આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પાર્કલ’ની વધી ખ્યાતિ: છેક અમેરિકા, દુબઇ અને નેપાળથી પણ આવ્યા ખરીદદારો

354

ડાયમંડ ટાઈમ્સ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ર૦, ર૧ અને રર ફેબ્રુઆરી ર૦ર૧ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન’સુરત સ્પાર્કલ– ર૧નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આંતરરાષ્ટ્રીય સ્તરે પણ હવે સ્પાર્કલની ખ્યાતિ વધી છે.કારણ કે આજના રવિવારના દીવસે સ્પાર્કલ પ્રદર્શનની મુલાકાતે અમેરિકા, દુબઇ અને નેપાળથી ખરીદદારો ઉમટી પડ્યા હતા.શનિવાર અને રવિવાર એમ બે દિવસમાં કુલ ૬૧પ૦ જેટલા વિદેશી બાયર્સે સ્પાર્કલની મુલાકાત લીધી છે.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા બિઝનેસ ટુ બિઝનેસનો જે અભિગમ આ વર્ષે પણ જાળવી રાખવામાં આવ્યો છે તેને કારણે બાયર્સનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહયો છે. કારણ કે એકઝીબીશનમાં ડાયમંડ જ્વેલર્સને સીધો જ બિઝનેસ મળી રહયો છે.ચેમ્બરના ગૃપ ચેરમેન જયંતિ સાવલીયાએ જણાવ્યું હતું કે, ગઇકાલે ર૦૦૦થી વધુ બાયર્સે સ્પાર્કલ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જ્યારે આજે રવિવારે ૪૧પ૦ જેટલા બાયર્સ પ્રદર્શનમાં મુકવામાં આવેલી જુદી–જુદી ડિઝાઇનની ડાયમંડ જ્વેલરી ખરીદવા માટે મુલાકાતે આવ્યા હતા. આમ બે દિવસમાં કુલ ૬૧પ૦ જેટલા બાયર્સ સ્પાર્કલ પ્રદર્શનમાં ઉમટી પડયા હતા. આથી એકઝીબીટર્સને ખૂબ જ સારો બિઝનેસ મળી રહેશે.

સ્પાર્કલ પ્રદર્શનમા સંગીત સંધ્યાની જમાવટ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા સુરત સ્પાર્કલ પ્રદર્શન દરમ્યાન ગઇકાલે સાંજે પ્લેટીનમ હોલમાં બ્રહમાંડ ગૃપ દ્વારા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાયક ધ્રુવ અને મિતાલી મહંતે ભકિત ગીત, દેશભકિત ગીત, સુફી અને ફિલ્મી ગીતો પ્રસ્તુત કર્યા હતા. બંને ગાયકોના ગીતના તાલે પ્રેક્ષકો ઝૂમી ઉઠયા હતા.