મુંબઈના હીરા બજારમાં F-J, VS-SI,3X,નોનફ્લોરોસન્ટ કેટેગરીના હીરાની સ્થિર માંગ વચ્ચે ફેન્સી હીરાની જબરી ડીમાન્ડ
DIAMOND TIMES – પોલિશ્ડ હીરાની માંગ અવિરત જળવાઈ રહેતા વૈશ્વિક હીરા ઉદ્યોગમાં સકારાત્મક વાતાવરણ છે. અમેરીકાના જ્વેલરી બજારો અંગે માસ્ટરકાર્ડનો મંથલી રિપોર્ટ પણ ઉત્સાહ પ્રેરક આવ્યો છે. માસ્ટર કાર્ડના રિપોર્ટ માં જણાવવામાં આવ્યુ છે કે ગત વર્ષની સરખામણીએ મે-2021માં અમેરીકામાં હીરા જડીત જ્વેલરીના વેંચાણમાં 203 ટકાનો વધારો થયો છે.જો કે કેટલાક જાણકારો ચિંતા વ્યકત કરતા કહે છે કે આગામી દીવસોમાં અમેરીકામાં ફુગાવો વધવાથી ગ્રાહકોના ખર્ચમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે. અમેરીકાના મોતાભાગના વેપારીઓ પોલિશ્ડ માલ ઉપલબ્ધ થાય ત્યાં સુધી ઇન્વેન્ટરી રિપ્લેસમેન્ટમાં વિલંબ કરી રહ્યા છે.એલોરોઝા અને અને ડીબિયર્સ સહીતની રફ ઉત્પાદક કંપનીઓએ રફ હીરાના ભાવમાં વધારો કરતા સપ્લાયર્સ પોલિશ્ડની કિંમતો બાબતે મક્કમ છે. સુરતમાં રત્નકલાકારોની તંગી વચ્ચે લેબ પરિક્ષણ માટે ગયેલા તૈયાર હીરામાં એક મહીનાથી વધુના બેકલોગથી તૈયાર હીરાની સપ્લાયની સમસ્યા વધુ વિકટ બની છે. મે-2020ની તુલનાએ ભારતની તૈયાર હીરાની નિકાસ મે-2021માં 131 ટકાની વૃદ્ધિ સાથે 2 બિલિયન અમેરીકી ડોલર થઈ છે. જ્યારે રફની આયાત 601 ટકાના વધારા સાથે 1.3 બિલિયન અમેરીકી ડોલરને આંબી ગઈ છે. આમ છતા પણ ભારતના હીરા ઉત્પાદકો હાલ તો રફ હીરાના શોર્ટેજની સમસ્યાથી ઝઝુમી રહ્યા છે.
ફેન્સી માર્કેટ : ફેન્સી માર્કેટ ખુબ મજબૂત છે.માલની અછત વચ્ચે સતત વધતી જતી ફેન્સી હીરાની માંગના પગલે તમામ કેટેગરીમાં મોટાભાગનાં ફેન્સી હીરાની કેટેગરીમાં કિંમતો મજબૂત છે.અમેરીકામાં ફેન્સી હીરા જડીત સગાઈની રીંગના વેંચાણમાં સતત વધારાના પગલે ઓવલ કટ, પિયર્સ કટ, એમરાલ્ડ કટ, પ્રિન્સેસ કટ, લોંગ રેડિઅન્ટ્સ અને માર્ક્વિઝિસના ઓર્ડરમાં પણ વધારો થયો છે.એક્સેલન્ટ કટના પસંદગીની કેટેગરીના ફેન્સી હીરાના ભાવમાં પ્રીમિયમ બોલાઈ રહ્યા છે.
અમેરીકાના બજારો : હીરા અને ઝવેરાતની માંગ સ્થિર રહેતાં વેપારીઓ ભારે ઉત્સાહિત છે. પોલિશ્ડ હીરાના પુરવઠાની તંગીના પગલે ઓર્ડર પુર્ણ કરવામાં કારોબારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે.1 થી 2 કેરેટ વજનના G-J SIs કેટેગરીના હીરામાં માંગ જળવાઈ રહી છે.મોટાભાગના કારોબારીઓ ખરીદીમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા હીરાની પસંદગી કરી રહ્યા હોવાથી હલકી ગુણવત્તા ધરાવતા હીરાનું ડિસ્કાઉન્ટમાં વેંચાણ થઈ રહ્યુ છે.
બેલ્જિયમના બજારો : અમેરીકા અને ચીનના બજારો તરફથી તૈયાર હીરાની માંગમા સતત વૃદ્ધિના પગલે આગામી દીવસોમાં પણ હીરાની કીંમતો મજબુત રહેવાનો આશાવાદ પ્રબળ બન્યો છે. રફ હીરાના કારોબારની તુલનાએ પોલિશ્ડ ટ્રેડિંગમાં સારો નફો મળી રહ્યો છે. 0.30 થી 0.90 કેરેટના F-G, VS-SI કેટેગરીના હીરાની મજબૂત માંગ છે.પરંતુ રફ હીરાના સતત વધતા જતા ભાવને લઇને ચિંતા ઉદ્દભવી છે.
ઇઝરાયેલના બજારો : ઈઝરાયેલના હીરા ઉદ્યોગમા સકારાત્મક વલણ જોવા મળી રહ્યુ છે. વિદેશના ઓર્ડર પુર્ણ કરવા વેપારીઓ યોગ્ય માલ શોધી રહ્યા છે. અમેરીકાના બજાર તરફથી મજબુત માંગની સાથે હવે યુરોપિયન દેશોની બજારોમાં થયેલા સુધારાના પગલે સ્ટોકમાં પડેલા હલકી ગુણવત્તાના હીરાનું પણ વેંચાણ થઈ રહ્યુ છે.જો કે મોટાભાગના વેપારીઓને ફેન્સી હીરાના કારોબારમાં વધુ રૂચિ દાખવી રહ્યા છે.
ભારતના બજારો : અમેરીકા-યુરોપ સહીત ચીન અને મધ્યપુર્વના દેશોની મજબૂત માંગને સંતોષવા કારખાનામાં ઉત્પાદન પ્રવૃત્તિમાં વધારો કરવામાં આવ્યો છે. કોવિડ મહામારી દરમિયાન વતન ગયેલા રત્નકલાકારો પૈકી આશરે 20 ટકા જેટલા સુરત પરત નહી ફરતા કારીગરોની તંગી વચ્ચે ઉત્પાદનમાં વધારો કરવા કેટલાક કારખાનાઓમાં ઓવરટાઈમ ચાલી રહ્યા છે.વળી રત્નકલાકારોની તંગીની સાથે રફ હીરાની શોર્ટેજ અને રફના ભાવ વધારાની સમસ્યાથી કેટલીક મેન્યુફેક્ચરીંગ કંપનીઓ ભારે મુશ્કેલીમાં છે.જો કે મુંબઈના હીરા બજારમાં ફેન્સી હીરાની જબરી માંગ છે.તો F-J, VS-SI,3X,નોનફ્લોરોસન્ટ કેટેગરીના હીરાની માંગ સ્થિર છે.
હોંગકોંગના બજારો : ચીનના જ્વેલરી સેક્ટરની ધીમી માંગના પગલે પોલિશ્ડ ટ્રેડિંગ પણ સ્લો છે.કોરોના પર નિયંત્રણ આવી જતા હોંગકોંગના સ્થાનિક બજારમાં પણ હીરાના છૂટક વેચાણમાં સુધારો થયો છે. ડીલર્સ 2H કેટેગરીના હીરામાં અપટિકની અપેક્ષા રાખી રહ્યા છે.1 થી 2 કેરેટના J-M, SI કેટેગરીના હીરાની માંગ સ્થિર છે પરંતુ 2 કેરેટથી વધુ વજનના હીરાનું બજાર નબળું છે.