સ્પાર્કલ પ્રદર્શન ફેશન શો : કમનિય કાયા ઉપર હીરા જડીત આભુષણોને ધારણ કરી રેમ્પ પર ઉતરી રૂપસુંદરીઓ

649

ડાયમંડ ટાઇમ્સ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ચાલી રહેલા જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન ‘સુરત સ્પાર્કલ– ર૧’દરમિયાન મિસિસ એશિયા યુનિવર્સ ર૦૧૯ સ્વાતિ જાની તેમજ શહેરની નામાંકીત ફેશન ડિઝાઇનર ડો. હીના મોદી દ્વારા ભવ્ય ફેશન શો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.

ફેશન શો દરમિયાન નાજુક અને નમણી રૂપસુંદરીઓએ તેમની કમનિય કાયા પર સુરતના ઝવેરીઓ દ્વારા નિર્મિત અદ્ભુત ડીઝાઈન અને અનેરી કલાના સંગમ સમાન એક એકથી ચડીયાતી ડાયમંડ જ્વેલરી, ટ્રેડીશનલ જ્વેલરીને ધારણ કરી જ્યારે રેમ્પ પર વોક કર્યુ ત્યારે હીરા અને રત્નોના રંગબેરંગી ચળકાટ વચ્ચે ઇન્દ્રના દરબારની ભવ્યતાની ઝાંખી જોવા મળી હતી.

જ્વેલરીની સાથે અવનવા વસ્ત્રો (ફેબ્રિક)નું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.શાઇ લોઓ દ્વારા ફેશન શોમાં કોરીયોગ્રાફી કરવામાં આવી હતી.જ્યારે ફેશન શોનું સંચાલન આરજે રાહીલે કર્યું હતું.ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલભાઈ મદ્રાસીએ પ્રાસંગિક વિધી કરી હતી.ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, આવા પ્રકારના ફેશન શોના આયોજનના કારણે સુરત બ્રાન્ડને વિકસાવવામાં મોટી મદદ મળી રહેશે. જ્વેલરી અને ફેબ્રિકના મિત્રો આ રીતે એક મંચ ઉપર નિયમિત રીતે મળતા રહે તો ફેશન ઇન્ડસ્ટ્રીને પણ નવો ઓપ મળી રહેશે.