DIAMOND TIMES –આગામી ગણતરીના મહીનાઓમાં જ સુરત ડાયમંડ બુર્સનું નિર્માણકાર્ય પુર્ણ કરવા બાંધકામ સમિતિ સંકલ્પબધ્ધ છે.બાંધકામ કમિટીના જણાવ્યા મુજબ આગામી ગણતરીના મહિનાઓમાં વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સની શરૂઆતથી સુરતમાં અંદાજે બે લાખ કરોડનો વેપાર વધવાની સંભાવના છે.મુંબઈના ભારત ડાયમંડ બુર્સની તુલનાએ ચાર ગણા વિસ્તારમાં નિર્માણાધિન એસડીબી ધમધમતુ થશે ત્યારે વિશ્વના 175 દેશોના વેપારીઓ હીરાની ખરીદી માટે સુરતમાં આવતા થશે.આ પ્રકારના સકારાત્મક બદલાવ કરવા સક્ષમ અને સુરત માટે અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ પર સમગ્ર વિશ્વના હીરા ઉદ્યોગની નજર કેન્દ્રીત થઈ છે.
વિશ્વની સૌથી મોટી ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કંપની કીરણ જેમ્સના મેનેજિંગ ડાયરેક્ટર માવજીભાઈ પટેલ,ડાયરેક્ટર્સ દિનેશભાઈ લાખાણી-રાજેશભાઈ લાખાણીએ ગત તારીખ 16 ઓક્ટોબર અને શનિવારના રોજ નવનિર્મિત સુરત ડાયમંડ બુર્સની (SDB) ની મુલાકાત લીધી હતી.ઉલ્લેખનિય છે કે સુરત ડાયમંડ બુર્સમાં કીરણ જેમ્સની વિશાળ નવી ઓફીસનું ઇન્ટીરીયર કાર્ય પુર જોશમાં ચાલી રહ્યુ છે.નેક્સ્ટ દીવાળી પુર્વે એટલે કે વર્ષ-2020ના મધ્યભાગમાં ડાયમંડ બુર્સમાં વ્યાવસાયિક કામગીરી શરૂ કરવાની પ્રતિબધ્ધતા સાથે કીરણ જેમ્સ આગળ વધી રહ્યુ છે.
મુંબઈથી સુરતના વિશાળ સંકુલમાં નવુ સેટ અપ કરવા અમો ભારે ઉત્સાહિત : કીરણ જેમ્સના મેનેજિંગ ડાયરેક્ટર માવજીભાઈ પટેલ
હાલમાં કીરણ જેમ્સની સુરત ડાયમંડ બુર્સમાં આવેલી 100,000 ચોરસ ફૂટની વિશાળ ઓફિસમાં ફર્નિચર અને ઇન્ટીરીયર કામ તેજ ગતિએ ચાલી રહ્યુ છે.આ કામગીરી નિહાળવા સુરત ડાયમંડ બુર્સની મુલાકાતે આવેલા કિરણ જેમ્સના મેનેજિંગ ડાયરેકટર માવજીભાઈ પટેલે કહ્યુ કે અમારી મુંબઈની ઓફીસની તુલનાએ સુરત ડાયમંડ બુર્સમાં તૈયાર થઈ રહેલી ઓફીસમાં ત્રણ ગણી વધુ સ્પેસ છે.કીરણ જેમ્સના 2000થી વધુ ડાયમંડ એસોટર્સ,500 સભ્યોની સેલ્સ ટીમને આરામથી સમાવી શકે તેવા વિશાળ સંકુલમાં જવા અમો ભારે ઉત્સાહિત છીએ.
માવજી ભાઈએ ઉમેર્યુ કે સુરત ડાયમંડ બુર્સ કાર્યરત થતા જ કંપનીમાં કાર્યરત ડાયમંડ એસોટર્સ,માર્કેટીંગ ટીમ, એકાઉન્ટન્ટ,એચ.આર સહીતના તમામ સ્ટાફ અને સમગ્ર ઓફીસ સેટઅપને અમો મુંબઈથી સુરતમાં ખસેડીશું.સુરત ડાયમંડ બુર્સમાં તૈયાર થઈ રહેલી અમારી નવી ઓફીસની રચનામાં કિરણ જેમ્સ પરિવારના દરેક કર્મચારીની સુખાકારી ને ધ્યાનમાં રાખવામાં આવી છે.ઓફીસમાં કામ કરતા દરેક કર્મચારી શાંતચિત્તે આરામ દાયક રીતે કામગીરી કરી શકે અને કંપનીમા શ્રેષ્ઠ યોગદાન આપે તેવો અમારો હેતુ છે.ડાયમંડ બુર્સ ધમધમતુ થશે ત્યારે સુરતમાં થનારી તેની હકારાત્મક અસર અંગે તેમણે પ્રતિભાવ આપતા કહ્યુ કે 66 લાખ ચોરસ ફૂટમાં નિર્માણ થનાર સુરત ડાયમંડ બુર્સ કાર્યવંતિત થતા 1.5 લાખ લોકોને રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે.