તૈયાર હીરામાં પુરવઠાની તંગીના પગલે પોલિશ્ડ હીરાની કીંમતો મજબુત,આગામી રવિવારે મધર્સ-ડે ના અવસરે અમેરીકામાં જ્વેલરીના વેંચાણમાં રેકોર્ડ બ્રેક થાય એવી અપેક્ષા,મોટાભાગના ડાયમંડ ડીલર્સ પોષણક્ષમ ભાવ આપીને પણ સારી ગુણવત્તાના તૈયાર હીરાના પુરવઠાને શોધવા કરી રહ્યા છે મથામણ…
DIAMOND TIMES – રાપાપોર્ટ સહીતની અનેક કંપનીઓએ જારી કરેલા અહેવાલમાં સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા છે કે પુરવઠાની તંગીના પગલે પોલિશ્ડ હીરાની કીંમતોમાં વૃદ્ધિ થવાની પુરેપુરી સંભાવનાઓ છે.અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યુ છે કે ગત એપ્રિલ મહીનામાં વૈશ્વિક ડાયમંડ બજારો મિશ્ર રહ્યા હતા.પરંતુ અમેરીકા અને ચીનના જ્વેલરી બજારોની મજબુત પુન: રીકવરી પછી જેમ એન્ડ જ્વેલરી સેક્ટર્સમાં સકારાત્મક માહોલ છવાયો છે.
બીજી તરફ હીરા ઉદ્યોગનું હબ ગણાતા સુરતમાં પોલિશ્ડ ઉત્પાદન ક્ષમતા અને સપ્લાયમાં ઘટાડો થતા બજારમાં પુરવઠાની તંગીના પગલે પોલિશ્ડ હીરાની કીંમતોને ટેકો મળ્યો છે.ગત એપ્રિલ મહીનામાં 1 કેરેટના હીરા માટે રેપનેટ ડાયમંડ ઇન્ડેક્સમાં 2.5 ટકાનો વધારો નોંધાયો છે. રેપાપોર્ટેના અહેવાલમાં પણ ઉલ્લેખ કરાયો છે કે માર્ચ મહીના દરમિયાન કોરોના લહેરના કારણે સુરતમાં હીરાના ઉત્પાદનમાં અંદાજિત 30 થી 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત મોટા ભાગની જેમોલોજિકલ લેબમાં હીરા ગ્રેડિંગ માટે બેકલોગમાં 20 થી 35 દિવસનો વધારો થયો છે.પરિણામે તૈયાર હીરાના પુરવઠાની સ્થિતિ વધુ તંગ બની છે.
1 માર્ચ પછી 1 કેરેટના ડી થી એચ કલરના, IF to VS2 ક્વોલિટીના હીરાના જથ્થામાં 7 ટકાનો ઘટાડો થયો છે. નવેમ્બર અને માર્ચ વચ્ચે ભારતિય કંપનીઓએ રફની જંગી ખરીદી કરી હોવાના કારણે બજારમાં પોલિશ્ડ હીરાની ઇન્વેન્ટરીમાં વધારો થયો હતો. જેથી આ કેટેગરીમાં જાન્યુઆરી- 2021 ની તુલનાએ હજુ પણ પુરવઠો 36 ટકા વધારે છે, જે સંકેત આપે છે કે ટૂંકા ગાળાની માંગને સંતોષવા માટે હીરાનો પૂરતો પુરવઠો છે.
પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન રફ હીરાની આયાત 44 ટકા વધીને 4.12 અબજ ડોલર થઈ હતી.પરંતુ ગત એપ્રિલમાં રફની આયાતમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.તૈયાર હીરાના પુરવઠાની તંગી વચ્ચે ઉત્પાદનની અસ્થિરતા પોલિશ્ડ ડાયમંડના ભાવને અસર કરી શકે છે. જેમોલોજિકલ લેબમાં હીરા ગ્રેડિંગના બેકલોગમાં ઘટાડા પછી વધુ માલ ઉપલબ્ધ થવાની સંભાવનાઓ છે.રાપાપોર્ટે સંકેત આપ્યો છે કે જ્યારે માંગ વધે ત્યારે ભાવમાં વધારો થાય એ મુજબ છૂટક કારોબાર અંગે સકારાત્મક માહોલ છે.વળી સફળ રસીકરણ કાર્યક્રમો વચ્ચે યુ.એસ.ના જ્વેલર્સ મજબૂત વેચાણ જોઇ રહ્યા છે. મલ્ટિ-ચેનલ કારોબારની વ્યૂહ રચના ધરાવતી જ્વેલરી કંપનીઓ ઇ- કોમર્સ તેમજ જ્વેલરી સ્ટોર્સના માધ્યમથી વધુ વેપાર મેળવવામાં સફળ રહે તેવો અંદાજ છે.
ફેન્સીઝ : માર્કેટ મજબૂત. 0.30 થી 0.99 કેરેટ્ના હીરામાં ભાવોમાં મજબુતાઈ જોવા મળી રહી છે.1.25 થી 3.99 કેરેટ વજનના એફ-જે,વીવીએસ 2- એસઆઈ 2 ફેન્સી હીરાના પુરવઠામાં તીવ્ર તંગી વર્તાઈ છે.ફેન્સી આકારના હીરા જડીત સગાઈ રિંગ્સના વેચાણમાં વૃદ્ધિના પગલે ઓવલ,પિયર્સ, એમરાલ્ડ, પ્રિન્સેસ,લોંગ રેડિઅન્ટ્સ અને માર્ક્વિઝિસના ઓર્ડરમાં વધારો થયો છે.ઉચ્ચ ક્વોલિટીના ફેન્સી હીરાના ભાવોમાં પ્રિમિયમ બોલાઈ રહ્યા છે.ચીનના બજારોમાં સ્થિર ઓર્ડર બજારને મદદ કરી રહ્યા છે.
અમેરીકા : અમેરીકાના બજારોમાં હીરા અને જ્વેલરીની સારી માંગ છે.પરિણામે મોટી ઇન્વેન્ટરીઓવાળા સપ્લાયર્સ સારો કારોબાર કરી રહ્યા છે.નાના જ્વેલરી યુનિટો યોગ્ય માલ શોધવા સંઘર્ષ કરી રહ્યાં છે.1 કેરેટમાં ડી-કે,વીએસ-એસઆઈ હીરાની મજબુત માંગ છે કારણ કે આ હીરા જડીત સગાઈ રીંગની અમેરીકામાં ધુમ માંગ છે.
બેલ્જિયમ : બેલ્જિયમના વેપારીઓમાં ભારે આશાવાદી વલણ જોવા મળી રહ્યુ છે. તેઓ અમેરીકાની સતત બજાર માંગને પહોંચી વળવા સારી કવોલિટીનો માલ શોધવા મથામણ કરી રહ્યા છે.યુરોપમા કોરોના સંક્રમણ વધુ હોવાથી યુરોપનું બજાર ધીમું ચાલી રહ્યુ છે. 1 થી 2 કેરેટમાં જી-એચ,વીએસ-એસઆઈ હીરામાં નક્કર માંગથી ઉંચા ભાવે પણ માલ ખરીદવા ડીલર્સો તૈયાર બેઠા છે.રફના પુરવઠાની અછત અને ભારતમાં ઉત્પાદન કાપ આવવાથી બેલ્જીયમના કારોબારીઓને તૈયાર હીરાના પુરવઠાની ચિંતા સતાવી રહી છે.