DIAMOND TIMES- કતારગામ સેઈફ વોલ્ટમાં 21 લાખના રફ હીરાનું પેકેટ ભૂલી ગયા ગયેલા કારખાનેદારને રફ હીરા પરત કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડનાર સેફના માલિક અને કર્મચારીને સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા સન્માનિત કરાયા હોવાના સમાચાર વચ્ચે ઝિમ્બાબ્વેની સરકારી તિજોરીમાથી મોટી રકમની રફ પગ કરી ગઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ઝિમ્બાબ્વેની સરકાર દ્વારા તાજેતરમાં જ સ્વીકાર કરવામાં આવ્યો છે કે સરકારી તિજોરીમાં સુરક્ષિત રીતે રાખેલા અંદાજીત 140 મીલિયન ડોલરની કીંમતના 3 લાખ 50 હજાર કેરેટ રફ હીરા ક્યાંક પગ કરી ગયા છે.આ હીરા મિનરલ્સ માર્કેટીંગ કોર્પોરેશન ઓફ ઝિમ્બાબ્વે (MMCZ) અને ઝિમ્બાબ્વે કન્સોલિડેટેડ ડાયમંડ કંપની (ZCDC ) ની સંયુક્ત માલિકીના છે. ઉલ્લેખનિય છે કે આ બંને કંપની સરકારી છે. ઝિમ્બાબ્વેની રફ ની સામાન્ય રીતે સરેરાશ પ્રતિ કેરેટ કીંમત 400 ડોલર છે.એ હીસાબે ગણતરી કરતા 3 લાખ 50 હજાર કેરેટ રફ હીરાની કીંમત 140 મિલિયન ડોલર અંદાજવામાં આવી છે.
મીડીયા અહેવાલ અનુસાર ઝિમ્બાબ્વેના ઓડિટર-જનરલ મિલ્ડ્રેડ ચિરીએ ખુલાસો કરતા કહ્યુ કે સરકારી સિસ્ટમમાં શિથિલતા અને બેદરકારીના કારણે આ પ્રકારની ઘટનાઓ દ્વારા ભ્રસ્ટાચાર આચરવાની તકો મળી રહે છે.તેમણે દાવો કર્યો કે આ પ્રકારે દેશની તિજોરીમાથી લુંટ ચલાવેલા હીરા પૈકી કેટલોક જથ્થો દાણચોરો મારફત વિદેશી ડીલરોને વેચી દેવામાં આવ્યો છે.