સાત વર્ષ સુધીમાં વાહનમાં કોઇ ખામી સર્જાય તો હવે કંપનીએ આપવી પડશે રિ-કોલની સુવિધા, નવા વાહન ખરીદતા ગ્રાહકો માટે રાહતરૂપ નવી પોલીસી 1 લી એપ્રિલથી થશે લાગુ, સરકારી પોર્ટલ પર જ ફરીયાદ કરીને કંપનીનો કાન આમળી શકાશે.
DIAMOND TIMES – નવી કાર-મોટર સાયકલ કે અન્ય કોઈ વાહનો ખરીદતા લોકો માટે સારા સમાચાર છે.નવા વાહન કે તેનાં સ્પેરપાર્ટસમાં કોઈ મેન્યુફેકચરીંગ ક્ષતિ માલુમ પડે તો સરકારના ‘રિ-કોલ’ પોર્ટલ પર ફરીયાદ થઈ શકશે.1 લી એપ્રિલથી આ યોજના- સુવિધા ઉપલબ્ધ બનશે.ખામીયુકત વાહનની ફરિયાદને પગલે ઉત્પાદક કંપનીએ કોઈ ચાર્જ વસુલ્યા વિના ખામી દુર કરવી પડશે અથવા ગ્રાહકને નવુ વાહન આપવુ પડશે.
કેન્દ્ર સરકાર દ્વારા ગત સપ્તાહમાં જ આ અંગેનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. નવી પોલીસી હેઠળ ક્ષતિગ્રસ્ત વાહનનાં રીપેરીંગ કે બદલવા માટે ગ્રાહકે કંપની કે તેના વિક્રેતાની ઓફીસનાં ચકકર પણ નહિં કાપવા પડે. મીકેનીકલ, ઈલેકટ્રીકલ, પાર્ટસ, ઉપકરણ જેવી ચીજોમાં ખામી નવી રિ-કોલ સીસ્ટમમાં સામેલ કરવામાં આવી છે.આ સુવિધા સાત વર્ષ સુધીની જુની કાર પર પણ ઉપલબ્ધ બનશે.
નવા વાહન રી-કોલ નિયમો પોલીસી માત્ર કાર પુરતી જ સીમીત નથી. મોટર સાયકલ સહીતનાં ટુ-વ્હીલર રીક્ષા જેવા થ્રી-વ્હીલર અને ચાર પૈડાની કાર સહીતનાં ખાનગી કોમર્શીયલ વાહનોને પણ મળશે. કેન્દ્રનાં માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી દ્વારા આ યોજનાની ઘોષણા કરવામાં આવી હતી. પરંતુ વાહન ઉત્પાદક કંપનીઓનાં દબાણને કારણે તેનો અમલ શકય બન્યો ન હતો. નવી વ્યવસ્થામાં રી-કોલ ફરીયાદને કંપની પડકારવા માંગે તો સીધો હાઈકોર્ટમાં જ દાવો કરી શકશે. સીસ્ટમ લાગુ કરવા તથા તેના પર દેખરેખની સંપૂર્ણ જવાબદારી મંત્રાલયની રહેશે.કંપનીઓ છટકી નહી શકે
એક કરોડ રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ
નવી પોલીસીમાં વાહન ઉત્પાદક કંપનીઓની જવાબદારી ફીકસ કરવામાં આવી છે અને કોઈ છટકબારી રાખવામાં આવી નથી. ખામીયુક્ત પાર્ટસ અન્ય કંપનીનો હોવાનો દાવો કરીને પણ વાહન ઉત્પાદક કંપની છટકી નહી શકે. સંપૂર્ણ જવાબદારી ઉત્પાદકની જ રહેશે અને તેણે જ વાહન રીપેર કરી દેવુ પડશે અથવા બદલી દેવુ પડશે. એટલું જ નહીં કંપની મેન્યુફેકચરીંગ ડીફેકટ (ખામી) શોધી ન શકે અને ખામીયુકત વાહન વેચવા બદલ એક કરોડ રૂપિયા સુધીના દંડની પણ જોગવાઈ છે.