DIAMOND TIMES – કોરાનાના કારણે ઉદ્યોગ-ધંધા પર પડેલી માઠી અસરને ખાળવા એપ્રિલની ડયુ ડેટમાં આવતી ડાયરેકટ અને ઇનડાયરેકટ ટેકસની મુદ્દત વધારીને ૩૦ જૂન ર૦ર૧ કરવા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ નાણામંત્રી નિર્મલા સીતારામનને રજૂઆત કરી છે.
આ રજુઆતમાં કહેવામાં આવ્યુ છે કે કોરોનાના કારણે તમામ ધંધા-રોજગારને અસર થઈ છે.તો ઉત્પાદન એકમોની કાર્યક્ષમતામાં પણ 50 ટકાનો ઘટાડો થયો છે.વળી આવી સ્થિતિ વચ્ચે ઉત્પાદિત માલનું વેચાણ નહીં થતું હોવા ઉપરાંત સમયસર પેમેન્ટની સમસ્યાથી વર્કીંગ કેપિટલની તંગી ઉભી થઈ છે.આ સમસ્યાને ધ્યાનમાં રાખી એમએસએમઇમાં સમાવિષ્ટ એકમોની આઉટ સ્ટેન્ડીંગ લોન ઉપર ચાર મહિના સુધી ઇન્ટરેસ્ટ સબવેન્શનની સુવિધા આપવા તેમજ ચાલુ લોન ઉપર છ મહિનાનો મોરેટોરિયમ પિરિયડ આપવા,સરકારી કરની વિલંબિત ચૂકવણી પર લેટ ફી કે પેનલ્ટી નહીં વસુલવા સહીતની નાણામંત્રી પાસે માંગણીઓ કરવામાં આવી છે.
ઉદ્યોગોને મદદરૂપ થવા મુખ્યમંત્રી પાસે પણ કરી વિવિધ માંગણીઓ
૧. સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગોને વિજળી બીલમાં યોગ્ય રાહત મળી રહે તે માટે ફીક્સ ડિમાન્ડ ચાર્જીસમાં આવતાં ત્રણ મહિના સુધી માફ કરવો જોઈએ.
ર. ઔદ્યોગિક વપરાશ માટેના ગેસ વિતરણ માટે લેવાતો ફિક્સ ચાર્જ પણ ત્રણ મહિના સુધી માફ કરવો જોઈએ.
૩. રાજ્ય કરવેરો ભરવાની તારીખ જે એપ્રિલ કે મે મહિનામાં આવતી હોય તો તેને જૂન સુધી વગર કોઈ પેનલ્ટી અથવા લેટ ફી વગર લંબાવી આપવી જોઈએ.
૪. જીઆઇડીસીના સંકલિત વેરા ભરવાની તારીખમાં પણ ત્રણ મહિનાનો વધારો કરવો જોઈએ.
પ. ઔદ્યોગિક વપરાશકારોને વિજળી બીલ ભરવાની તારીખમાં બે મહિના સુધીની રાહત મળવી જોઈએ.
૬. એમએસએમઇ ઉદ્યોગને મળતી વિજળીના ભાવમાં ઘટાડો કરવો જોઈએ.
લોન રિપેમેન્ટ હેઠળ એનપીએ લોન ખાતાના નિયમોની જોગવાઈમાં વધુ 90 દીવસની મુદ્દત વધારવા રિઝર્વબેંક પાસે કરી માંગ
ઉદ્યોગ -કારોબાર પર પડેલી માઠી અસરને પહોંચી વળવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રુડેન્શિયલ નોર્મ્સ ફોર એસેટ કલાસિફિકેશનમાં દર્શાવેલી એસેટ ડાઉનગ્રેડ માટેની સમય મર્યાદામાં ૯૦ દિવસનો વધારો કરવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શકિતકાંતા દાસને રજૂઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવવામાં આવ્યુ છે કે તારીખ ૧ એપ્રિલ ર૦ર૧ના રોજ કોઇપણ પ્રકારના રેગ્યુલર લોન ખાતામાંથી ૧૮૦ દિવસ સુધી પેમેન્ટ નહીં થાય તો તેવા ખાતાને એનપીએ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.પરંતુ એસએમએ ૧ અને એસએમએ ર માં સમાવિષ્ટ ઉદ્યોગકારો માટે ૧ લી એપ્રિલ ર૦ર૧ થી લોન રિ-પેમેન્ટ માટે ૧૮૦ દીવસ ઉપરાંત વધારાના ૯૦ દિવસનો ગ્રેસ પિરિયડ આપવાની પણ માંગણી કરવામાં આવી છે.