ડાયમંડ ટાઈમ્સ
ભારતીય વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ અંગે અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હૈદરાબાદ સ્થિત CCMBના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે વર્તમાન સમયે ભારતમાં કુલ 7684 પ્રકારના કોરોના વાયરસની હાજરી મળી આવી છે.જે પૈકી મોટાભાગના દક્ષિણના રાજ્યોમાં છે.આ રાજ્યોમાં N-440 પ્રકારના કોરોના વાયરસનું સ્વરૂપ ખૂબ જ ઝડપથી ફેલાય રહ્યુ છે.તેલંગાણામાં 987 અને આંધ્રપ્રદેશમાં 296 પ્રકારના કોરોના વાયરસ મળી આવ્યા છે.
દેશના 22 રાજ્યોમાં 35 લેબમાંથી નમૂના એકત્રિત કર્યા પછી વૈજ્ઞાનિકો દ્વારા જિનોમ સિક્વેંસિંગ કરવામાં આવ્યું હતું. તેમાં એક ડઝનથી વધુ કોરોના ક્લેડ પણ મળી આવ્યા છે. હૈદરાબાદ સ્થિત સીસીએમબીના ડિરેક્ટર ડો.રાકેશ મિશ્રાના જણાવ્યા અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં સાત હજારથી વધુ કોરોનાના સ્વરૂપ મળી આવ્યા છે.રાહતની વાત છે કે આમાંના કેટલાક વાયરસ જ જીવલેણ છે.જો કે આ માટે વધુ અભ્યાસની જરૂર છે.એક હકીકત એ પણ છે કે વિશ્વના અન્ય દેશોમાં જોવા મળતા કોરોનાના સ્વરૂપોની ભારતમાં ખૂબ ઓછી હાજરી છે.જો કે અનેક પ્રકારના કોરોના વાયરસના કેસો એ ફરીથી લોકોને ભયભીત કર્યા છે.દેખીતી રીતે દેશમાં કોરોનાને રોકવા માટે રસીકરણનું કાર્ય ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.પરંતુ માસ્ક પહેરવું અને સોશિયલ ડીસ્ટન્સ જાળવવું ખુબ જ મહત્વનું છે.
સાવધાન! કોરોનાના કેસમાં થયો વધારો
ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી વધી રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યમાં આજે કોવિડ 19ના 283 કેસ નોંધાયા છે.264 દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચૂક્યા છે.અત્યાર સુધી 2,61,009 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 97.72 ટકાએ પહોંચ્યો છે.રાજ્યમાં બનાસકાંઠા, ભાવનગર, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, પાટણ, પોરબંદર અને સુરેન્દ્રનગર એમ કુલ 08 જીલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. રાજ્યમાં હાલ 1690 એક્ટીવ કેસ નોંધાયેલા છે.જ્યારે 29 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 1661 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધી રાજ્યમાં 4405 લોકો કોરોના સામેનો જંગ હારી ગયા છે.
જાન્યુઆરીમાં દેશભરમાં કોરોનાના ઘટતા મામલા પછી ઘણા રાજ્યોએ શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો છે. કોરોનાના ઘટતા જતા મામલામાં લોકોમાં સકારાત્મક વાતાવરણ ઉભું થઇ રહ્યું છે.પરંતુ ફરી એકવાર કોરોના દર્દીઓના આંકડાએ ચિંતા વધારી દીધી છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ, પુડુચેરી, ત્રિપુરા અને ચંદીગઢ જેવા રાજ્યોમાં દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.દેશમાં 1 કરોડ 9 લાખ 91 હજારથી વધુ લોકો કોરોના સંક્રમણની ચપેટમાં આવી ગયા છે.જે પૈકી 1 કરોડ 6 લાખથી વધુ લોકો સાજા થયા છે.જ્યારે 1 લાખ 56 હજાર 339 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. અત્યારે 1 લાખ 42 હજાર 691 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.