ભારતમાં ક્રિપ્ટો કરન્સીના ટ્રેડીંગ,માઈનિંગ અને હોલ્ડીંગ પર લાગશે સખ્ત પ્રતિબંધ

178

ક્રિપ્ટોકરન્સી પર કડક કાયદો લાવનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ બનશે,જો કે બિટકોઈન સામે ભારત સરકારના સખ્ત વલણ છતાં 80 લાખ રોકાણકારોનું 100 અબજનું રોકાણ હોવાના અહેવાલ

DIAMOND TIMES – ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ટ્રેડીંગ માઈનિંગ અને હોલ્ડીંગ પર કેન્દ્ર સરકાર પ્રતિબંધ મુકવા માંગે છે.આ માટે ભારત સરકાર આગામી ટુંક સમયમાં જ સખ્ત કાયદો કાનુન લાવી શકે છે.આ બાબત સાથે જોડાયેલા એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે આ કાયદાથી લાખો રોકાણકારોને ઝટકો લાગી શકે છે કે જે ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડીંગ અને રોકાણ કરે છે.આ કાયદો લાગુ પડી ગયા બાદ ક્રિપ્ટો કરન્સીની ટ્રેડીંગ,માઈનીંગ અને હોલ્ડીંગ ગુનો ગણાશે.

વર્ષ 2019 માં સરકાર દ્વારા રચાયેલી એક સમિતિએ ક્રિપ્ટોકરન્સીની ટ્રેડીંગ, માઈનીંગ, હોલ્ડીંગ માટે 10 વર્ષની જેલની સજાની ભલામણ કરી હતી. જેને પણ ધ્યાને લેવામા આવી શકે છે. આ કાયદો અમલી બનતા પહેલા રોકાણકારોને 6 મહિનાનો સમય આપવામાં આવે તેવી ધારણા છે.કારણ કે રોકાણકાર પોતાના રોકાણને ક્રિપ્ટોકરન્સીમાંથી પાછા ખેંચી શકે. અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર પાસે સંસદમાં પૂર્ણ બહુમતી હોવાથી આ બિલ સરળતાથી કાયદો બની જશે.ભારત ક્રિપ્ટોકરન્સી પર પુરી રીતે બાન લગાવનાર દુનિયાનો પ્રથમ દેશ બની જશે.વિશ્વના હજુ એક પણ દેશે આટલો સખ્ત કાયદો બનાવી ક્રિપ્ટોકરન્સીની ટ્રેડીંગ માઈનિંગ અને હોલ્ડીંગ પર પ્રતિબંધ નથી મુક્યો.