અમેરીકામાં ટસ્કન જ્વેલરી શો માં ભાગ લેવા ગયેલા ભારતના કેટલાક ઝવેરીઓને ડી-પોર્ટ કરાયા

989
અગાઉ કેટલાક લોકોએ અમેરીકામાં મની લોન્ડરિંગ,ટાંઝાનાઇટ, રૂબીઝ સહીતના બનાવટી રત્નોનો ગેરકાયદે વેપાર કરીને ભારતના ઝવેરાત ઉદ્યોગની છબીને કલંકિત કરી હોવાના અમેરીકા સ્થિત ભારતિય ઝવેરીનો આક્ષેપ

DIAMOND TIMES– ગુલાબી નગરી જયપુરમાં કાર્યરત રંગીન રત્નોનો કારોબાર દેશના સિમાડા વટાવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે.જયપુરના અનેક ઝવેરીઓ રંગીન રત્નો તેમજ રંગીન રત્નો જડીત અલંકારોની વિદેશમાં ધુમ નિકાસ કરે છે.આ ઝવેરીઓ માટે વિદેશમાં અને ખાસ કરીને જ્વેલરીના મોટા બજાર એવા અમેરીકામાં આયોજીત થતા વિવિધ જ્વેલરી શો બિઝનેસના વિસ્તરણ માટે ટર્ન-કી નું કામ કરે છે.

પ્રતિ વર્ષે અમેરીકામાં આયોજીત થતો ટસ્કન જેમ્સ અને જ્વેલરી શો ખાસ કરીને રંગીન રત્નોના વૈશ્વિક કારોબાર માટે ખુબ જ મહત્વપુર્ણ માનવામાં આવે છે.આ બાબતને ધ્યાનમાં રાખીને એપ્રિલના પ્રથમ સપ્તાહમાં શરૂ થયેલા ટસ્કન જેમ્સ અને જ્વેલરી શો માં ભાગ લેવા જયપુરના અનેક ઝવેરીઓ અમેરીકા ગયા હતા.પરંતુ બી-1 અથવા બી 2 વિઝાને આધારે અમેરીકામાં મુસાફરી કરી રહેલા જયપુરના કેટલાક ઝવેરીઓને યુએસ ઇમિગ્રેશન વિભાગના અધિકારીઓએ ડી-પોર્ટ કરી દીધા હતા.ઉલ્લેખનિય છે કે અનેક વેપારીઓએ ટસ્કન જેમ્સ અને જ્વેલરી શો માં અગાઉથી જ સ્ટોલ બુક કરાવી લીધા હતા.આ વેપારીઓએ યુએસ ઇમિગ્રેશન વિભાગના અધિકારીઓએ અમેરીકાની મુસાફરી પાછળનો હેતુ સાબિત કરતા દસ્તાવેજો પણ આપ્યા હતા.આમ છતા પણ અધિકારીઓ તેમની કોઇ વાત સાંભળી ન હતી અને સાન ફ્રાન્સિસ્કો એરપોર્ટ પરથી ડી-પોર્ટ કરી દેવામાં આવ્યા હતા.

કેટલાક લોકોએ અમેરીકામાં ભારતના ઝવેરાત ઉદ્યોગની છબીને કલંકિત કરી છે.

અમેરીકામા વર્ષોથી જ્વેલરીના કારોબાર સાથે સંકળાયેલા એક વેપારીના કહેવા મુજબ અગાઉ કેટલાક ભારતિયો અમેરીકામાં મની લોન્ડરિંગ અને ટાંઝાનાઇટ,રૂબીઝ સહીતના બનાવટી રત્નોનો કારોબારમાં રોકાયેલા હતા,ત્યારથી અમારા પર ચીટર્સનું લેબલ ચીપકી ગયુ છે.બનાવટી રત્નોના કારોબારની ગેરકાયદે પ્રવૃત્તિ કરતા આ બદમાશોએ અમેરીકામાં ભારતના ઝવેરાત ઉદ્યોગની છબીને કલંકિત કરી છે.તેમણે કહ્યુ કે અમેરીકામાં બી 1 વિઝા ધારકોને વ્યવસાય કરવાની મંજૂરી નથી.તેમણે ઉમેર્યુ કે ટસ્કન જેમ્સ અને જ્વેલરી શો માં માલ વેચવાના હેતુથી ખોટા વિઝા લઈને આવેલા આ લોકો માટે અમને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે.અમેરીકામાં જ્વેલરી કારોબાર સ્થાપવા અને વિશ્વાસ સંપાદન કરવામાં અમોને વર્ષોની મહેનત અને સંઘર્ષ કરવો પડ્યો છે,આ બાબતને ધ્યાનમાં રાખીને આપણે ભારતીય ઝવેરીઓની પ્રતિષ્ઠાને બચાવવાની જરૂર છે.

ઝવેરીઓની ફરિયાદો અમે જીજેઈપીસીને મોકલી છે : જયપુરના જવેલર્સ એસોસિએશનના પ્રમુખ

આ ઘટના અંગે જયપુરના જવેલર્સ એસોસિએશનના પ્રમુખ રામ શરણ ગુપ્તાએ કહ્યુ કે ઝવેરીઓએ અમને રૂબરૂ મળીને જાણ કરતા અમે ઝવેરીઓની ફરિયાદ જીજેઈપીસીને મોકલી આપી છે.બી 1 હેઠળ વિઝા વેપારીઓ યુએસએમાં માલ વેચી શકતા નથી.બી 1 વિઝા વ્યક્તિને બિઝનેસ કોન્ફરન્સ,કોન્ટ્રાક્ટ્સ,ઓર્ડર પ્લેસમેન્ટ્સ અને મુસાફરી માટેની પરમિશન આપે છે. અમે ભારત સરકારના અધિકારીઓને પત્ર લખીને તેમની પાસેથી કાનૂની અને ફૂલપ્રૂફ રીત સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.જેથી ભવિષ્યમાં કોઇ તકલીફ વગર ઝવેરીઓ યુએસએ જઈને માલ પ્રદર્શિત કરી સરળતાથી વેપાર કરી શકે.