ઇનપુટ ટેક્સ ક્રેડિટ રિલિઝ કરવા અને રફ હીરા પરનો ટેક્સ દુર કરવા જીજેઇપીસીની નાણામંત્રીને રજુઆત

58
જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશભાઈ નાવડિયાની અધ્યક્ષતામાં એક પ્રતિનિધી મંડળે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈને રૂબરૂ મળી રફ હીરા પરની 2 ટકા લેવી દુર કરવા તેમજ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઝડપથી છૂટી કરવા કરેલી રજુઆતનો સકારાત્મક પ્રતિસાદ

DIAMOND TIMES – જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના પ્રાદેશિક અધ્યક્ષ દિનેશભાઈ નાવડિયા ના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડિયા અને સુરતના ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ રાણાને સાથે રાખીને નાણાં મંત્રી કનુ દેસાઈને ગાંધીનગર ખાતે રૂબરૂ મળીને ગુજરાતના હીરા ઉદ્યોગને નડતી સમસ્યા  નિવારવા રજુઆત કરી હતી.જેનો નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ સકારાત્મક પ્રતિસાદ આપી તેને નિવારવા ખાત્રી આપી હતી.

આ અંગે દીનેશભાઈ નાવડિયાએ જણાવ્યું હતું કે જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ(ITC) જામ થઈ જવાના કારણે વર્કીંગ કેપિટલની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.ઉલ્લેખનિય છે કે જ્વેલરી ઉત્પાદક અને હીરા ઉદ્યોગ કારોની કરોડો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ફસાઈ ગઈ છે.ઉપરાંત હીરા ઉદ્યોગકારો રફ હીરાની ખરીદી પર 2 ટકા લેવી ની અસમાનતાનો સામનો કરી રહ્યા છે. કોરોના મહામારીમાં રફ હીરાના ભાવ આસમાને પહોંચ્યા છે.વળી વિશ્વ ના અન્ય કેન્દ્રોની તુલનામાં ભારતમાં રફ હીરાની ખરીદી પર 2 ટકા લેવીના કારણે રફ હીરા મોંઘા પડે છે.

અંતમા દીનેશભાઈ નાવડિયાએ ઉમેર્યું હતું કે અમોએ ઉપરોક્ત સમસ્યા નિવારવા નાણામંત્રી કનુ દેસાઈને રજુઆત કરી છે.તેમણે જીએસટી અધિકારીઓ સાથે આ મુદ્દાઓ પર ચર્ચા કરી સકારાત્મક પગલાની ખાતરી આપી છે.