ભાવનગરમાં કુલ 33 પેઢીઓના 57 સ્થળોએ એકી સાથે દરોડા

54

બોગસ બિલીંગ પ્રકરણમાં સ્ટેટ અને કેન્દ્રીય જીએસટી વિભાગની ઇન્ટેલીજન્સ વિંગ દ્વારા સૌપ્રથમ વાર સંયુક્ત ઓપેરશન, રૂપિયા 1128 કરોડના બોગસ બિલો બનાવ્યા હોવાનું બહાર આવ્યુ, બે વ્યક્તુની ધરપકડ

DIAMOND TIMES – જીએસટી વિભાગે ભાવનગરમાં એકી સાથે કુલ ૩૩ પેઢીઓના પ૭ સ્થળોએ દરોડા પાડ્યા છે અને બે શખ્સની ધરપકડ કરી છે. બોગસ બિલીંગ પ્રકરણમાં સ્ટેટ અને કેન્દ્રીય જીએસટી વિભાગની ઇન્ટેલીજન્સ વિંગ દ્વારા સૌપ્રથમ વાર સંયુક્ત ઓપેરશન હાથ ધરાયુ છે. જેમાં ઉસ્માનગની ઝન્તી તથા ભાવેશ શાંતિલાલ પંડયાની ભાવનગર ખાતેથી ઘરપકડ કરાઈ છે અને વધુ તપાસનો ધમધમાટ શરૂ છે.

જીએસટી વિભાગના સૂત્રોમાંથી મળતી વિગત મુજબ બોગસ બિલીંગથી મેળવવામાં આવેલી ગેરકાયદેસર વેરાશાખની વસુલાત અંગે વિભાગની ઘનિષ્ઠ ઝુંબેશ ચાલી રહી છે. તાજેતરમાં બોગસ બિલીંગમાં સંડોવાયેલ હોય તેવા કેસોમાં તા.૨૯/૦૯/૨૦૨૧ ની વહેલી સવારથી ભાવનગર અને અન્ય કેટલાક સ્થળો ખાતે સ્ટેટ જીએસટી વિભાગ અને ડીજીજીઆઈ અમદાવાદ દ્વારા બોગસ બિલીંગના કેસોમાં તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ૧૬ કેસોમાં કુલ ૩૭ સ્થળોએ તથા ડીજીજીઆઈ અમદાવાદ દ્વારા ૧૭ કેસોમાં કુલ ૨૦ સ્થળોએ સધન તપાસની કાર્યાવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવેલ તપાસની કામગીરીમાં ૧૬ પેઢીઓ પૈકી ૧૧ પેઢીઓ બોગસ જણાય આવી છે તથા પાંચ પેઢીઓમાં હાલમાં તપાસ ચાલી રહી છે.

આ પેઢીઓ થકી કુલ રૂ.૭૧૨.૦૪ કરોડના બિલો ઇસ્યુ કરવામાં આવ્યા છે અને જેના થકી રૂ
૧૨૮.૧૬ કરોડની વેરાશાખ અન્ય વેપારીઓને તબદીલ કરવામાં આવી છે. કરચોરીના સુત્રધારો સુધી પહોંચવા વિભાગ દ્વારા સમગ્ર પ્રકરણમાં ખુબ જ ઉંડાણપૂર્વક કાર્યવાહી કરવામાં આવી રહેલ છે . ડીજીજીઆઈ દ્વારા કરવામાં આવેલ તપાસની કામગીરીમાં ૧૭ પેઢીઓ પૈકી ૧૨ પેઢીઓ બોગસ જણાય આવી છે. આ પેઢીઓ થકી કુલ રૂ. ૪૧૬ કરોડના બિલો ઇસ્યુ કરવામાં આવ્યા છે અને જેના થકી રૂ.૬૩ કરોડની વેરાશાખ અન્ય વેપારીઓને તબદીલ કરવામાં આવી છે.

● બે આરોપીઓ જેલ હવાલે

આ પ્રકરણે ઉસ્માનગની ઝી ( પ્રો . અલીફ એન્ટરપ્રાઇઝ, ભાવનગર) અને ભાવેશ શાંતિલાલ પંડ્યા (પ્રો. શિવાય ટ્રેડલીંક, ભાવનગર)ની સંડોવણી બહાર આવતા તેઓની જીએસટી કાયદાની કલમ ૬૯ અન્વયે ઘરપકડ કરવામાં આવી છે. બન્નેને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયા છે.

● બે માસમાં ૧૩ની ધરપકડ

ઉલ્લેખનીય છે કે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા છેલ્લા ૨ માસથી ભાવનગર ખાતે બોગસ બિલીંગને ડામી દેવાના ભાગરૂપે આવા બોગસ કેસોને શોધી કાઢી કુલ ૧૩ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલ છે. આ પ્રકરણોમાં હજુ વધુ તપાસની કાર્યવાહી ચાલી રહેલ છે અને તેમાં કરોડોની કરચોરી શોધી વેરાશાખનો લાભ લેનાર બેનીફીશયરી વેપારીઓ પાસેથી વેરાની વસુલાત કરવામાં આવશે.

ભેજાબાજો આ રીતે કરે છે ટેક્સ ચોરી

બોગસ બિલીંગ ઓપરેટર દ્વારા આર્થિક રીતે જરૂરિયાતમંદ અને ગરીબ વ્યક્તિઓને નાણાકીય પ્રલોભન આપી દસ્તાવેજી પુરાવાઓ મેળવી તેમના નામે જીએસટી રજીસ્ટ્રેશન મેળવવામાં આવે છે અને આવી પેઢીઓના નામે અન્ય (બેનીફીશયરી) વેપારીઓને માલ કે સેવાની આપ – લે વિના ફક્ત બિલ જ આપવામાં આવે છે તથા ભરવાપાત્ર વેરો સરકારી તિજોરીમાં ભરવામાં આવતો નથી. આવા બિલોના આધારે અન્ય (બેનીફીશયરી) વેપારીઓ દ્વારા વેરાશાખનો દાવો કરી વેરાશાખ ભોગવવામાં આવે છે.