રત્ન કલાકારોની અછતના કારણે હીરાના ઉત્પાદનમાં ઘટાડો થયો છે.વળી ગ્રેડીંગ માટે લેબમાં માલનો પણ ભરાવો થતા પોલિશ્ડ હીરાના પુરવઠાની તંગી ઉભી થઈ છે.બીજી તરફ મધર્સ-ડે ને અનુલક્ષી અમેરીકા સહીત વિશ્વના અનેક દેશોમાં પોલિશ્ડ હીરાની માંગમાં વધારો થયો છે.
DIAMOND TIMES -ભારતમા વ્યાપેલી કોરોના મહામારીની કટોકટી વૈશ્વિક હીરાના વેપારને અસર કરશે.વિશ્વના કુલ પૈકી 92 ટકા હીરા ભારતમાં તૈયાર થાય છે.કોરોનાની કટોકટી વચ્ચે પણ ડાયમંડ ઉત્પાદન અને નિકાસને ટેકો આપવા માટે ભારતનો હીરા ઉદ્યોગ તમામ પ્રયત્નો કરી રહ્યો છે.છતા પણ આગામી મહીનાઓમાં વૈશ્વિક બજારોમાં તૈયાર હીરાના પુરવઠાની અછત ઉભી થવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે.વળી સપ્લાય અને ડીમાન્ડની ચેઈન તુટવાના કારણે તૈયાર હીરાની કીંમતોમાં વૃદ્ધિ થવાની પણ અગાહી કરવામાં આવી રહી છે.
દુષ્કાળમાં આટા ગીલા જેવી બાબત તો એ છે કે વૈશ્વિક માંગના પ્રમાણમા તૈયાર હીરાના પુરવઠાની અછતની સ્થિતિ વચ્ચે વિવિધ ગ્રેડીંગ લેબમાં તૈયાર હીરાનો ભરાવો થવાથી સપ્લાય ચેઇનમાં નોંધપાત્ર વિક્ષેપ થયો છે.ઉલ્લેખનિય છે કે કોરોના મહામારીના પગલે સુરતમાં રત્નકલાકારોની અછતના પગલે તૈયાર હીરાના ઉત્પાદનમાં 30 થી 40 ટકાનો ઘટાડો થવાની અપેક્ષાઓ છે.
અન્ય એક બાબત પર નજર કરીએ તો આગામી મે મહીનામા આવનારા મધર્સ-ડે ને અનુલક્ષીને અમેરીકા- યુરોપ, ચીન સહીતના વિશ્વના અનેક દેશોમાં હીરા જડીત જ્વેલરીના વેચાણમાં જંગી વધારો થવાની અપેક્ષાઓ વચ્ચે પોલિશ્ડની સારી માંગ છે.બીજી તરફ તૈયાર હીરાના ઉત્પાદનમાં ઘટાડો અને ગ્રેડીંગ લેબમાં માલના ભરાવાના કારણે પોલિશ્ડમાં પુરવઠાની તંગી છે.વૈશ્વિક પોલિશ્ડ હીરા બજારની આ આદર્શ સ્થિતિ વચ્ચે સારી પ્રતિષ્ઠા ધરાવતી ભારતિય કંપનીઓ અને ઓનલાઇન ચેનલોવાળા વેપારીઓ તૈયાર હીરાની સારી કિંમતો મેળવી રહ્યા છે.
તૈયાર હીરાના ભાવો મજબુતાઈ તરફ આગળ વધી રહ્યાના અહેવાલ વચ્ચે રફ બજાર વધુ ઠંડું થવાની ધારણા રાખવામાં આવી રહી છે.ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં અગ્રણી રફ કંપની ડીબિયર્સના રફ હીરાનું જથ્થાની દ્રષ્ટ્રીએ વેચાણ 52 ટકા વધીને 13.5 મિલિયન કેરેટ થયુ છે.જો કે આ સમયગાળામાં ડીબિયર્સનું રફ ઉત્પાદન 7 ટકા ઘટીને 7.2 મિલિયન કેરેટ થયુ છે.રશિયાની રફ કંપની અલરોઝાની વાત કરીએ તો ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં અલરોઝાના રફ હીરાનું વેંચાણ 28 ટકાના વધારા સાથે 1.2 બિલિયન અમેરીકી ડોલરને આંબી ગયુ છે.આ સમયગાળા દરમિયાન અલરોઝાના રફ હીરાના ભાવમાં સાત ટકાનો વધારો થયો હતો.
ફેન્સી હીરા : કેટલીક ખાસ ક્વોલીટીના ફેન્સી હીરાના ભાવમાં મોટી ઉથલ પાથલ જોવા મળી હતી. ફેન્સી હીરા જડીત લગ્ન અને સગાઈ રિંગ્સના વેચાણમાં વૃદ્ધિ થતા 2 કેરેટથી વધુ વજનના ઓવલ કટ, એમરાલ્ડ કટ તેમજ કુસિન અને માર્કીસ કટના ફેન્સી હીરાની માંગમા વધારો થયો છે.ઉપરાંત ચીનના બજારોમા ફેન્સી હીરાની માંગ યથાવત રહેતા ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ફેન્સી હીરાના ભાવોમાં ભારે તેજી જોવા મળી હતી.જ્યારે નબળા કંટીંગ અને ગુણવત્તા વાળા ફેન્સી હીરાને વેંચવામાં મુશ્કેલી આવી હતી.
અમેરીકા : હીરા અને ઝવેરાતના અન્ય વૈશ્વિક કેન્દ્રોની તુલનામાં અમેરીકાનાના ન્યૂયોર્કનું ડાયમંડ માર્કેટ ખુબ જ મજબૂત છે.પરિણામે અમેરીકાના ડાયમંડ ડીલર્સ હીરાના સારા કામકાજ માટે ભારે ઉત્સાહીત છે.હીરાના વૈશ્વિક કટીંગ કેન્દ્ર ભારતમાથી અમેરીકામાં આવતા પોલિશ્ડ હીરાના પુરવઠાની તંગીના કારણે 1 કેરેટ વજનના G-J, VS-I1 ક્વોલિટીના હીરાના ભાવો મજબુત રહ્યા હતા.આમ છતા પણ આગામી મધર્સ-ડે માં હીરાના કારોબારમાં વધારો થવાની અપેક્ષાઓ અંગે ભારે ઉત્સાહ જનક વાતારવર્ણ છે.
બેલ્જિયમ : બેલ્જિયમમાં સ્થાનિક સ્તરે હીરાના કામકાજ શાંત છે.આવી સ્થિતિ વચ્ચે E-G, SI ક્વોલિટીના 1 કેરેટની સાઈઝના હીરાની અમેરીકામાં સારી માંગને પગલે ડાયમંડ ડીલરોએ નિકાસ પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.જો કે કોરોના મહામારીના પગલે યુરોપમાં હજુ પણ હીરા ટ્રેડીંગ ધીમું છે.મુંબઇમાં પ્રતિબંધો કડક બનતા ભારતના વેપારીઓ સાથે કારોબાર કરવામાં બેલ્જિયમ સ્થિત કંપનીઓને પેમેન્ટની ચિંતા અને ડર સતાવી રહ્યો છે.
ઇઝરાઇલ : ઇઝરાઇલમાં ફાસ્ટ વેક્સીનેશનના પગલે કોરોના મહામારી પર કંટ્રોલ આવી ગયો છે.પરિણામે હીરા કારોબારીઓ હવે છુટથી વેપાર કરી રહ્યા છે.પરંતુ ભારત તરફથી હીરાની ઓછી ઉપલબ્ધતાને કારણે ઇઝરાઇલમાં પણ હીરા કારોબાર મર્યાદિત છે.ભારત સહીત હીરાના બજાર ગણાતા વિશ્વના દેશોમા કોરોના પ્રતિબંધો દુર થાય તેની ઇઝરાઇલના વેપારીઓ રાહ જોઇ બેઠા છે.વર્તમાન સમયે ઇઝરાઇલના વેપારીઓ ઓનલાઇન પ્લેટફોર્મ મારફત ગ્રાહકો શોધવાની મથામણ કરી રહ્યા છે.1 થી 1.50 કેરેટ વજનના ડી-જે,વીએસ-એસઆઈ ક્વોલિટીના હીરાના સારા ઓર્ડર છે.
હોંગકોંગ : ભારતમા તૈયાર થતા પોલિશ્ડ હીરાના પુરવઠાની તંગીની અપેક્ષાઓ વચ્ચે અમુક ક્વોલિટીમાં હીરાનો જથ્થાબંધ વેપાર સ્થગિત મોડ પર છે.હોંગકોંગમાં 0.30 થી 1 કેરેટ વજનના D-G, VS-SI,3X ગુણવત્તાના હીરાના સારા ઓર્ડર છે. ચીનમાં કોરોનાના સંક્રમણમાં ઘટાડો થતા હીરા કારોબારમાં તેજીની અપેક્ષાઓ વચ્ચે ચીનના જ્વેલરી ઉત્પાદકોએ હીરા અને અન્ય રંગીન રત્નોની ખરીદી માટે પુછપરછ શરૂ કરતા હોંગકોંગમાં હીરા કારોબારને લઈને સકારાત્મક સ્થિતિનું સર્જન થયુ હોવાના અહેવાલ છે.