દુનિયાને લીલીછમ જોવી હોય તો થઈ જાવ તૈયાર : હીરા અને એમરાલ્ડના લેન્સ યુક્ત રૂ. 25 કરોડના ચશ્માની બે પ્રાચીન જોડીની થશે હરાજી

DIAMOND TIMES – ઓકશન હાઉસ સોથેબી દ્વારા આગામી મહીને હીરા અને એમરાલ્ડના લેન્સ ધરાવતી પ્રાચીન અને દુર્લભ એવી ચશ્માની બે જોડીની હરાજી થવાની છે.ચશ્માની આ બંને જોડીની 2.1 મિલિયનથી 3.5 મિલિયન ડોલર કીંમત મળવાનો ઓકશન હાઉસ સોથેબીને અંદાજ છે.

આ દુર્લભ,ઐતિહાસિક અને પ્રાચીન ચશ્માની જોડી 17મી સદીમાં ભારતીય ઉપખંડ પર શાસન કરતા મુઘલ સામ્રાજ્યના રાજવી પરિવારની હોવાનું માનવામાં આવે છે.જે પૈકી “ગેટ ઓફ પેરેડાઇઝ”ચશ્મા પર લગાડવામાં આવેલા એમરાલ્ડના લેન્સ 300 કેરેટથી પણ વધુ વજન ધરાવતા કોલંબિયાની વિખ્યાત ખાણમાથી મળી આવેલા એમરાલ્ડમાથી તૈયાર કરવા માં આવ્યા હોવાનું માનવામાં આવે છે.જ્યારે “હાલો ઓફ લાઇટ”થી વિખ્યાત ચશ્મામાં લેન્સ ભારતની આંધ્રપ્રદેશ સ્થિત પ્રખ્યાત ગોલકોંડા ખાણમાથી મળી આવેલા ઉચ્ચ ગુણવત્તા યુક્ત 200 કેરેટના રફ હીરામાંથી ખાસ ટેકનોલોજીની મદદથી તૈયાર કરવામાં આવી છે.

આ ચશ્માની જોડી 17મી સદીમા પણ હીરા અને રંગીન રત્નોને કટ અને પોલિશ્ડ કરવાની ભારતની વિશેષ ક્ષમતા તેમજ એ સમયની આધુનિક ટેકનોલોજીને પ્રદર્શિત કરે છે.

સોથબીના મધ્ય પૂર્વ અને ભારતના ચેરમેન એડવર્ડ ગિબ્સે ન્યુઝ એજન્સી સીએનએનને કહ્યું કે અમારી શ્રેષ્ઠ જાણ મુજબ આ પ્રકારના ચશ્માની જોડીનો વિશ્વમા ક્યાંય પણ જોટો જડવો મુશ્કેલ છે.”ગેટ ઓફ પેરેડાઇઝ” અને “હાલો ઓફ લાઇટ” થી વિખ્યાત ચશ્માના લેન્સને હીરા અને એમરાલ્ડમાથી તૈયાર કરવાની પ્રક્રીયા ખુબ જ જટીલ અને મહેનત માંગી લે તેવી છે.આ રીતે લેન્સને કાપવા માટે અસાધારણ કુશળતા અને નિપુણતાની સાથે ઉચ્ચ કોટીની વૈજ્ઞાનિક ટેકનિકની જરૂર પડતી હોય છે.આ દુર્લભ ચશ્માના લેન્સને નિહાળ્યા પછી 17મી સદીમા પણ ભારતની હીરા અને અન્ય રંગીન રત્નોને કટીંગ અને પોલિસીંગ કરવાની વિશેષ ક્ષમતા,કાર્ય કુશળતા અને દબદબાનો અંદાજ લગાવી શકાય છે.