કાઠિયાવાડ મિત્ર મંડળ હોંગકોંગ દ્વારા સેવાભાવી યુવાનોને સન્માનિત કરાયા

1191

જીવના જોખમે નિસ્વાર્થ ભાવે સેવા કરનાર હીરા સમાન વિરલાઓ

DIAMOND TIMES – જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે.આ યુક્તિને હોંગકોંગમા રહીને હીરાના કારોબાર સાથે સંકળાયેલા કાઠિયાવાડ મિત્ર મંડળે સચોટ રીતે સાર્થક કરી બતાવી છે.વતનથી હજારો કીલોમીટર દુર વિદેશમાં રહીને પણ ભારતીય સંસ્કૃતિ, ભારતીય તહેવાર અને માતૃભુમિના પારંપરિક મૂલ્યોનું જતન કરવા અને વતન પ્રત્યેની ફરજ અદા કરવાના ઉમદા આશયથી સૌરાષ્ટ્રમાંથી હોંગકોંગ સ્થાયી થયેલા અને હીરાના કારોબાર સાથે સંકળાયેલા કાઠિયાવાડી સમાજ દ્વારા કાઠિયાવાડ મિત્ર મંડળ (KMM) ગ્રુપની સ્થાપના કરવામાં આવી છે.કાઠિયાવાડ મિત્ર મંડળ ગ્રુપ દ્વારા માતૃભુમિના પારંપરિક મૂલ્યોનું જતન કરવા હોંગકોંગમાં સમયાંતરે લોક ડાયરાનું આયોજન કરવાની સાથે જન્માષ્ટમી,નવરાત્રી,દીવાળી સહીત તમામ તહેવારોની હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા દરેક કાઠિયાવાડીઓ સાથે મળીને રંગે ચંગે ધામધુમથી ઉજવણી કરે છે.

એકતાની મિસાલ સમાન આ કાઠિયાવાડ મિત્ર મંડળ દેશનું ૠણ ચુકવવાની કે દેશ સેવાની એક પણ તક ચુકતુ નથી. દેશસેવા માટે હંમેશા સુસજ્જ આ મંડળની ભુતકાળની સેવાકીય કામગીરી પર એક નજર નાખીએ તો ઉરીના શહીદો માટે આ મંડળે લોક ડાયરાના આયોજન થકી 13 લાખ રૂપિયાનું ભંડોળ દેશને સમર્પિત કર્યુ હતુ.

દેશસેવા માટે હંમેશા તત્પર કાઠિયાવાડ મિત્ર મંડળ દેશની સેવામાં સમર્પિત સેવાભાવી યુવાનોને બિરદાવવામાં પણ અગ્રેસર રહ્યુ છે. ખાસ કરીને હીરાના મુખ્ય કેન્દ્ર સુરતમાં કોરોના મહામારીની વિકટ સ્થિતિ વચ્ચે રાત-દિવસ જોયા વગર જીવના જોખમે કોરોના દર્દીઓની નિસ્વાર્થ ભાવે સેવા કરનાર 17 સેવાભાવી યુવાનોને કાઠિયાવાડ મિત્ર મંડળે સન્માનિત કરી આ યુવાઓની સેવાને બિરદાવી હતી.

 ઝુમ એપ્લિકેશનના માધ્યમથી યોજાયેલ  ભવ્ય સન્માન સમારોહના અનેક લોકો બન્યા સાક્ષી

ઝુમ એપ્લિકેશનના માધ્યમથી આયોજીત થયેલા એક ભવ્ય સન્માન સમારોહના ગેસ્ટ સ્પીકર સમાજ અગ્રણી શ્રી કાનજીભાઇ ભાલાળા (પ્રમુખશ્રી, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ) શ્રી દિનેશભાઈ નાવડીયા (પ્રમુખશ્રી, SGCCI) અને મારૂતિ વીર જવાન યુવા ટીમના કરૂણેશભાઇ રાણપરીયા સહીત અનેક લોકો સાક્ષી બન્યા હતા.મુખ્ય વક્તાઓએ આ સેવાભાવી યુવાનો દ્વારા હાથ ધરાયેલી સેવા પ્રવ્રુતિનો ચિતાર આપવામાં આવ્યો હતો.જ્યારે આ કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ કેવડિયા,પરેશભાઈ બાપુ, કિરણભાઈ નાવડીયા,ઝુલુભાઈ ઘેવરિયા,વિજયભાઈ શેઠ અને કાઠીયાવાડી મિત્ર મંડળ હોંગકોંગની ઉત્સાહી ટીમ દ્વારા કરાયું હતું.