ભારત સરકારના કેન્દ્રિય મંત્રીઓની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સ થકી દેશની તમામ ચેમ્બરોની મળી મીટીંગ, તૌકતે વાવાઝોડાની અસરથી બચવા જરૂરી મેડીકલ સંબંધિત વ્યવસ્થા કરવા તેમજ ઇકવિપમેન્ટ અને સર્વિસિસની દુકાનોને મિની લોકડાઉનમાંથી તાત્કાલિક અસરથી મુક્તી આપવા માટે ચેમ્બરની રજૂઆત
DIAMOND TIMES- ભારત સરકારના કેન્દ્રિય ઉધોગ મંત્રી પિયુષ ગોયલ અને ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ તથા શિપિંગનો સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રી મનસુખ માંડવીયાના અધ્યક્ષ સ્થાને આજરોજ આખા દેશની ચેમ્બર ઓફ કોમર્સ, આઇસોચેમ, ફિક્કી અને ભારતીય હવામાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે “તૌકતે વાવાઝોડા” સંદર્ભે વિડિયો કોન્ફરન્સ થકી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડીયા, પ્રેસિડેન્ટ ઈલેક્ટ આશિષ ગુજરાતી અને માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી પણ જોડાયા હતાં.
આ મિટિંગમાં તૌકતે વાવાઝોડાની અસરથી બચવા માટે સરકાર દ્વારા આગોતરી સાવચેતીના ભાગરૂપે વિશેષ પગલાં લેવામાં આવે તેવી માંગણી ઔદ્યોગીક સંગઠનો દ્વારા કરવામાં આવી હતી. ખાસ કરીને તમામ હોસ્પિટલ, કોવિડ કેર સેન્ટર અને આઈસોલેશન સેન્ટરોમાં સાવચેતીના પગલારૂપે ઓછામાં ઓછાં ચારથી પાંચ દિવસ માટે પાવર બેકઅપ લઈને રાખવામાં આવે. આ ઉપરાંત દર્દીઓ માટેની સારવાર સંબંધિત તમામ પ્રકારની મેડીકલ જરૂરિયાત, દવાઓ અને મેડીકલ ઇકવિપમેન્ટની આગોતરી વ્યવસ્થા કરી રાખવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું.
ચેમ્બર દ્વારા સુરતના કલેકટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને વિનંતી કરવામાં આવી હતી કે, ડીઝાસ્ટર મેનેજમેન્ટના ઇકવિપમેન્ટ, એસ્ટાબ્લિશમેન્ટ સંબંધિત જરૂરી સર્વિસિસ જેવી કે સ્પેરપાર્ટ્સ અને મેઈન્ટેનન્સની દુકાનોને મિની લોકડાઉનમાંથી તાત્કાલિક છૂટ આપવામાં આવે. જ્યાં સુધી આ વાવાઝોડાની પરિસ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી આ દુકાનોને રાઉન્ડ ધ કલોક 24 કલાક માટે ચાલુ રાખવાની છૂટ આપવામાં આવે. સાથે જ ઑક્સિજન રિફીલરોને પણ પાવર બેકઅપ કરી રાખવા માટે સૂચના આપવામાં આવે.