DIAMOND TIMES – આગામી 27 થી 30 ઓગષ્ટ-2021 દરમિયાન નેવાડા શહેરના વેનેટીયન રિસોર્ટ એન્ડ સેન્ડસ ( VENETIAN RESORT & SANDS) ખાતે આયોજીત થનાર મહત્વપુર્ણ જેસીકે લાસવેગાસ- શો પર વિશ્વના હીરા અને ઝવેરાતના કારોબારીઓની નજર કેન્દ્રીત થઈ છે.પ્રતિવર્ષ આયોજીત થતા જેસીકે એક્સ્પોમાં સમગ્ર વિશ્વમાથી આશરે 20,000થી વધુ વ્યાવસાયિકો અને ખરીદદારો ઉપસ્થિત રહેતા હોય છે.જેસીકે લાસવેગાસ – શો સમગ્ર વિશ્વના હીરા અને ઝવેરાતનાના કારોબારીઓને એકમંચ પર લાવી વ્યવસાયિક લાભની સાથે પ્રશિક્ષણ , નેટવર્કિંગ,મનોરંજન સહીતના પોગ્રામ દ્વારા હીરા- ઝવેરાત ઉદ્યોગના ભાવિને આકાર આપે છે.
એક તરફ જેસીકે લાસવેગાસ- શો ના આયોજનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ કોરોના સંકટના કારણે અમેરીકામાં પ્રવેશની પરવાનગી આપવા અને હવાઈ મુસાફરીની પરિસ્થિતિ અનિશ્ચિત છે. આવી પરિસ્થિતિ વચ્ચે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી) અને ઇઝરાઇલ ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ (આઈડીઆઈ)એ આશાવાદ વ્યક્ત કર્યો છે કે તેમના સભ્યો જેસીકે લાસ વેગાસ શો-માં ભાગ લઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે. ભારત અને ઇઝરાઇલના ઉદ્યોગ જૂથોના આનિવેદનને આવકારતા જેસીકેની આયોજન ટીમે કહ્યુ કે ભારત અને ઈઝરાયેલ સહીત આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓને આવકારવા અમો ઉત્સુક છીએ. અમને આશા છે કે કોરોના પર નિયંત્રણ આવી જતા આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓને અમેરીકામાં પ્રવેશવાની મંજૂરી મળી જવી જોઇએ.
જેસીકે લાસવેગાસમાં ભારતિય પેવેલિયન હશે : જીજેઇપીસીના અધ્યક્ષ કોલિન શાહ
જેસીકે લાસવેગાસ- શો અંગે જીજેઇપીસીના અધ્યક્ષ કોલિન શાહે કહ્યુ કે હાલમાં અમેરીકામાં ભારતીયો માટે પ્રવેશ અને મુસાફરી પર પ્રતિબંધ છે.પરંતુ અપેક્ષા છે કે ભારતમાં કોરોના વાયરસ નિયંત્રણમાં આવી જતા જૂનના અંત સુધીમાં આ પ્રતિબંધોને હટાવી લેવામાં આવશે. કાઉન્સિલે ઉમેર્યું કે જેસીકેમાં ઝવેરાતના પ્રદર્શકો માટે 2,640 ચોરસ ફૂટના ભારતિય પેવેલિયનમાં 21 કંપનીઓનો સમાવેશ કરવામાં આવશે.જ્યારે હીરાના પ્રદર્શન માટે 2,500 ચોરસ ફૂટના અલગ પેવેલિયનમાં 23 કંપનીઓ લૂઝ-ડાયમંડ પ્રદર્શિત કરશે.અમે યુએસએ, હોંગકોંગ અને સંયુક્ત આરબ અમીરાત(યુએઈ) સહીતના મોટા બજારો પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છીએ.અમારા માટે જેસીકે એક આદર્શ પ્લેટફોર્મ છે.
પરિસ્થિતિને અનુરૂપ અનુકૂળ થવાનો પ્રયત્નો કરી રહ્યા છીએ : વીપી સરીન બચમન્ન

જેસીકે આયોજક ગ્રુપના ઉપપ્રમુખ વીપી સરીન બચમન્નએ કહ્યુ કે અમો પરિસ્થિતિને અનુરૂપ યોજનાઓ ઘડીને પ્રદર્શનકારીઓ- મુલાકાતીઓને અનુકૂળ થવાના પ્રયત્નો કરી રહ્યા છીએ.આ અંગેની જરૂરી માર્ગ દર્શિકાઓ ની સૂચિ અમોએ વેબસાઇટ પર પ્રકાશિત કરી છે.તેણીએ ઉમેર્યું હતું કે જેસીકેનો હેતુ ઉત્સાહજનક વાતાવરણ નિર્મિત કરવાનો છે. યુએસ સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને પ્રવેશ આપવાની પરવાનગી આપવામાં આવે તેવી આશા છે. અમે આંતરરાષ્ટ્રીય ગ્રાહકો અને ભાગીદારો સાથે સંયુક્ત રીતે કામ કરી રહ્યા છીએ. કેટલીક અગ્રણી કંપનીઓની ટ્રાવેલ નીતિઓ હજી કામચલાઉ છે જેથી તેમની ઉપસ્થિતી અંગે અત્યારે કહેવુ અયોગ્ય છે.
ઈઝરાયેલ ડાયમંડ એક્સ્ચેન્જના પ્રવક્તાએ કહ્યુ કે ઇઝરાયેલમાં રસીકરણના સફળ અભિયાનથી સરકારે કોરોનાને લગતી તમામ સાવચેતીઓને નાબૂદ કરી દીધી છે.પરંતુ યુ.એસ.માં પ્રવેશ માટે અમેરીકાની સરકાર પર બધો આધાર છે.જેસીકે ખાતે ઇઝરાઇલી ડાયમંડ પેવેલિયન પણ હશે.કારણ કે આ શો વિશ્વભરના પ્રદર્શકો અને ખરીદદારો માટે એક વિશાળ પ્લેટફોર્મ છે.