ખેડુત આંદોલન : 40 લાખ ટ્રેકટર સાથે સંસદને ઘેરવા રાકેશ ટીકૈતની ખેડુતોને હાંકલ

100

ડાયમંડ ટાઇમ્સ

છેલ્લા ત્રણ મહિનાથી ખેડૂત આગેવાનો કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે પોતાના સમર્થકો સાથે દિલ્હીની સરહદ પર આંદોલન કરી રહ્યા છે.સરકાર અને ખેડૂતો વચ્ચે વાતચીતથી સમાધાનના પ્રયાસો સફળ રહ્યા નથી.બીજી તરફ હવે ખેડૂતોએ પોતાની રણનીતિ બદલી નાખી છે.ખેડૂતો હવે દેશના વિવિધ રાજયોમાં જઈને મહાપંચાયત કરી આંદોલનને ફેલાવવા પ્રયાસો કરી રહ્યા છે.આવી સ્થિતિ વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટીકૈતે ફરીવાર દિલ્હીમાં સંસદનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ખેડૂત આગેવાન રાકેશ ટીકૈતે કૃષિ કાયદાને લઈને કેન્દ્ર સરકારને ચેતવણી આપતા કહ્યુ કે કેન્દ્ર સરકાર જો કૃષિ કાયદા પરત ન લે તો હવે સંસદને ઘેરવામાં આવશે.રાજસ્થાનના સીકરમાં ખેડૂતોની એક મહાપંચાયતને સંબોધિત કરતાં ટીકતૈ કહ્યું કે સરકાર કાન ખોલીને સાંભળી લે કે આ વખતે સંસદનો ઘેરાવ કરવા ૪૦ લાખ જેટલા ટ્રેકટર પહોંચી જશે. સંસદને ઘેરવાની તારીખનું એલાન સંયુકત કિસાન મોરચા દ્વારા કરવામાં આવશે.ખેડૂતોને આ માટે તૈયાર રહેવાની હાંકલ કરતા ટીકતૈ કહ્યુ કે ગમે તે સમયે દિલ્હી જવાનું થઈ શકે છે.હવે ખેડૂતો ઈન્ડિયા ગેટ પર વાવણી કરી પાક ઉગાડશે. તેમણે સરકારને ખુલ્લી ચેતવણી આપતા કહ્યુ કે સરકાર ત્રણ કૃષિ કાયદાને પાછા નહીં લે તો મોટી કંપનીઓના ગોડાઉનોને ધ્વસ્ત કરી દેવાનું કામ પણ આ દેશનો ખેડૂત કરશે.આ માટે પણ સંયુકત મોરચો તારીખ જાહેર કરશે.