DIAMOND TIMES : મુકેશ અંબાણી તથા નીતા અંબાણીએ તેમની પૂત્રવધૂ શ્લોકા અંબાણીને લગ્ન વખતે 451 કરોડનો વિશ્વનો સહુથી મોંઘો અને બેજોડ ડાયમંડ નેકલેસ ગિફ્ટમાં આપ્યો હતો. આ નેકલેસનો હાલ બજારમાં જોટો જડવો મુશકેલ છે. કારણ કે તે વિશ્વનો એકમાત્ર મોંઘો અને દુર્લભ નેકલેસ છે. અને તેના માલિક અંબાણી પરિવાર છે.
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ તથા શ્લોકાનાં લગ્ન માર્ચ 2019 માં થયાં હતાં. તે વખતે મુકેશ અંબાણી તથા નીતા અંબાણીએ શ્લોકાને આ નેકલેસ ગિફ્ટમાં આપ્યો હતો. જેને વિખ્યાત અને રાજા-મહારાજાઓના ઘરેણા તૈયાર કરતી કંપની લેબેનીઝ જવેલરી ડિઝાઈનર મૌવાડ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ નેકલેસ જ્યારે તૈયાર કરાયો તે વખતે તેના છેડે 407.48 કેરેટનો લી ઈનકમ્પેરેબલ નામના યલો ડાયમંડ જડવામાં આવ્યો હતો. જ્યારે નેકલેસની ફરતે અલગ અલગ શેઈપમાં પોલિશ્ડ કરેલા અન્ય 200 કેરેટ વજનના અને 91 વ્હાઈટ હીરા પરોવવામાં આવ્યા હતા.પરંતુ ગત વર્ષે 2022 માં જ્યારે આ નેકલેસને આંતરરાષ્ટ્રીય ઓકશન હાઊસ સોધબી દ્વારા લીલામીમાં મૂકવામાં આવ્યો હતો. ત્યારે આ નેકલેસમાં અનેક પરિવર્તન જોવાં મળ્યાં હતાં. આ નેકલેસમાં જડેલા હીરાનો રંગ વધારે ઘેરો અને ચમકદાર બનાવવા માટે તેને રિપોલિશ્ડ કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યુ છે. જેના કારણે નેકલેસમાં જડેલા યલો કલરના હીરાનું વજન 104.38 કેરેટ ઘટી ગયુ છે. રિપોલિશ્ડ કરાયા બાદ યલો ડાયમંડનું વજન 407.48 કેરેટથી ઘટી 303.10 કેરેટ જ રહ્યું હોવાનું મનાય છે. અહેવાલો અનુસાર આ નેકલેસનો હાલ બજારમાં જોટો જડવો મુશકેલ છે, કારણ કે તે અત્યંત દુર્લભ આભુષણ છે.