દુનિયાભરમાં ક્રિપ્ટો પર કડકાઈની તૈયારી

DIAMOND TIMES – અમેરિકા આગામી મહિને ડિજિટલ એસેટ્સ અંગે વ્યૂહનીતિ જાહેર કરશે
ચીન, બાંગ્લાદેશ, ઈજિપ્ત-કતાર સહિત 9 દેશમાં પૂર્ણ પ્રતિબંધ છે

ભારત, અમેરિકા અને રશિયા સહિત દુનિયાભરની સરકારો ડિજિટલ કરન્સી પર કડકાઈ વધારવાની તૈયારી કરી રહી છે. ભારત સરકાર છેલ્લા ઘણા સમયથી ડિજિટલ કરન્સીના નિયમનને લગતા કાયદા બનાવવા વિચારણા કરી રહી છે. તૈયારી એ છે કે રિઝર્વ બેન્કના માધ્યમથી જ ડિજિકલ કરન્સી અધિકૃત હોય. અમેરિકામાં બાઈડેન સરકાર આગામી મહિના સુધીમાં ડિજિટલ એસેટ્સ માટે વ્યૂહનીતિ જાહેર કરશે. અમેરિકામાં ડિજિટલ એસેટ્સનાં જોખમ અને તકોની સમીક્ષા કરવાનું કામ ફેડરલ એજન્સીઓને સોંપવાની તૈયારી થઈ રહી છે.

બીજી બાજુ રશિયામાં પણ સેન્ટ્રલ બેન્ક ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા અંગે વિચારી રહી છે. ગત વર્ષે ચીન, બાંગ્લાદેશ, ઈજિપ્ત, ઈરાક, કતાર, ઓમાન, મોરોક્કો, અલ્જિરિયા અને ટ્યુનિશિયા જેવા દેશોએ ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો હતો. જોકે, દુનિયાના 42 દેશ હજુ સુધી નક્કી નથી કરી શકી રહ્યા કે ક્રિપ્ટો કરન્સીને કાયદેસર માનીએ કે ગેરકાયદે.

આ દેશોમાં લાખો લોકોએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કર્યું છે. અમેરિકામાં એક સરવે પ્રમાણે, મોટા ભાગના અમેરિકનો હજુ પણ તેનાથી વાકેફ નથી કે બિટકોઈન કઈ રીતે કામ કરે છે? તેના પર તેમને વિશ્વાસ નથી. એટલું જ નહીં, દસમાંથી એક અમેરિકને તો ક્રિપ્ટો કરન્સી વિશે સાંભળ્યું સુદ્ધાં નથી.

આખરે પ્રતિબંધ કેમ? | મોટા ભાગના દેશ ક્રિપ્ટો કરન્સીને નાણાકીય વ્યવસ્થા માટે ખતરો અને તેને ગેરકાયદે નાણાકીય લેવડ-દેવડ માને છે. રશિયાની બેન્કનું પણ કહેવું છે કે તે નાણાકીય વ્યવસ્થા માટે ખતરો છે. તેનાથી નાણાકીય નીતિનું મહત્ત્વ ઘટી જાય છે. તે દેશના પર્યાવરણના એજન્ડાને પણ નુકસાન પહોંચાડે અને એનર્જી સપ્લાય માટે પણ ખતરો છે. જ્યારે યુરોપિયન સેન્ટ્રલ બેન્કના વડા ક્રિસ્ટીન લેગાર્ડે બિટકોઈનને મની લોન્ડરિંગ સબંધિત અને સટ્ટાબાજી વધારતો ગણાવ્યો છે. અમેરિકી નાણામંત્રી જેનેટ યેલેન માને છે કે ક્રિપ્ટોકરન્સી ગેરકાયદે લેવડ-દેવડ માટે છે.

પ્રતિબંધનો વિરોધ કેમ? | ટેલિગ્રામ મેસેજિંગ એપના સીઈઓ પોવેલ દુરોવ કહે છે કે ક્રિપ્ટો કરન્સી પર રોક ટેક્નોલોજી ઉદ્યોગને ખતમ કરી દેશે. આઈટી પ્રોફેશનલ દેશથી બહાર જશે. અમેરિકા અને યુરોપિયન યુનિયનમાં પણ ક્રિપ્ટો પર સીધા પ્રતિબંધની શક્યતા ઓછી છે પણ અમુક રોકાણકારો માને છે કે તે વધારે દિવસ નહીં ચાલે. તે કેન્દ્રીય બેન્કોનાં નાણાંના સપ્લાયના અધિકાર ક્ષેત્રમાં સીધો પડકાર છે.

ક્રિપ્ટોથી હમાસને પૈસા મોકલવાનું રેકેટ
દિલ્હી પોલીસે લોકોના ક્રિપ્ટો વૉલેટ હેક કરી આતંકી જૂથના ખાતામાં વર્ચ્યુઅલ કરન્સી ટ્રાન્સફર કરવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ પૈસા હમાસના આતંકી જૂથ અલ કાસમ બ્રિગેડને મોકલાતા હતા. પશ્ચિમ વિહાર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદની તપાસમાં આ રેકેટ પકડાયું હતું.

શું પ્રતિબંધ શક્ય છે? | ઈલેક્ટ્રોનિક્સ ફ્રન્ટિયર્સ ફાઉન્ડેશનના ડિરેક્ટર ડેની ઓબ્રિયન કહે છે કે પ્રતિબંધ સફળ રહેશે તેમાં શંકા છે. ક્રિપ્ટો કરન્સીના ડિસેન્ટ્રલાઈઝ મોડલને કારણે તેને પ્રતિબંધિત કરવું ટેક્નિકલ રીતે મુશ્કેલ છે. તેના માટે ઈન્ટરનેટ પર બેન મૂકવો પડશે જે આજે કોઈ પણ દેશ નહીં કરી શકે. જો તમે ભારતમાં ક્રિપ્ટો કરન્સી પર બેન મૂકશો તો તે લોકો દેશની બહાર ક્રિપ્ટો કરન્સી ખરીદશે.