરેશ કુમાર સહીત જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહ, વાઈસ ચેરમેન વિપુલ શાહ સહીતના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુંબઈ ખાતે આયોજીત આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 400 અબજ ડોલરની નિકાસ લક્ષ્યયાંક હાંસલ કરવા માટે આત્મનિર્ભર ભારતની યોજનાને આગળ વધારવાના ભાગરૂપે હતી. નિકાસકાર કંપનીઓ-હીરા ઉદ્યોગ કારો અને કેન્દ્ર સરકારના અધિકારીઓ વચ્ચે જીએસટી, ભારતીય રિઝર્વ બેંકના નિયમો, કસ્ટમ સંબંધિત નીતિઓ , સમસ્યાઓ- પડકારો સહીતના મુદ્દાઓની શ્રેણીને આવરી લઈને કટ અને પોલિશ્ડ હીરા, ગોલ્ડ જ્વેલરી, રંગીન રત્ન , સીપ્ઝ,બેન્કો, નામાંકિત એજન્સીઓનું પ્રતિનિધિત્વ કરતા સભ્યોએ એક દીવસીય સત્ર દરમિયાન કારોબારમાં અવરોધ રૂપ સમસ્યાઓ અને પડકારો રજૂ કરી બેંકો અને સરકારી અધિકારીઓ સાથે ગહન ચર્ચાઓ કરી હતી.
હીરા ઉદ્યોગને સંપૂર્ણ સહયોગની ખાત્રી :વાણિજ્ય સચિવ બી.વી.આર.સુબ્રમણ્યમ
ભારત સરકારના વાણિજ્ય સચિવ બી.વી.આર.સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે ભારત પાસે વિશાળ ખાલી સેઝ જમીન પૈકી લગભગ 10 કરોડ ચોરસ ફૂટ નિષ્ક્રિય અને અવિકસિત જમીન છે.આ બાબતને ધ્યાનમાં રાખી ઉદ્યોગ સાહસિકોને સેઝ માં બિઝનેસ માટે પ્રોત્સાહીત અને મદદ કરવા અમે સેઝને લગતી સમસ્યાને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.આગામી ડિસેમ્બર સુધીમાં ઓસ્ટ્રેલિયા અને દુબઈ એફટીએ સાથે ખાસ કરાર કરવા જઈ રહ્યા છીએ.જેમ એન્ડ જ્વેલરીના ત્રણ મોટા બજારો યુએઈ,ઇયુ અને યુએસ સાથે આ માટે વાટાઘાટો ચાલી રહી છે.અમે રત્ન અને જ્વેલરી ક્ષેત્ર સાથે સંબંધિત મુદ્દાઓની દેખરેખ માટે જીજેઇપીસી કાઉન્સિલ સાથે એક સમિતિની રચના કરીશું.આ સમિતિ, કસ્ટમ્સ, આવકવેરા, આરબીઆઈ, બેંકો અને કાઉન્સિલ સાથે ઉલ્લેખિત મુદ્દાઓને એકીકૃત કરી તેને ઉકેલવા માટે રેગ્યુલર ત્રિમાસિક બેઠકો કરશે.
હીરા ઉદ્યોગ અનેકગણી વૃદ્ધિ કરવાની ક્ષમતા ધરાવે છે : કોલિન શાહ
GJEPCના ચેરમેન કોલિન શાહે કહ્યુ કે વડાપ્રધાને આપેલા નિકાસ લક્ષ્યાંકને સિધ્ધ કરવા જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને સંપૂર્ણ સહયોગની સરકારની ખાત્રી બદલ અમો વાણિજ્ય સચિવનો આભાર માનીએ છીએ. નિકાસ વૃદ્ધિ માટે સુવિધા આપવા સહીત સરકારના વિવિધ પગલાંથી અમને વિશ્વાસ છે કે સરકારના સહયોગની સાથે અન્ય હિસ્સેદારોની મદદથી જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્ર આગામી થોડા વર્ષોમાં 70 અબજ ડોલરનું નિકાસ લક્ષ્ય હાંસિલ કરશે.આજની બેઠકમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓના અપડેટ માટે વાણિજ્ય સચિવે છ મહિના બાદ નિકાસકારોને ફરી મળવાનું આશ્વાસન આપ્યું છે.
GJPEC ના ચેરમેન વિપુલ શાહે ઉમેર્યુ કે જેમ એન્ડ જ્વેલરી સેક્ટર શ્રમ-આધારિત ઉદ્યોગ છે.અને તે પોલિસી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ અનુકૂળ વાતાવરણ સાથે અનેકગણી વૃદ્ધિ કરવાની ક્ષમતા ધરાવે છે.મને ખાતરી છે કે આ ક્ષેત્ર નાણાકીય વર્ષ 2020-21 માટે 43.75 અબજ ડોલરનું નિકાસ લક્ષ્ય હાંસલ કરશે.તેમજ ચાલુ નાણાકીય વર્ષમાં 400 અબજ ડોલરની નિકાસ પૂર્ણ કરવાના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનમાં નોંધપાત્ર યોગદાન આપશે.
જેમ એન્ડ જ્વેલરી સેક્ટર્સની સમસ્યાના નિવારણ માટે મુખ્ય માંગણીઓ
ખાસ નોટિફાઇડ ઝોન માટે ટર્નઓવર ટેક્સમાં ખાસ રાહત
ડાયમંડ ઇમ્પ્રેસ્ટ લાયસન્સની રજૂઆત
Kpcs અંતર્ગત આયાત કરાયેલા ગોલ્ડ અને હીરા પર આયાત ડ્યૂટી રદ્દ
આઇસગેટમાં તકનીકી સમસ્યાને કારણે આયાત ચુકવણી સમયસર રિલીઝ કરવી
જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં જીએસટી હેઠળ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (આઇટીસી) ઝડપથી રિલોઝ કરવી
રફ હીરાની ખરીદી માટે 2 ટકા ટેક્સની નાબૂદી
કટ અને પોલિશ્ડ ડાયમંડની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવો.