શ્રી કૃષ્ણ જીવનસુત્ર : સર્વરશીપ, બિયોન્ડ લીડરશીપ

723

જે બાલમુકુન્દને બાળક તરીકે લાડ લડાવી શકીએ, સાખ્યભાવે ગોપાલને ખભે હાથ રાખીને ફ્રેન્ડ બનાવી શકીએ, ટોલ – ડાર્ક – હેન્ડસમ શ્યામસુંદરને પ્રેમ કરી શકીએ, ડગલે ને પગલે સાચી સલાહ માટે ઉત્તમ જ્ઞાની યોગેશ્વરને જગદ્દગુ३રૂ ધારણ કરી શકીએ, પ્રજાવત્સલ રાજાધિરાજ દ્વારકાધીશને નતમસ્તક થઇ શકીએ કે અખિલ બ્રહ્માંડના અધિપતિ વિશ્વસ્વ३રૂપ નારાયણને ભગવાન માનીને ભક્તિ કરી શકીએ એવા મલ્ટીપર્સનાલીટી, વન એન્ડ ઓન્લી ઈન ઓલ જનરેશન્સ, ધ કમ્પ્લીટ મેન (પૂર્ણ પુરૂષોત્તમ) ભગવાન શ્રી કૃષ્ણનું જીવન થિયરી નહિ પ્રેક્ટિકલ થી ભરપુર છે અને એના સિધ્ધાંતો વ્યવહારિક, ક્યારેય વાસી ન થાય એવા ફ્લેક્સિબલ છે.જે કોઈ ધર્મ, સંપ્રદાય, જાતિ, દેશ કે કાળ માટે સીમિત નહિ પણ સમગ્ર માનવજાત ને દરેક સમયમાં સ્પર્શે છે.

એટલે એ વિશ્વગુ३રૂ (વર્લ્ડ લીડર) કરતા વિશેષ જગદ્દગુ३રૂ (યુનિવર્સલ લીડર) છે. ભગવાન શ્રી કૃષ્ણ માનવદેહે શ્રીમાન કૃષ્ણ વાસુદેવ યાદવ તરીકે જ જીવ્યા છે. સમગ્ર જીવન દરમ્યાન ફક્ત પાંચ વખત વિશ્વસ્વ३રૂપ દર્શન કરાવીને ઈશ્વરની અનુભૂતિ કરાવી છે, બાકી બધે માનવીય કર્મ જ કરેલું છે, ચમત્કાર દ્વારા શોર્ટકટ નહિ. શોર્ટકટ કરવા હોત તો મહા ભારતનું ઐતિહાસિક યુધ્ધ, જરાસંઘ – નરકાસુર – બાણાસુર જેવા ખુંખાર મહાબલી દાનવો સાથે કેટલાય દિવસો ચાલેલા ઘમાસાણ યુધ્ધો જ ન થાત, એક સુદર્શન ચક્ર જ કાફી હતું. એટલે, એ તો ભગવાન છે, જે ધારે તે કરી શકે, આપણે તો સામાન્ય માણસ છીએ એવી માન્યતા ઠસાવી છટકી જવું નહિ.

મહાભારત યુધ્ધ પછીનો એક પ્રસંગ છે, અશ્વત્થામા એ પાંડવોનાં પૌત્રો ને મારવા બ્રહ્માસ્ત્ર છોડ્યું એમાં અભિમન્યુની પત્ની ઉતરાની કુખે રહેલું બાળક પરીક્ષિત મૃત જન્મે છે. જેને સજીવન કરવા દ્રૌપદી એના પરમ મિત્ર કૃષ્ણને આજીજી કરે છે. સદાય દ્રૌપદીની મદદ માટે તત્પર ભગવાન શ્રી કૃષ્ણ અંજલિમાં જળ લઇ પોતાના બધા કર્મોને દાવ પર લગાડી પરમ તત્વ સમક્ષ સંકલ્પ લે છે કે, ‘ જો હું ક્યારેય ખોટું ન બોલ્યો હોવ, એકવાર પણ યુઘ્ધમેદાન છોડી ભાગ્યો ન હોવ, સત્ય અને ધર્મને હંમેશા વળગી રહ્યો હોવ તો આ મૃત બાળક જીવતું થાય.’ પછી, અમુક ક્ષણોમાં પરીક્ષિત જીવંત થાય છે. આમાં માનવદેહે કરેલો પરમતત્વ સમક્ષ સંકલ્પ એટલે સનાતન, અફર નિયમ, જેમાં ભગવાનની પણ લાગવગ ન ચાલે. દા.ત. ચાલુ ઇલેક્ટ્રિક બોર્ડના પ્લગમાં જીઈબી નાં મુખ્ય ચેરમેન કે સામાન્ય વ્યક્તિ આંગળી નાખે તો બંનેને સરખા વોલ્ટનો જ શોક લાગે એવી વાત છે.

તો, હવે પ્રશ્ન એ થાય કે કેટલાય પ્રસંગોમાં આપણે જોયું છે કે સંકલ્પમાં બોલ્યા એની વિરુધ્ધ જ કરેલું છે તો જીવિત કેમ થાય? આ કન્ફ્યુઝન લગભગ મોટાભાગના લોકોને રહ્યા કરે છે પરંતુ એનો જવાબ ભગવાને ભગવદગીતા માં આપેલો છે. ફક્ત એટલું આપણી જાતને પૂછો કે કૃષ્ણ ક્યારેય અંગત સ્વાર્થ માટે ખોટું બોલ્યા છે? જયારે સમષ્ટિના કલ્યાણ માટે, લાંબા સમયગાળાના જાહેર ફાયદા માટે, કોઈનો જીવ બચાવવા માટે, સત્ય અને ધર્મની રક્ષા માટે કરેલું કોઈપણ કર્મ સા३રૂ જ લેખાશે.

‘કોઈને ઈમ્પ્રેસ કરવા આપણા કરેલા સાચા વખાણ કરતા બીજાના જીવ-સ્વમાન બચાવવા બોલેલા જુઠમાં કૃષ્ણની દ્રષ્ટિએ વધારે સારપ છે.’ કૃષ્ણ એ ઇતિહાસ નું એકમાત્ર વ્યક્તિત્વ છે જેણે એકવાર પણ પોતાની પરવાહ કર્યા વગર નિઃસ્વાર્થપણે અવિરત લોકોની સેવા કરી છે. જેણે ક્યારેય જીતેલા સામ્રાજ્યો ઉપર શાસન કરવાની ખેવના નથી કરી, પરંતુ દરેક રાજ્યની પ્રજાને શાસકના ત્રાસ અને અત્યાચાર માં થી મુક્ત કરી, સુંદર જીવન જીવવા એ વૈભવી સામ્રાજ્યોને સંપત્તિ સમેત દાન કરી સેવા કરી છે. એણે મથુરાધિપતિ બનવા કરતા મધુરાધિપતિ બની લોકોના હૃદયસમ્રાટ બનવાનું પસંદ કર્યું છે. કૃષ્ણનો સ્ટ્રોંગ પોઇન્ટ એની લીડરશીપ નથી, પણ નિઃસ્વાર્થ સમષ્ટિ કલ્યાણ માટે કરેલી સર્વરશીપ છે. 1970 માં રોબર્ટ ગ્રીનલીફ નામના મેનેજમેન્ટ ગુરૂ३ એ ‘સર્વન્ટ લીડરશીપ-લીડર સર્વન્ટ તરીકે ‘એવી ફિલોસોફી બહાર પાડી હતી, જે વિશ્વ પ્રચલિત બની. પરંતુ, એનાથી વિશાળ કોન્સેપ્ટ સાથે આપણા કાળીયાઠાકરે હજારો વર્ષો પહેલા જીવીને બતાવ્યું છે.

લીડરશીપ વિશેના અભ્યાસમાં ચાર પ્રકારના લીડર બતાવ્યા છે

1. પોસ્ટ ટર્ટલ (થાંભલે ચડેલો કાચબો) : જે એવા લીડર છે જેની ખરેખર કોઈ લાયકાત નથી, પણ પરિવાર, વારસો કે કોઈ કારણોસર ફક્ત એ પોસ્ટ-પોઝિશન ને કારણે જ લીડર છે.

2. શુટિંગ સ્ટાર (ખરતા તારા) : જે એવા લીડર કે જે થોડા સમય માટે ચોતરફ પ્રકાશ આંજી દે પણ ઘડીકમાં ગાયબ થઇ જાય. લોકો એનાથી પ્રેરણા લે, આદર્શ માને પણ નજીક ન જઈ શકાય. જેમકે ફીલ્મ, પોલિટિકલ, સ્પોર્ટ્સ સેલિબ્રિટીઝ વગેરે.

3. બઝિંગ બી (ગણગણતી મધમાખી) : આ એવા લીડર કે જે તમને સપના દેખાડ્યા કરે, સલાહ આપ્યા કરે, ખાલી વાતો જ હોય. જે એની પોઝિશન-સીટ લેય ફક્ત એનો લાભ લેવા, કોઈને આપવા નહિ.

4. મડ લોટસ (કાદવ નું કમળ) : કાદવ ભરેલા સરોવરમાં કોઈ એક કમળ ખીલે એટલે એની સુંદરતા ફક્ત એ કમળ ને નહિ પણ આખા સરોવરને સુશોભિત કરે છે. એવી રીતે આ પ્રકારના લીડર, સામાન્ય લોકો સાથે જ જીવે, ગ્રોથ કરે પણ સામાન્ય જીવનથી થોડા પર થઈને, સાથે જ હોય પણ અસ્પર્શ, સદાય પ્રભાવશાળી અને પ્રેરણાત્મક હોય, એમના વિચાર- કાર્યો પરોપકાર માટે હોય અને જે સમગ્ર વાતાવરણ-સમાજ ને ચેતનવંતુ કરે, ઉત્થાન કરે.

કૃષ્ણ નીચે જ્ણાવેલ લીડરના પ્રકારમાં મડ લોટસ કેટેગરી કરતાય ક્યાંય વિશેષ છે. સ્પ્રિંગ ને ખેંચીને તમે ધારો એ દિશામાં લઇ શકો, પણ દબાવો તો એ છટકીને દિશાહીન થઇ જાય. એમ, જેના નામ નો જ અર્થ ‘કર્ષ્યતિ ઈતિ કૃષ્ણ ‘ મતલબ ‘ જે ખેંચે એ કૃષ્ણ’, બાય ડિફોલ્ટ લીડર છે. જે આપણને પોતાની પર્સનાલિટી, યુનિક ટેલેન્ટ, વાકછટા, સેન્સ ઓફ હ્યુમર, જ્ઞાન દ્વારા આકર્ષીને પ્રોબ્લેમમાંથી બહાર કાઢીને દિશા આપે છે. કૃષ્ણની સર્વરશીપ મુજબ,સાચો લીડર એ છે જે વફાદાર, મેળવવા કરતા આપવાની ભાવનાવાળો, દરેકની કાળજી રાખનાર, બીજાની વૃધ્ધિ-વિકાસમાં માનનારો હોય અને જે લોકોના હૃદયમાં બીરાજીને અંદરથી લીડ કરાવે એ લીડર.’

કૃષ્ણ વિષે એક એક વિષય પર ઢગલો પુસ્તકો લખાયા છે, જેટલું લખાય એટલું ઓછું પડે એવો અનંત મહાસાગર છે. એટલે, શબ્દોની મર્યાદામાં ફાસ્ટ ફોરવર્ડ ફ્લેશબેક દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ ના સિધ્ધાંતો એના જીવનપ્રસંગ દ્રષ્ટાંત દ્વારા ઐતિહાસિક બી.આર. ચોપરા દિગ્દર્શિત મહાભારત ને મગજમાં રાખી વિઝ્યુલાઇઝ કરી સમજવાનો પ્રયાસ કરીએ.

1. લીડર બનવા માટે ટાઇટલ કે પાવર ની જરૂર નથી. જો તમે ખુદ રિસોર્સફુલ છો તો જ યુઝફુલ છો.

મહાભારત યુદ્ધમાં મહાનાયક શ્રીકૃષ્ણનું ટાઇટલ શું હતું? પાંડવોના પક્ષે પ્રમુખ સ્થાન તો દૂરની વાત, બોર્ડ કમિટીની મુખ્ય દસ પોઝિશનમાં પણ નહોતા. પણ જેને આપણે નિમ્નકક્ષાની જોબ ગણીએ એવા માત્ર સારથી હતાં. આખું ટાટા ગ્રુપ ઓફ કંપનીઝ, રતન ટાટા નો ડ્રાઈવર હેન્ડલ કરે એવું કોઈ કહે તો કેવો જટકો લાગે? લીડરની સફળતા ટાઇટલથી નહિ, એના વ્યક્તિત્વ થી છે. નાની વયે મથુરાની ગાદીએ નાના ઉગ્રસેન ને બેસાડ્યા, તો પણ લોકચાહનાએ કૃષ્ણ ને મથુરાધિપતિ કીધા. દ્વારકાની સ્થાપના કરી પિતા વાસુદેવને બેસાડ્યા, પોતે તો ફક્ત વહીવટી સંચાલક હતા, છતાં કૃષ્ણને ભક્તોએ હૃદયમાં ગાદી સોંપી દ્વારકાધીશ બનાવ્યા. યુધ્ધમાં કૃષ્ણ પાસે રિસોર્સીઝ પણ નહિ, આખી નારાયણી સેના તો કૌરવોને સોંપી દીધી. આપણે તો એક સ્ટાફ હરીફ કંપનીમાં જતો રહે તો ઘાંઘા થઇ જઈએ. બાળવયે, મામા કંસને મારીને મથુરાના વૈભવી સામ્રાજ્યનો ત્યાગ કરી પોતે અવંતિપુર સાંદિપની ઋષિ પાસે વિદ્યા લેવા જઈ વિશ્વને પાવરની બદલે નોલેજ પસંદ કરવાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું. કૃષ્ણને ખબર હતી કે, ‘In the absence of Title, in the absence of Resources, if I am Resourceful, I am Useful’. એમના દરેક સફળ કાર્યમાં, વ્યુહરચના, સાહસ ના મુળમાં ગુઢ રિસર્ચ, અનુભવ અને નોલેજ છે. બિઝનેસમાં સીધી સફળતા નથી મળતી, એને ટકાવવા, હરીફાઈ સામે ટકવા કે ગ્રોથ કરવા ડીપ રિસર્ચ અને નોલેજ આવશ્યક છે.

2. તમારા વર્તુળ કે કાર્યક્ષેત્રમાં બીજા કરતા તમારામાં વિશેષતા હોવી જોઈએ.

A real Leader he has to Dream More – See More – Do More & Be More. કોઈએ કંસના અત્યાચારમાંથી કે યમુનાના પાણીમાં રહેલા કાળીયા નાગથી મુક્ત થાશું એવું સપનેય વિચાર્યું નહોતું. કૃષ્ણે એ સપનું જોયું અને લોકોને જોવા માટે વિશ્વાસ અપાવ્યો. ગેડી-દડા ની રમતને નિમિત્ત બનાવી પોતે, જેની નજીક કોઈ જતું નહિ, એ નદીમાં ડાઇવ કરી (લીડર બનવા માટે બીજા કરતા એક સ્ટેપ આગળ વિચારવું પડે, સાહસ કરવું પડે. એ પણ બીજાને મોકલીને કે સલાહ આપીને નહિ, ખુદને મેદાન માં ઉતરવુ પડે), મહાકાય કાળીયા નાગનું માથું દબોચી (આંધળું સાહસ નહોતું, અગાઉ રિસર્ચ કરીને સામેવાળાની નબળાઈ ગોતી) વશ કરી એને નીકળી જવા મજબુર કર્યો અને ગામવાસીઓને ભયમુક્ત કર્યા. ઉપરાંત, ગોવર્ધન પર્વત ના પ્રસંગ દ્વારા, ઇન્દ્રને પડકાર કરી એનો ઘમંડ ઉતાર્યો, એને રીઝવવા લોકો ભય થી યજ્ઞ રૂપે લાંચ આપતા એનો છડેચોક વડીલો સામે વિરોધ કરી, જે મદદ કરે છે એવા પ્રકૃતિ અને પરમાત્માને માન- સન્માન આપવાનું શીખવાડ્યું. કૃષ્ણને ખબર જ છે કે ગોવર્ધન પર્વત નો ભાર પોતે જ ઊંચકવાનો છે, છતાં ગામવાસીઓ-મિત્રોને ફોટો પડાવી મીડિયામાં છવાઈ જવા લાકડીનો ટેકો રાખવા કીધું, જેથી ટીમવર્ક લાગે અને મોટીવેટ થાય જે આગળ મથુરાના શાસન સામે વિદ્રોહ કરવા કામ લાગે. ‘If you make positive difference in the situation by walk in to, you are a Leader. ‘

3. લીડર લોયલ (વફાદાર) હોવો જોઈએ.

આપણે હંમેશા એવું જ સાંભળ્યું છે કે કર્મચારીઓ-ફોલોઅર્સ વફાદાર હોવા જોઈએ, પરંતુ કૃષ્ણ એ પ્રથમ લીડરને પોતાની કંપની, સ્ટાફ, સંબંધો પ્રત્યે વફાદાર રહેવાનું કીધું છે. રૂપસુંદરી દ્રૌપદીના સ્વયંવરમાં પોતાના સ્થાને બ્રાહ્મણવેશે શિષ્ય અર્જુનને તક આપી અને કીધું કે ‘ હું તારી સાથે જ છું, મુંજાઈશ નહિ’, ત્યારથી પડછાયાની જેમ કૃષ્ણ અર્જુન ના જ નહિ, પાંડવોના પણ મેન્ટર-કોચ રહ્યા. યુધ્ધને ટાળવા, છેલ્લી ટ્રાય તરીકે શાંતિદૂત બનીને કૃષ્ણ ગયા અને મંત્રણા નિષ્ફળ નીવડી પછી વિદુરે કૃષ્ણને પૂછ્યું કે તમને ખબર જ હતી કે મહાભારતનું યુધ્ધ નિશ્ચિત છે, તો શાંતિ મંત્રણા કેમ કરી? ત્યારે કૃષ્ણ એ જવાબ આપ્યો કે વિશ્વને ખબર પડે કે મારા પાંડવોએ અંતિમ ક્ષણ સુધી શાંતિ નો માર્ગ પકડી રાખ્યો હતો. એના વિષે ખરાબ ન વિચારે એટલે મેં અપમાન સહન કર્યું, અને દુર્યોધન ને સુધરવાની છેલ્લી તક આપી. મહાભારત યુધ્ધ માં તો ખબર જ છે કે, કુરુક્ષેત્રમાં પ્રવેશતા જ ચક્રવર્તી અર્જુન ભાંગી પડ્યો ત્યારે ભગવદગીતા થકી વિશ્વની બેસ્ટ મોટિવેશનલ સ્પીચ આપી ઉભો કર્યો અને યુદ્ધના અંત સુધી સારથી તરીકે મેદાનમાં ગાઈડ તરીકે રહ્યા, છાવણીમાં ટાઢા છાંયે બેસીને પાંડવોને સલાહ નથી આપી.

4. પર્પઝ ફિક્સ હોવો જોઈએ, પ્રિન્સિપલ નહીં

એકજ યુગમાં, એક ભીષ્મ પિતામહ હતા જેમણે પિતાની ખુશી માટે આજીવન કુંવારા રહેવાની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી, અને એ કારણે હસ્તિનાપુરની રક્ષા કરવાની બીજી કઠોર પ્રતિજ્ઞા લેવી પડી. એના માટે પ્રાણ જાય પણ વચન ન જાય એ પ્રિન્સિપલ અને બીજા શ્રી કૃષ્ણ, એનો પ્રિન્સિપલ, વચન ભલે જાય, પ્રાણ ન જવો જોઈએ. મહાન ભીષ્મપિતામહ બધું જાણવા છતાં, પ્રતિજ્ઞાને વશ થઈ આખી જીંદગી અન્યાય-અધર્મ ને ટેકો આપવો પડ્યો. જયારે કૃષ્ણનું માનવું હતું કે કાર્ય કે વિચારનો પર્પઝ (હેતુ) સારો હોય, લોકકલ્યાણ માટે હોય તો તમે પ્રિન્સિપલ (સિધ્ધાંત) ફ્લેક્સિબલ રાખો. શાંતિદૂત તરીકે ગયેલા કૃષ્ણ, યુધ્ધ ને ટાળવા, દુર્યોધન ને વિશ્વસ્વરૂપ બતાવી છાનોમાનો બેસી જા એમ કહી દે, અને કુરુક્ષેત્રમાં નિર્બળ બનેલા અર્જુન ને એ જ વિશ્વસ્વરૂપ બતાવી, ઉભો થા, યુધ્ધ કર એવું કહી દે એ કૃષ્ણ. ગોપીઓને મજા કરાવવા ચીર હરી મસ્તી પણ કરે અને અસહાય દ્રૌપદીને ખરા સમયે ચીર પુરી લાજ બચાવે એ કૃષ્ણ. પ્રિયતમા કે પરિવાર સાથે વાંસળી વગાડી હળવાફૂલ રહેવાય, અનીતિ અને અધર્મ આચરનાર ને અમુક લિમિટ પછી સુદર્શન થી જ વાત થાય અને જેને ખરેખર સલાહ ની તરસ છે એવા પિપાસુ ને જ્ઞાન અપાય,એ મલ્ટીડાયમેન્શનલ કૃષ્ણ સારી રીતે જાણતા હતા. આપણે ઘરે સુદર્શન ફેરવીએ અને રૂપિયા બુચ મારી ગયા હોય ત્યાં વાંસળી વગાડીએ એટલે બંને બાજુ તકલીફ તો રહેવાની જ.

5. જો તમે સારું કરો છો, તો ઉપેક્ષા ને અવગણો.

‘ કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હે કહેના..’કોઈ આપણને ચોર કહે તો ખળભળી જઈએ, કૃષ્ણ એ હસતા મોઢે ‘માખણચોર’ સ્વીકારી લીધું કારણકે એનો ચોરી કરવાનો ઉદ્દેશ મથુરા માં વેરા તરીકે જતું માખણ અટકાવવા અને એ પોતાના ગરીબ મિત્રોને મોંઘુ માખણ ખાવા મળે એ હતો. મહા પરાક્રમી યુદ્ધેશ્વર શ્રી કૃષ્ણ ને કાયર ગણી ‘રણછોડ’ કહેવા વાળો સમાજ એક સમય પછી એ જ નામે પૂજે પણ ખરો. રાધા ને ગોપીઓને અચાનક તરછોડીને વિશ્વના પ્રથમ ‘સનમ બેવફા’ અને માતા યશોદા ને છેલ્લા રામ રામ કહી દેનાર કઠોર દીકરો પણ બન્યો, કારણકે પોતાનું ગોકુળ (કમ્ફર્ટ ઝોન) છોડે અને માઈગ્રેટ કરે તો જ દ્વારકા સુધીની લાંબી મંજીલ સુધી પહોંચે અને જે કારણે જન્મ લીધો એ સાર્થક થાય. એટલે, કોઈ નવું સ્ટાર્ટઅપ કરો કે ચાલુ બિઝનેસ ને એક્સપ્લોર કરવાનું સાહસ કરો છો તો ઉપેક્ષા ને અવગણો. હા, એના માટે જરૂર તમારી પાસે દીર્ઘદ્રષ્ટિ, રિસર્ચ, નોલેજ, ગણતરી અને સાહસ હોવું જરૂરી છે.

6. નાનામાં નાની બાબત, વ્યક્તિ ની કાળજી લો.

ગામના સમૃધ્ધ મુખીના છોકરા કૃષ્ણની ટોળીમાં, બધી જાતિના ગરીબ-તવંગર મિત્રો હતા. સાંદિપની ઋષિ આશ્રમમાં એનો ખાસ મિત્ર કોઈ રાજકુમાર નહિ પણ એક ગરીબ બ્રાહ્મણ નો છોકરો સુદામા હતો, અને ભવિષ્યમાં મહાનસમ્રાટ રાજાધિરાજને મળવા આવે ત્યારે એના ગંદા પગ ધોઈ એ પાણી પીવામાં એને શરમ નથી આવતી. રાજસૂય યજ્ઞમાં ભગવાન શ્રી કૃષ્ણ કોઈ ન સ્વીકારે એવી, મહેમાન ના પગ ધોવાની અને એઠા વાસણ ધોવાની જવાબદારી લે છે. યુધ્ધ માં અર્જુન ના સારથી તરીકેની ફરજ પુરા સમર્પણ થી નિભાવે છે. ઘોડા ને ખવરાવવું, નવરાવવા, રથ સાફ કરવો વગેરે બ્રહ્માંડ નો અધિપતિ પોતે કરે છે. જયદ્રત ને મારવાની પ્રતિજ્ઞા લીધેલો અર્જુન આખો દિવસ રથ દોડાવીને યુદ્ધભૂમિ માં પીછો કરે છે ત્યારે થાકેલા ઘોડાની અણસાર સમજીને કૃષ્ણ ચાલુ યુધ્ધમાં રથ રોકાવી અર્જુન ને બાણથી સુરક્ષા કવચ કરાવી કૃષ્ણ ઘોડાને પાણી પાય છે.

કૃષ્ણ અતિવ્યસ્ત શેડ્યૂલ માં નાની બાબત, વ્યક્તિ કે જીવ ની કાળજી લેવાનું ભૂલતા ન હોય તો આપણે એટલા વ્યસ્ત તો નથી જ. જે નારાયણી સેનાને મહાભારત યુદ્ધમાં કૌરવસેના ને સોંપી દીધી, એ જ માણસો દ્વારા દ્વારકા આવીને કેટલાય યુધ્ધો કર્યા.એક લીડર તરીકે કેવો પ્રેમ આપ્યો હશે અને નેતૃત્વ કર્યું હશે કે લીડરની આજ્ઞા ને શિરોમાન્ય રાખીને જ્યાં ગોઠવે ત્યાં ગોઠવાઈ જાય અને સંપુર્ણ સમર્પણ સાથે ફરજ નિભાવે. પગ નીચે કચડાતું મોરપિચ્છ પોતાના મસ્તક પર ખોસીને સ્ટાઇલ આઇકોન બને છે, સોનાનાં મુગટ પહેરેલા હજાર રાજાઓ વચ્ચે કૃષ્ણને ઓળખવા મોનોપોલી બનાવી દે.

સમાજની નિંદા પામેલી ખૂંધ વાળી કુબ્જા ને રાજા કૃષ્ણ વખાણ કરીને ભેટે છે, ત્યારે બહારથી સુંદર થઇ એ તો ખબર નહીં પણ હૃદયથી એ વિશ્વની સૌથી સુંદર નારીનો સંતોષ પામી હશે. ઘણા ને હજી એમ છે કે કૃષ્ણ ને 16108 રાણીઓ જલસા ને ભોગ વિલાસ માટે હશે પણ, તપાસ કરશો તો ખ્યાલ આવશે કે કૃષ્ણની મુખ્ય આઠ પટરાણીઓ પોતાની પસંદ કરેલી નહિ, પણ પ્રસંગોપાત એ રાણીઓની ખુશી, આઝાદી કે લોકકલ્યાણ હેતુથી આવેલી છે. બાકીની, 16100 રાણીઓ જે નિર્દય નરકાસુર ની ગુલામીમાં જીવતી દેવો, ગંધર્વો અને માણસો ની વહુ દીકરીઓ હતી.

નરકાસુરનો સંહાર કરીને છોડાવી તો દીધી, પરંતુ પછી પોતાના ઘરે પણ એમને સ્વીકારવાની ના પાડી દીધી (આજે પણ 5000 વર્ષો પછી પણ જોકે આપણે સુધર્યા નથી) ત્યારે એ સમયમાં કૃષ્ણે એ બધી સન્નારીઓને સ્વીકારી અને એ બિચારીઓ કૃષ્ણ ની દાસીઓ બનવાને પણ ભાગ્યશાળી સમજે પરંતુ કૃષ્ણે ડાયરેક્ટ એમને રાણીઓ નું બિરુદ અને એ પ્રમાણે વૈભવ અપાવી આત્મસન્માન કર્યું.

આજે 21 મી સદીમાં પણ ભેદભાવ રખાય છે ત્યારે હજારો વર્ષો પહેલા ઇક્વાલિટી અને વુમન એમ્પાવરમેન્ટ નું સચોટ દ્રષ્ટાંત આપ્યું. આપણે ધંધામાં કેટલીય નાની બાબતોને અવગણીએ છીએ જે મહત્વનું કામ કરી જતી હોય છે, સ્ટાફની જરૂરિયાત ઓળખીએ (આગળના અંક માં WLB સમજ્યા), ગ્રાહકોની નાની નાની જરૂરિયાત જાણીને કે હિતેચ્છુ બની ને સારા હેતુ સાથે પ્રોડક્ટ પીરસીએ તો માર્કેટિંગ ન કરવું પડે, પ્રોડક્ટ અપડેટ કરવાનો આઈડિયા મળે અને હરીફાઈમાં પણ તમારી બ્રાન્ડની અલગ વેલ્યુ ઉભી કરી શકો.

મને, તમને, બધાને ખબર છે કે ભગવાન રામ – કૃષ્ણ નાં ક્યાં જીવન સિધ્ધાંતો હતા? માણસ તરીકે નૈતિક જવાબદારી ઓ કઈ કઈ છે? પણ ક્યાંક ને ક્યાંક એ સિધ્ધાંતો ને ફોલો કરવા માટેની દ્રઢ લોયલ્ટીમાં કચાશ રહી જાય છે. એક નાનો સ્વ-ટેસ્ટ કરીએ. તમારી સામે લાકડાની બે સુંદર મૂર્તિ રાખું; એક કૃષ્ણ ની અને બીજી કંસ ની., બેમાંથી એકજ તમારે લેવાની છે તો કઈ સિલેક્ટ કરો? બધાને એમજ થયું હશે કે આ કઈ પૂછવાની વાત છે? ઓફ કોર્સ, કૃષ્ણ. કેમ? કૃષ્ણ સદ્દગુણો નો દેવ છે, જયારે કંસ દુર્ગુણોનો દાનવ છે. યુ આર એબસલ્યુટલી રાઈટ. હવે એમાં એક ટવીસ્ટ મુકું, કંસની મૂર્તિ લાકડાની જગ્યાએ 10 ઇંચની આખી 24 કેરેટ ગોલ્ડ (હોલમાર્કિંગ સાથે) વાળી મુકું તો? જસ્ટ ઈમેજીન, 2 મિનિટ વિચારી નક્કી કરો. જો તમે ક્ષણિક પણ વિચલિત નથી થયા અને તમારી પસંદ કૃષ્ણની લાકડાની મૂર્તિ જ છે તો તમે મહાપુરુષ છો, એવું સમજજો. બાકી બધાને સોનાનો ચળકાટ દેખાય છે એ ખબર છે.

યાર, કંસની સોનાની મૂર્તિ આપને, હું એને ઓગાળીને કૃષ્ણની બનાવી સાચવીશ.કોઈ કહેશે, હું એ તોડીને, 10% દાનમાં આપીશ બસ. વળી કોઈ ઑફર કરશે કે કૃષ્ણને બે માળા કરી મનાવી લઈશ, દ્વારકા-શ્રીનાથજી પગે લાગી આવીશ, પણ પ્લીઝ સોનાની મૂર્તિ આપો. તો આ વાસ્તવિકતા છે. ઘણા વર્ષ વિદેશમાં રહીને, ફરીને મારુ વ્યક્તિગત ઓબ્ઝર્વેશન છે કે ‘ બહાર કૃષ્ણ જીવાય છે, જયારે પોતાના દેશમાં કૃષ્ણ ને ફક્ત જોવાય છે.’ કૃષ્ણ ને અહોભાવ સાથે ફક્ત બે હાથ જોડીને આરાધના કરો એમાં જ રસ નથી, પણ સાહસ અને પુરુષાર્થ થકી, સત્ય અને નીતિ થકી, પ્રેમ અને કરુણા થકી, સ્વ ની સાથે જન કલ્યાણ માટે ભીંત ફાડીને ઉગી નીકળો એમાં વધારે રસ છે.

સામાન્ય માણસ તરીકે કૃષ્ણજીવન પર વિશ્લેષણ કરવું એ ખરેખર ભગવદગીતા ની દ્રષ્ટિએ અનાધિકાર ચેષ્ટા ગણાય, મને અધીકાર નથી. પરંતુ, સમજણમાં ક્યાંય ભૂલ હોય તો પણ સારા હેતુ સાથે લખ્યું છે એટલે ‘ त्वदीयं वस्तु गोविन्द तुभ्यमेव समर्पये। (તે આપેલી બુદ્ધિ -સમજણ તને જ સમર્પિત) કરીને કૃષ્ણાર્પણ થવાનો હક્ક પણ શ્રી કૃષ્ણે આપ્યો જ છે. જય દ્વારકાધીશ..!