ડીબિયર્સએ રફ હીરાની કીંમતમાં વધારો કર્યો

927

DIAMOND TIMES – અગ્રણી રફ ઉત્પાદક કંપની ડીબિયર્સએ તેની જુલાઈ મહીનાની સાઈટમાં રફ હીરાની કીંમતમાં સરેરાશ 5 ટકાનો વધારો કર્યો હોવાના અહેવાલ છે. ઉલ્લેખનિય છે કે આ ભાવ વધારો મોટી સાઈઝના અને ઉચ્ચ ગુણવત્તા યુક્ત રફ હીરામાં કરવામાં આવ્યો છે.

રફ હીરાના ભાવ વધારા અંગે પ્રતિભાવ આપતા જાણકારો કહે છે કે ડીબિયર્સની મધર કંપની એંગ્લો અમેરિકન કંપનીએ રફ હીરાના કારોબારને લઈને ખાસ નવી બિઝનેસ પોલિસિ બનાવી છે.જે મુજબ કોરોના મહામારી દરમિયાન વૈશ્વિક હીરા ઉદ્યોગમાં વ્યાપેલી ભયાનક મંદી પછી આવેલી પુન : રિકવરીનો આર્થિક ફાયદો ઉઠાવી કારોબાર સરભર કરવાની તેમની નીતી રહી છે.એંગ્લો અમેરિકન કંપની હવે તેના ગ્રાહકોની પુનરુત્થાનની માંગ પર કમાણી કરવાના મુડમાં છે.

પોલિશ્ડ હીરાની મજબુત માંગના પગલે હીરાનું મેન્યુફેક્ચરીંગના હબ ગણાતા સુરતમાં રફ હીરાના પુરવઠાની તંગી ઉભી થઈ છે. ખાસ કરીને યુ.એસ. અને ચીનના મુખ્ય બજારોમાં તૈયાર હીરાનું મજબૂત વેચાણ નોંધાઈ રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે સુરતની કંપનીઓને તેમના કારખાનાઓ ચાલુ રાખવા જરૂરી રફનો પુરવઠો મેળવવા ભારે સ્પર્ધા અને સંઘર્ષ કરી રહ્યા છે.જેનો લાભ કહો કે ગેરલાભ ઉઠાવી ડીબિયર્સ અને રશિયાની કંપની અલરોઝા સહીતની દિગ્ગજ રફ કંપનીઓએ રફ હીરાની કીંમતો વધારી છે.રફ કંપનીઓ દ્વારા મોકાનો ફાયદો ઉઠાવી રફ હીરામાં કરાયેલા ભાવ વધારાથી સુરતની મેન્યુફેક્ચરીંગ કંપનીઓ ભારે નારાજ છે.