ચેતવા જેવો કિસ્સો : લૂંટેરી દુલ્હન ગેંગે રત્નકલાકાર પાસેથી રૂ.1.08 લાખ પડાવ્યા

DIAMOND TIMES – સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા મૂળ ભાવનગરનો રત્નકલાકાર લૂંટેરી દુલ્હન ગેંગનો ભોગ બન્યો છે. લૂંટેરી દુલ્હન ગેંગે તેની પાસેથી રૂ.1.08 લાખ પડાવતા યુવાને માસીયાઈ ભાઈની સાસુ, કરજણ અને તારાપુરના બે દલાલ અને વાઘોડીયા ચોકડીની યુવતી અને તેની માતા વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મૂળ ભાવનગરના મહુવાના દુદાણા ગામના વતની અને સુરતમાં વયોવૃદ્ધ માતાપિતા સાથે કતારગામ જે.કે.પી.નગર છઠ્ઠી શેરી યોગી એપાર્ટમેન્ટ ઘર નં.201 માં રહેતા 35 વર્ષીય જીતુ વાલજીભાઇ માંડવીયાના સમાજમાં લગ્ન થતા ન હોય દોઢ વર્ષ અગાઉ માસીયાઈ ભાઈ યોગેશે કરજણ ખાતે લગ્ન કર્યા હોય તેને વાત કરી હતી.

યોગેશના સાસુ કપિલાબેન જમાઈના ઘરે આવ્યા ત્યારે જીતુએ વાત કરતા તેમણે કરજણના યુસુફખાન હસુખાન પઠાણ નો સંપર્ક કરાવ્યો હતો. યુસુફખાને જીતુને જો તમે પૈસા આપશો તો ગમતી છોકરી સાથે લગ્ન કરાવી રજીસ્ટર સર્ટિફિકેટ આપવાની અને છોકરી જો ભાગી જાય કે પરત નહીં આવે તો પૈસા પરત આપવાની બાહેંધરી આપી હતી.

બાદમાં યુસુફખાને તેના પરિચિત મધુબેન હસ્તક તારાપુરના મેલસીંગ રાઠોડનો સંપર્ક કરાવ્યા બાદ જાન્યુઆરી માસમાં વાઘોડીયા ચોકડી હડકાય માતાના મંદિર સામે પાણીગેટ ખાતે રહેતા સવિતાબેન ઉર્ફે ચંચળબેન મહેદ્રભાઇ રાઠોડના ઘરે મિટિંગ ગોઠવી હતી.તેમની પુત્રી શીતલ સાથે વાતચીત બાદ લગ્નનો નિર્ણય લેવાતા રૂ.1.20 લાખ આપી લગ્ન કરવાનું નક્કી થતા જીતુએ ખરીદી તેમજ ખર્ચા માટે રૂ.20 હજાર પહેલા આપ્યા હતા.

બાદમાં 31 જાન્યુઆરીએ યુસુફખાન, સવિતાબેન, કપિલાબેન, મધુબેન, મેલસીંગ, ગીતા અને શીતલ સુરત આવતા જીતુના ઘરે જ લગ્ન થયા હતા.શીતલ કરિયાવરમાં કશું લાવી ન હોય તેને સોનાની નથ અને ચાંદીની ચડા આપ્યા હતા.તે સમયે જીતુએ યુસુફખાનને રૂ.1 લાખ અને તેઓ જે ઈકોમા સુરત આવ્યા હતા તેનું ભાડું રૂ.7500 પણ આપ્યું હતું.

જોકે, લગ્નના બીજા દિવસથી જ શીતલ બિમાર હોવાનું નાટક કરી સુઈ રહતી હતી અને વિડીયો કોલ પર વાત કર્યા કરતી હતી.4 ફેબ્રુઆરીએ તેને મેલસીંગ અને સવિતાબેન આવીને લઈ ગયા બાદ જીતુએ લગ્નના સર્ટિફિકેટ માટે યુસફખાન અને કપિલાબેનને ફોન કરતા તેમણે પૈસા મળ્યા નથી કહી રૂ.10 હજાર માંગી ધમકી આપતા જીતુએ કરજણ જઈને કપિલાબેનને રૂ.3 હજાર આપ્યા હતા.

11 મી એ જીતુ શીતલને તેડીને લાવ્યો તો હતો પણ તે બિમાર હોવાનું કહી સુઈ રહેતી હતી અને ગિફ્ટની માંગણી કરતી હોય જીતુએ તેને ચાંદીની ચેઇન અને બે વીંટી આપી હતી.25 મી એ શીતલ સર્ટિફિકેટ માટેના ડોક્યુમેન્ટસ લેવા પિયર જતી હતી ત્યારે જીતુએ સાથે આવવા કહેતા તેણે ઇન્કાર કર્યો હતો અને દાગીના લઈ ચાલી ગઈ હતી.

ત્રણ દિવસ બાદ જીતુએ ફોન કરતા શિવરાત્રી પછી આવવાનું કહી પડી જતા માથામાં વાગ્યું છે તેની સારવાર માટે પૈસા માંગતા જીતુએ ઓનલાઇન રૂ.2 હજાર ટ્રાન્સફર કર્યા હતા.શિવરાત્રી બાદ તેને ફોન કર્યો તો ધુળેટી પછી આવવાનું કહ્યું હતું પણ ધુળેટી બાદ શીતલે જીતુનો નંબર બ્લોક કરી દેતા તેની માતાને પૂછ્યું તો તેને કશી જાણ નહોતી.

આથી જીતુએ વાઘોડીયા જઈ વાત કરતા સવિતાબેને 14 એપ્રિલે શીતલને તેડી જવા કહેતા તે ગયો તો શીતલ હાજર નહોતી અને તેનો મોબાઈલ ફોન પણ બંધ હોય સવિતાબેને પૈસા પરત આપવાનું કહી રૂ.24 હજાર પરત કર્યા હતા. પણ બાદમાં બાકીની રકમ માટે વાયદા કરી તમામે ફોન ઉપાડવાનું બંધ કરતા પોતે લૂંટેરી દુલ્હન ગેંગનો ભોગ બન્યો હોવાની જાણ થઈ હતી.

આથી જીતુએ છેવટે ગતરોજ કતારગામ પોલીસ મથકમાં માસીયાઈ ભાઈના સાસુ કપીલાબેન ડાહ્યાભાઈ રાઠોડ ( રહે.જલારામ સોસાયટી, કરજણ, જી. વડોદરા ), દલાલ યુસુફખાન હસુખાન પઠાણ ( રહે. કરજણ, જી. વડોદરા ), મેલસીંગ રાઠોડ ( રહે. તારાપુર, જી. આણં), સવિતાબેન ઉર્ફે ચંચળબેન મહેદ્રભાઇ રાઠોડ ( રહે.પાણીગેટ, હડકાય માતાના મંદીર સામે, વાઘોડીયા ચોકડી, જી. વડૉદરા ) અને તેમની પુત્રી શીતલ વિરુદ્ધ રૂ.1.08 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.