શ્રી રામકૃષ્ણ SRK ફાઉન્ડેશન ૭૫૦ શહીદ પરિવારોના ઘરોને સોલાર પેનલથી અજવાળશે

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે SRK નોલેજ ફાઉન્ડેશન દેશના ૭૫૦ શહીદોના ઘરોમાં સોલારથી રોશની કરશે, શહીદ પરિવારોને અનોખી રીતે આજીવન મદદરૂપ થવાની ભાવના સાથે કુલ ૧૫૦૦ કિલો મેગાવોટની રૂફટોપ સોલાર સિસ્ટમ ફીટ કરાશે, પ્રત્યેક શહીદના પરિવારને દર માસે રૂ.બે હજાર સુધીની થશે બચત

DIAMOND TIMES : સુરતના અગ્રણી હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ ‘આઝાદી ના અમૃત મહોત્સવ’ નિમિત્તે દેશના ૭૫૦ વીર શહીદ જવાનોના ઘરે સોલાર પેનલ સ્થાપિત કરીને સૌર ઉર્જાથી રોશન કરવાનો સંકલ્પ લીધો છે. રામકૃષ્ણ એક્સપોર્ટના મોભીશ્રી ગોવિંદભાઈ સંચાલિત SRK નોલેજ ફાઉન્ડેશન આયોજિત ૭૬મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના સમારોહમાં આ જાહેરાત કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા શહીદ પરિવારોને અનોખી રીતે મદદરૂપ થવાની ભાવના સાથે ૧૫૦૦ કિલો મેગાવોટની રૂફટોપ સોલાર સિસ્ટમ નિ:શુલ્ક ઇન્સ્ટોલ કરવામાં આવશે. જેનાથી પ્રત્યેક શહીદના પરિવારને દર માસે અંદાજે રૂ.બે હજાર સુધીની બચત થશે.

   દેશની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી અનેકવિધ કાર્યક્રમો દ્વારા થઈ છે, ત્યારે સુરતના સમાજશ્રેષ્ઠી અને હીરા ઉદ્યોગપતિશ્રી ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાની ગૌરવશાળી ક્ષણે ૧૫ ઓગસ્ટના રોજ ૭૬મા સ્વાતંત્ર્ય દિને ‘“રાષ્ટ્ર કી રોશની”’ કાર્યક્રમ સહ ધ્વજવંદન સમારોહ યોજાયો હતો, જેમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના કમાન્ડન્ટશ્રી ચેતનકુમાર ચિત્તાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ વેળાએ શહીદ પરિવારોને અનોખી રીતે સહાય કરવા માટેની પહેલ કરતા SRK નોલેજ ફાઉન્ડેશનના ડિરેક્ટરશ્રી જયંતિભાઈ નારોલાએ ‘રાષ્ટ્ર કી રોશની’ કાર્યક્રમમાં ૭૫૦ વીર શહીદ જવાનોના પરિવારને સોલાર રૂફ ટોપ આપવાની જાહેરાત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમાજશ્રેષ્ઠીશ્રી ગોવિંદભાઈ ધોળકિયા અને SRK સમૂહ દ્વારા છ દાયકાથી સમાજ-કલ્યાણના વિવિધ કાર્યો થઈ રહ્યા છે. માર્ચ ૨૦૨૨માં ગોવિંદભાઈના વતન અમરેલી જિલ્લાના દુધાળા ગામમાં તમામ ઘરો પર સોલર પેનલ સ્થાપિત કરીને દૂધાળા ગામને ગ્રીન વિલેજ બનાવવામાં આવ્યું છે. તથા સમગ્ર ગામને ફ્રી WiFiસુવિધા ઉભી કરી છે. ગોવિંદભાઈના નેતૃત્વમાં ચાલી રહેલ ત્રણ ટ્રસ્ટ દ્વારા આજ સુધીમાં ૩૦ લાખથી વધુ લોકોને શૈક્ષણિક શિષ્યવૃત્તિ અને તબીબી જરૂરિયાતો તથા અન્ય મુશ્કેલીના સમયે આર્થિક સહાય પણ આપવામાં આવી છે. છેલ્લા ૨૮ વર્ષથી તેઓ દ્વારા દર વર્ષે ડાંગના અંતરિયાળ ગામમાં ૧૫૦ થી વધારે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ ટીમના સહયોગથી સફળતાપૂર્વક વનવાસી મેડિકલ કેમ્પો યોજી સ્થાનિક આદિજાતિ નાગરિકોની આરોગ્યની કાળજી લેવામાં આવે છે.

એક જવાબદાર નાગરિક તરીકે વીર જવાનોનું ઋણ ચૂકવવા SRK પરિવાર હંમેશા સંકલ્પબધ્ધ રહ્યો છે : જયંતિભાઈ નારોલા

જયંતિભાઈ નારોલાએ આ ઉમદા પહેલ અંગે જણાવ્યું કે, વીર જવાનો રાષ્ટ્રની સુરક્ષા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરે છે, ત્યારે શહીદ જવાનોના પરિવારને મદદરૂપ થઈ એમના સશક્તિકરણના હેતુથી ૭૫૦ શહીદ જવાનોના પરિવારને સૂર્ય ઉર્જાથી રોશન કરવાનો નિર્ણય લીધો છે.

દેશના વિકાસ અને વૃદ્ધિમાં યોગદાન આપવા માટે હંમેશા દેશના સૈનિકો અને વીર શહીદોના જીવનમાંથી પ્રેરણા લેવી જોઇએ. ભારતના એક જવાબદાર નાગરિક તરીકે SRK પરિવારનો હંમેશા સંકલ્પ રહ્યો છે કે વીર જવાનોનું ઋણ ચૂકવવા અમે શું કરી શકીએ..? જેના થકી તેમના પરિવારને આજીવન લાભ મળતો રહે. આ વિચારબીજના કારણે આઝાદીના અમૃત મહોત્સવની સેવાભાવના સાથે ઉજવણી અંતર્ગત ૭૫૦ વીર શહીદ જવાનોના ઘરે સૌર ઉર્જાથી વીજળી પૂરી પાડવાનો સંકલ્પ લીધો છે.