મોટા વરાછા ખાતે SDA આરોગ્ય ટ્રસ્ટ સંચાલિત કિરણ હોસ્પિટલ-2 ભૂમિ વંદના અને લોકડાયરો યોજાશે.

754

ૐ સર્વે ભવન્તુ સુખીન: સર્વે સંતુ નિરામયા:
અર્થાત સર્વે સુખી હો.. સર્વ રોગમુક્ત રહો..

DIAMOND TIMES : ઉપરોક્ત મંત્રને સાર્થક કરવાના ઉદ્દેશ સાથે કાર્ય કરતી સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત RTSV ડાયમંડ હોસ્પિટલ પ્રજાજનોની શારીરિક પીડાનું નિવારણ કરી તેઓને સ્વસ્થ અને સુખી કરનાર સંસ્થા છે. ફક્ત ને ફક્ત સેવાના ઉદ્દેશ સાથે કામ કરતી આ હોસ્પિટલમાં સુરત શહેર અને આસપાસના હજારો લોકોને ઉચ્ચ પ્રકારની મેડિકલ સારવાર નજીવા દરે પૂરી પાડવામાં આવે છે. ત્યારે આ સેવાનો વ્યાપ વધારવા મોટા વરાછામાં એક નવી 450 બેડની કિરણ હોસ્પિટલ-2 અને નર્સિંગ કોલેજનું નિર્માણ કરવા જઈ રહ્યા છે.

ડાયમંડ હોસ્પિટલનાં કાર્યથી લોકોને મળેલ સંતોષથી અને તેઓના મળેલ પ્રતિભાવથી પ્રેરાઈને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલના સહયોગથી સુરત મહાનગરપાલિકા એ 13,000 વાર જેવી વિશાળ જગ્યા સંસ્થાને ફાળવેલ છે. આ ભૂમિના આભારદર્શન માટે સંસ્થા દ્વારા તા.6 મે શનિવારના રોજ સાંજે 8 કલાકે કિરણ હોસ્પિટલ-2, મોટા વરાછા, સુરત ખાતે ‘ભૂમિ વંદના’ અને ‘લોકડાયરા’ ના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે ભૂમિ પર આરોગ્ય ક્ષેત્રે ખુબ મોટું કાર્ય થવાનું છે. એ ભૂમિ વંદનીય છે. તો આ ભૂમિ વંદના અને લોકડાયરાના કાર્યક્રમમાં જોડાઈને ઐતિહાસિક ઘટનાનાં સાક્ષી બનવા માટે જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ છે.

લોકડાયરાના આ કાર્યક્રમમાં ઓસમાન મીર, માયાભાઈ આહિર, ઘનશ્યામભાઈ લખાણી, ઉર્વશીબેન રાદડિયા જેવા નામી કલાકારો ભાગ લેશે. આ પ્રસંગે SDA આરોગ્ય ટ્રસ્ટની ટીમે જણાવ્યું હતું કે, આ હોસ્પિટલમાં વધુમાં વધુ લોકોને રાહતદરે ઉચ્ચ સારવાર આપવાનો અમારો સંકલ્પ છે. આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન SDA આરોગ્ય ટ્રસ્ટની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ઔદ્યોગિક-વ્યાપારી મિત્રોને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓને તેમજ રાજકીય આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.