ડાયમંડ ટાઈમ્સ
સુરત.સુરતને મેગા ઇન્ટીગ્રેટેડ ટેકસટાઇલ રિજીયન એન્ડ એપરલ પાર્ક‘MITRA’ આપવા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભારતના વસ્ત્ર મંત્રી સ્મૃતિ ઇરાનીને રજૂઆત કરવામાં આવી છે.પાર્કની સ્થાપના માટે ઓછામાં ઓછી ૧૦૦૦ એકર જમીનની જરૂરીયાત છે.જેના માટે દક્ષિણ ગુજરાતમાં બે સ્થળો ઓળખી કાઢવામાં આવ્યા છે.જે રાજ્યના મહેસૂલ વિભાગના રેકોર્ડ મુજબ સરકારના કબજામાં છે.જેથી પાર્ક માટે તેની ફાળવણી માટે વિચારણા કરી શકાય તેમ છે.આ બે સ્થળોમાં સુરત જિલ્લાના ગભેણી ગામ અને ભરૂચ જિલ્લામાં હાંસોટના કાંતિયાજાલ ગામનો સમાવેશ થાય છે.આ બંનેમાંથી કોઇપણ એક સ્થળે મેગા ઇન્ટીગ્રેટેડ ટેકસટાઇલ રિજીયન એન્ડ એપરલ પાર્ક ફાળવી શકાય તે માટેનું સૂચન ચેમ્બરે વસ્ત્ર મંત્રીને કર્યું છે.
સરકારનાં કબ્જા હેઠળની ગભેણી ગામની જગ્યા
સુરત જિલ્લામાં ગભેણી ગામ ખાતે સર્વે નં. ૪૮૩ અને ૪૮૪ ખાતે ૬ર.૪૮ લાખ સ્કવેર મીટર એટલે કે ૧પ૦૦ એકર જમીન ઉપલબ્ધ છે.જે નેશનલ હાઈ- વે નંબર ૪૮ થી ર૩.૮ કિલોમીટર,નેશનલ હાઈ- વે નંબર પ૩થી પ.૬ કિલોમીટર,સુરત રેલ્વે સ્ટેશનથી ૧૬.૬ કિલોમીટર,સુરત એરપોર્ટથી ૧૭.પ કિલોમીટર અને અદાણી હજીરા પોર્ટથી ૩૮.પ કિલોમીટરના અંતરે આવેલી છે.
હાંસોટ તાલુકાના કાંતિયાજાલ ગામની જગ્યા
ભરૂચ જિલ્લામાં હાંસોટ તાલુકાના કાંતિયાજાલ ગામમાં સર્વે નં. ૩૩૮ ખાતે આશરે ર૦૪૧.૮૯ લાખ સ્કવેર મીટર જમીન ઉપલબ્ધ છે.આ જમીન નેશનલ હાઈ- વે નંબર ૪૮ થી ૪૮.ર કિલોમીટર ,નેશનલ હાઈ- વે નંબર પ૩થી ૬૭ કિલોમીટર , કોસંબા રેલ્વે સ્ટેશનથી ૩૭.૩ કિલોમીટર ,સુરત એરપોર્ટથી ૬૮ કિલોમીટર અને અદાણી હજીરા પોર્ટથી ૭૬.૯ કિલોમીટરના અંતરે આવેલી છે.
દેશભરમાં મેન મેઇડ ફાયબરનું ૬પ ટકા ઉત્પાદન એકલા સુરતમાં
ચેમ્બર દ્વારા વસ્ત્ર મંત્રીને રજૂઆત કરાઇ છે કે, ભારતમાં એમએમએફ ટેકસટાઇલના વિકાસના પ્રાથમિક સ્થળ તરીકે સુરત આશરે પ૦ વર્ષથી વધુનો ઇતિહાસ છે. દેશભરમાં મેન મેઇડ ફાયબરનું ૬પ ટકા ઉત્પાદન એકલા સુરતમાં થાય છે.
સુરતમાં પરંપરાગત કાપડ ઉદ્યોગ છે વર્ષોથી કાર્યરત
સુરતમાં યાર્ન મેન્યુફેક્ચરિંગ – પ્રોસેસિંગથી લઇને ફેબ્રિકનું ઉત્પાદન, ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ, એમ્બ્રોઇડરી એન્ડ સ્ટોન વર્ક અને ગારમેન્ટ્સ એપરલ્સનો સમાવેશ થાય છે.સુરતની વસ્તી કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે.જે કાચા ઉત્પાદનથી લઈને વિવિધ પ્રવૃત્તિઓને આવરી લે છે. પોલિએસ્ટર, નાયલોન અને એમએમએફ માટેની વિવિધ સામગ્રી, જેમાં ગ્રાહકોને હાઇ વેલ્યુ એડેડ ચેન સાથેની પ્રોડકટ્સ જેમ કે ફેબ્રિકસ અને ગારમેન્ટ્સ પુરા પાડી શકે છે.
ભારતમાં સુરતને કાપડ ઉદ્યોગનું કેન્દ્ર બનાવવાની સંભાવનાઓ
સુરતમાં સુતરાઉ વણાટ અને પ્રોસેસિંગ ઉપરાંત કૃત્રિમ વણાટ અને તેની તમામ પ્રકારની પ્રક્રિયા માટેની સુવિધાઓ છે અને આ ઉત્પાદનો માટેનો વ્યવસાય કદ ખૂબ મોટો છે. કારણ કે સુરતમાં દરરોજ ૪ કરોડ મીટર કાપડનું ઉત્પાદન થાય છે. એટલે કે આખા રાષ્ટ્રના કાપડના કુલ ઉત્પાદનમાં ૪૦ ટકાનો ફાળો સુરત આપે છે, ૭ લાખ પાવર લૂમ્સ, ૧ લાખ ર૦ હજાર એમ્બ્રોઇડરી મશીનો અને પ૦ હજાર શટલ–લૂમ્સ છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગકારો દ્વારા ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં નોંધપાત્ર રોકાણ કરવામાં આવી રહ્યું છે.
સુરત હાલ ટેકસટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનું હબ છે.
ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી સંબંધિત પ્રિપરેટરી મશીનરી જેવી કે ટીએફઓ, ઓટોમેટીક વોર્પિંગ, રેપીયર લૂમ્સ તથા પ્રોસેસિંગ મશીનરી જેવી કે ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મશીનરી હવે સુરતમાં જ મેન્યુફેકચરીંગ થાય છે. આથી સુરત હવે ટેકસટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનું હબ બની ગયું છે. વળી, મશીનરી મેન્યુફેકચરર્સનો પણ મેગા ઇન્ટીગ્રેટેડ ટેકસટાઇલ રિજીયન એન્ડ એપરલ પાર્કમાં સમાવેશ થાય છે.
સુરતમાં ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં વિદેશથી રોકાણની ખાતરી
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તાજેતરમાં જ ઈન્ડોનેશિયા અને દક્ષિણ આફ્રિકાના કોન્સ્યુલ જનરલ સાથે ચર્ચા સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અરસપરસ સત્રો દરમિયાન ચેમ્બરને કૃત્રિમ કાપડના ક્ષેત્રમાં તેમના દેશમાંથી સુરતમાં ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં રોકાણની ખાતરી આપવામાં આવી છે.
નવા મેગા ટેક્સટાઇલ પાર્કનું નિર્માણ સ્થાનિક ઉત્પાદનને વધુ મજબૂત બનાવશે
સુરતમાં એસ.આઈ.ટી.પી. પ્રોજેક્ટ્સ હેઠળ દેશમાં સૌથી વધુ સફળ ટેક્સટાઇલ પાર્ક છે. કાપડ ઉદ્યોગ માટે નવું પ્લેટફોર્મ હોવાના અવકાશ સાથે તે ભારતમાં આત્મનિર્ભર બનશે, જે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનશે. નવા મેગા ટેક્સટાઇલ પાર્કનું નિર્માણ સ્થાનિક ઉત્પાદનને વધુ મજબૂત બનાવશે. સાથે જ સ્થાનિક સપ્લાય ચેનને ડેવલપ કરશે તથા સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બ્રાન્ડમાં રૂપાંતરિત કરવા માટે મહત્વનું સાબિત થશે.
દેશના દરેક ખૂણેથી લોકો સુરતમાં આવીને વસ્યા છે
આ ઉપરાંત ભારતના ટાયર– ટુ શહેરોની વાત આવે છે ત્યારે સુરતની વસ્તી વિષયક પદ્ધતિ સમાન છે. દિલ્હી અને મુંબઇ જેવા અન્ય અગ્રણી મહાનગરો સિવાય, સુરતમાં સ્થળાંતર કરનારાઓની વસ્તી તેની કુલ વસ્તીના લગભગ પ૦ ટકા છે. ભારતના પશ્ચિમ, ઉત્તર, ઉત્તર પૂર્વ, દક્ષિણ અથવા પશ્ચિમના દરેક ખૂણામાંથી લોકો સુરતમાં રોજીરોટી માટે આવીને વસ્યા છે. જેમાંથી મોટાભાગના લોકો ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે.