DIAMOND TIMES – ચાઈના.ઓઆરઝી.સીએન નામની ચીનની વેબસાઈટ પર પ્રસિધ્ધ થયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે શાંઘાઇના કસ્ટમ અધિકારીઓએ તાજેતરમાં દાણચોરી મારફત ચીનમાં ઘુસાડવામાં આવેલા 40 મિલિયન યુઆન(આશરે 6.14 મિલિયન યુ.એસ.ડોલર)ના હીરા અને હીરાના ઉત્પાદનો જપ્ત કર્યા છે.
અહેવાલમાં જણાવ્યા મુજબ ગત તારીખ 15 એપ્રિલના રોજ કસ્ટમ વિભાગે મળેલી બાતમીના આધારે શાંઘાઈ,બેઇજિંગ અને ગુઆંગડોંગ સહિતના શહેરોમાં દાણચોરીના આ ગુનાહીત કાર્યોમાં સંડોવાયેલા શકમંદોને ઝડપી પાડવા ટાસ્ક ફોર્સની ટૂકડીઓ બનાવી દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.કસ્ટમ વિભાગની આ કાર્યવાહીમાં હીરાની દાણચોરી સાથે સંકળાયેલી ટૂકડીના વીસ સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે.આ તમામ શકમંદો પાસેથી 84 લુસ ડાયમંડ, 252 હીરાની વસ્તુઓ,નાની સાઈઝના હીરાના 100 થી વધુ પેકેટ સ્થળ ઉપર જ જપ્ત કરવામાં આવ્યા છે.
કસ્ટમ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રારંભિક તપાસમાં ખુલાસો થયો છે કે ગત જુલાઈ જુલાઈ 2020માં કોઇ વિદેશી ઈ -કોમર્સ વેબસાઇટ્સ દ્વારા આ હીરા અને હીરાની ચીજ વસ્તુઓની ઓનલાઈન ખરીદી કરી વાયા હોંગકોંગ થઈને ચીનમાં દાણચોરી મારફત ઘુસાડવામાં આવ્યા છે. આ બનાવ અંગે કસ્ટમ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.