DIAMOND TIMES : અડાજણના હીરા દલાલે 1.20 કરોડના હીરા પાર્ટીને બતાવવાના બહાને 6 વેપારી પાસેથી લઈ તેમાં ગુટખાના ટુકડા મુકી હીરા કાઢી લેતો હતો. પાર્ટી પેમેન્ટ કરવા ન આવતા વેપારીએ હીરાનું પેકેટ ખોલતા દલાલનો ભાંડો ફુટી ગયો હતો. હીરાના વેપારી રૂષભ વોરાની ફરિયાદના આધારે મહિધરપુરા પોલીસે હીરાદલાલ રાહીલ મિતેશ માંજની ( રહેવાસી ,આનંદવિલા એપાર્ટ, અડાજણ પાટિયા) સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે આરોપી રાહીલ માંજનીએ રૂષભભાઈ વોરા પાસેથી 30 લાખના હીરા પાર્ટીને બતાવવા લઈ ગયો હતો. તેણે ટોકન તરીકે 2 લાખ આપ્યા હતા.
હીરાદલાલે હીરાના પેકેટો પાર્ટીને બતાવવા માટે લઈ ગયો હતો. પછી હીરાના પેકેટોમાંથી હીરા કાઢી તેને બદલે વિમલ ગુટખાના ટુકડા નાખી સીલબંધ કરી દીધા હતા. પછી હીરાદલાલે વેપારીને કહ્યું કે પાર્ટી સાથે હીરાનો સોદો નક્કી થઈ ગયો છે. હીરા પેકેટને સીલબંધ કરી સહીઓ પર કરાવી દીધી હતી. પછી હીરા દલાલે આ પેકેટ વેપારીને આપી દીધું હતું. જયારે પાર્ટી રૂપિયા લઈને આવે ત્યારે હીરાનું પેકેટ આપવાનું હોય છે. પેમેન્ટ ન આવતા વેપારીએ હીરા દલાલની હાજરીમાં પેકેટો ખોલતા તેમાં હીરાને બદલે વિમલ ગુટખાના ટુકડા મળી આવ્યા હતા. જેના કારણે હીરા દલાલનો ભાંડો ફુટી ગયો હતો. આવી જ રીતે આરોપીએ અન્ય 5 વેપારીઓના હીરા સાથે કુલ 1.20 કરોડ રૂપિયાના હીરા કાઢી ગુટખાના ટૂકડા મૂક્યા હતા.