DIAMOND TIMES – હીરાની અગ્રણી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રા. લિ.ના કતારગામ સ્થિત આવેલા SRK એમ્પાયરે વિશ્વની અન્ય ગ્રીન બિલ્ડીંગની તુલનાએ સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાન મેળવી સુરતના હીરા ઉદ્યોગ સહીત સમસ્ત ભારતને ગૌરવ અપાવ્યુ છે.
ઉલ્લેખનિય છે કે ગત ઓક્ટોબર 2021માં SRK એમ્પાયરને વિશ્વની ટોચની 6 ગ્રીન ઇમારતોમાં સૂચિબદ્ધ કરવામાં આવી હતી.ત્યારબાદ ક્રમશ: નંબર વન બનવા તરફ એક પછી એક મક્ક્મ કદમ ભરીને આખરે આ ઝળહળતી સિધ્ધિ હાંસિલ કરી શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ કંપનીએ પોતાના યશરૂપી મુગટમાં વધુ એક રત્નમણિનો ઉમેરો કર્યો છે.
વર્ષ 2011માં ડીટીસીના તત્કાલિન મેનેજિંગ ડિરેક્ટર વર્દા શાઇનના વરદ હસ્તે આ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતુ.આ બિલ્ડીંગમાં કાર્યરત શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સમાં હીરાના કટીંગ અને પોલિશીંગ માટે અત્યંત ઉચ્ચ ટેકનોલોજી ધરાવતી અદ્યતન મશીનરી પર અંદાજે ચાર હકારથી પણ વધુ કુશળ રત્નકલાકારો હીરાને ચમકાવવાનું કાર્ય કરી દેશને વિદેશી હુંડીયામણ રળી આપે છે.
આ અગાઉ પણ SRK એમ્પાયરે 2015માં LEED ગોલ્ડ રેટિંગ હાંસલ કર્યું હતું અને પછી 2018માં યુએસ ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (USGBC) તરફથી પ્લેટિનમ સર્ટિફિકેશન એનાયત કરવામાં આવ્યુ હતુ.
SRK એમ્પાયરએ વિશ્વની અન્ય ઇમારતોને હરીફાઈમા પછાડી સફળતાપૂર્વક 95/100 પોઈન્ટનો સ્કોર હાંસલ કર્યો છે.માસિક સરેરાશ પર્ફોર્મન્સ સ્કોર તરીકે ઊર્જા વપરાશ, પાણીનો વપરાશ,કચરા વ્યવસ્થાપન સિસ્ટમ,પરિવહન પ્રણાલી અને માનવ અનુભવ સૂચકાંક સહીતના વિવિધ પરિમાણોને આધારે સ્કોરની ગણતરી કરવામાં આવે છે.
પર્યાવરણની સાથે માનવ મુલ્યોની જાળવણી અમારો મુખ્ય ધ્યેય : અરજણભાઈ ધોળકીયા
સસ્ટેનેબલી હીરા ક્રાફ્ટિંગ કાર્ય પર્યાવરણને અનુકૂળ એવી અમારી ગ્રીન બિલ્ડીંગ SRK એમ્પાયરમાં જ થાય છે,તેવો અમો ગૌરવ સાથે દાવો કરી શકીએ છીએ . એક પછી એક મજબુત કદમ દ્વારા અમારી કંપનીએ મેળવેલી સિધ્ધિ અમારા ઉજ્જવળ ભવિષ્યનો પુરાવો છે.ઇનોવેશન અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી હીરા ઉદ્યોગને સેવા આપવાનો તેમજ અન્ય લોકોને અમારી શ્રેષ્ઠ પ્રથાઓથી પ્રેરિત કરવાનું SRKનું મુખ્ય ધ્યેય છે.