DIAMOND TIMES – પંજાબ નેશનલ બેંક કૌભાંડ કેસમાં નીરવ મોદીની જપ્ત કરવામાં આવેલી મુંબઈ સ્થિત કાલાઘોડા વિસ્તારની બંધ હાલતમાં રહેલા આઇકોનિક મ્યુઝિક સ્ટોર રિધમ હાઉસની આગામી ટૂંક સમયમાં હરાજી થશે તેવી અપેક્ષા છે.નીરવ મોદી હાલમાં યુકેની જેલમાં બંધ છે.અને તેને ભારત લાવવા પ્રત્યાર્પણ પ્રક્રીયા ચાલી રહેલી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા નીરવ મોદીની અન્ય સંપત્તિઓ સાથે રિધમ હાઉસ પણ જપ્ત કર્યુ હતુ.આ પ્રોપ્રટીની બેંકના બાકી લેણા વસુલવા માટે આગામી સમયમા હરાજી થઈ શકે તેવી માહીતી છે.નીરવ મોદીએ 2017માં કર્માલી પરિવાર પાસેથી આ હેરિટેજ પ્રોપર્ટી ખરીદી હતી.ઉલ્લેખનિય છે કે રિધમ હાઉસ ઉપરાંત ઈડીએ લગભગ 30 મિલકતો જપ્ત કરી છે.જેમા સુરતમા આવેલી હીરાની ફેક્ટરીઓ,મુંબઈના આકર્ષક સ્થળોએ ફ્લેટ અને કંપનીની ઈન્વેન્ટરીઝનો સમાવેશ થાય છે.મુંબઈના વરલી વિસ્તારમાં સમુદ્રની નજીક અડધો ડઝન ફ્લેટ સહીત નીરવ મોદી અને તેની પત્નીની માલિકીની સંપત્તિઓ ED દ્વારા જપ્ત કરવામાં આવી હોવાના પણ અહેવાલ છે.
ઇડીએ નિરવ મોદીની કંપની ફાયરસ્ટાર ડાયમંડ ઇન્ટરનેશનલ અને ફાયરસ્ટાર ઇન્ટરનેશનલ પાસે રહેલી સંપત્તિઓને અલગ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.રિધમ હાઉસ આ પ્રકારની પ્રથમ સંપતિ છે.નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મુંબઈ બેંચે ફેબ્રુઆરી 2020માં સંપત્તિને લિક્વિડેશનનો આદેશ આપ્યો હતો.આ માટે સાનતાનું રેને લિક્વિડેટર તરીકે નિયુક્ત કર્યા હતા.પરંતુ બેંકો સંપત્તિઓ વેચી શકી ન હતી,કારણ કે તે EDની કસ્ટડીમાં હતી.
ગત ઓગસ્ટમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળની વિશેષ અદાલતે EDને આ મિલકતો મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.બેંકોને આગામી ટૂંક સમયમાં જપ્ત કરાયેલી અને કસ્ટડીમાં રહેલી અન્ય સંપત્તિઓ પણ મળવાની અપેક્ષા છે.નીરવ મોદીના ફાયરસ્ટાર ઇન્ટરનેશનલનું PNB ની આગેવાની હેઠળના કન્સોર્ટિયમનું કુલ બાકી દેવું ખર્ચ અને વ્યાજ સહિત ₹1,265 કરોડથી વધુ હોવાનો અંદાજ છે.ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલનું યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળના અન્ય કન્સોર્ટિયમને ₹ 232 કરોડનું દેવું હતું, જે હવે PNB સાથે મર્જ થઈ ગયું છે.