“સુપર-ડીપ” હીરાની શોધના કારણે બોટ્સવાનાની ઓરાપા ખાણને મળ્યુ વિશિષ્ટ સ્થાન કે જેની કોઇએ કલ્પના પણ કરી ન હતી
DIAMOND TIMES – તાજેતરમાં બહાર આવેલા એક સંશોધન પછીની દુર્લભ ઘટનાએ બોટ્સવાનાની ઓરાપા ખાણને વિશિષ્ટ સ્થાન અપાવ્યુ છે.વૈજ્ઞાનિકોએ સંશોધન દરમિયાન હીરાની અંદર ફસાયેલા ડેવેમાઓઈટ ખનિજની પ્રથમ વખત ઓળખ કરતા આ ખાસ ઘટના સામે આવી છે.
ન્યૂ સાયન્ટિસ્ટ મેગેઝિનની વર્તમાન આવૃત્તિ અનુસાર ડેવેમાઓઈટ નામનું ખનિજ પૃથ્વીની સપાટીથી ઓછામાં ઓછા 660 કિમી નીચેના આવરણમાં ઉદ્દભવે છે.હકીકત એ છે કે કેટલાક હીરાઓની અંદર ડેવમાઓઇટ ખનિજના નાના સ્ફટિકો મળી આવ્યા છે.જેનો અર્થ એ છે કે આ હીરા પૃથ્વીની સપાટીથી ઓછામાં ઓછા 660 કિમી નીચે રચાયેલા હોવા જોઇએ.અને એટલા માટે જ વૈજ્ઞાનિકોએ આવા હીરાને “સુપર-ડીપ” ડાયમંડ નામ આપ્યુ છે.ઉલ્લેખનિય છે કે મોટા ભાગના હીરા પૃથ્વીની સપાટીથી 120 થી 250 કીલોમીટર ભૂગર્ભમાં રચાતા હોય છે.પરંતુ “સુપર-ડીપ” ડાયમંડ પૃથ્વીની સપાટીથી ઓછામાં ઓછા 660 કિમી નીચે રચાતા હોવાના કારણે ખાસ બન્યા છે.
સુપર-ડીપ હીરા 1987માં બોટ્સવાના સ્થિત ઓરાપા ખાણમાથી મળી આવ્યા હતા.ઓરાપા વિશ્વની સૌથી મોટી ઓપન ખાણ છે.પરંતુ કોઈને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે ઓરાપા આટલી મહત્વપુર્ણ અને વિશિષ્ટ ખાણ છે.પરંતુ સંશોધકો દ્વારા થયેલા આ ખુલાસા પછી ઓરાપાનું નામ અને સ્થાન ખાસ પ્રકારની ખાણમાં સામેલ થયુ છે.
સુપર-ડીપ ડાયમંડ અંગે ખુલાસો ત્યારે થયો કે જ્યારે લાસ વેગાસ સ્થિત નેવાડા યુનિવર્સિટીના જીઓસાયન્સના વિભાગ ના સંશોધન પ્રોફેસર ઓલિવર ત્સ્ચાઉનરે કેટલાક હીરાનો એક્સ-રે લેવાનું નક્કી કર્યું.એક્સ-રેના પરિણામોમાં તેમને અને તેમના સહાયક સાથીદારોને હીરાની અંદરથી કેલ્શિયમ સિલિકેટના ટુકડાઓ મળી આવ્યા હતા.જે પૃથ્વીની સપાટી થી ખુબ ઉંડાઈએ નીચલા આવરણમાં અસ્તિત્વમાં હોવાનું માનવામાં આવે છે.ઉલ્લેખનિય છે વોશિંગ્ટન ડીસીમાં કાર્નેગી ઈન્સ્ટીટ્યુશન ફોર સાયન્સના વૈજ્ઞાનિક હો-ક્વાંગ “ડેવ” માઓના માનમાં કેલ્શિયમ સિલિકેટ ખનિજને ડેવેમાઓઈટ નામ કરણ કરવામાં આવ્યું હતું.
આ દુર્લભ ઘટનામાં પૃથ્વીની સપાટીના ઉચ્ચ દબાણ છતા પણ હીરાની અંદર ડેવમાઓઇટ ખનિજ સુરક્ષિત રહ્યુ હતું.આ “સુપર-ડીપ” હીરાને અમેરીકા સ્થિત લોસ એન્જલસ કાઉન્ટીના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમમાં મુકવામાં આવ્યા છે.