બજેટ પૂર્વે જ રાહત: કવોલીફાઈડ ઝવેરીઓને સોનાની સીધી આયાતની છૂટ્ટ

સોનાના વેપારીઓની સાથોસાથ ગ્રાહકોને પણ ફાયદો કરાવતો નિર્ણય,અત્યારે અધિકૃત સાત એજન્સી પાસેથી જ ખરીદી કરવી પડતી હતી,હવે ક્વોલિફાય વેપારીઓને સોનાની સીધી આયાતની છૂટ્ટ આપતા પ્રતિકિલો રૂપિયા 7 થી 8 હજારનું કમિશન બચશે,સોનાની કિંમત થોડી ઘટવાની પણ સંભાવના,સોનાના વાયદામાં 22 કલાક કામકાજ થઈ શકશે.

DIAMOND TIMES – દેશભરના સોની વેપારીઓ-ઝવેરીઓને શરતપૂર્ણ નિર્ણય અંતર્ગત સોનાની સીધી આયાત કરવાની છૂટ્ટ આપવામાં આવી છે.આ માટે કેટલાક નિયમો ઘડવામાં આવ્યા છે.જેનું પાલન કરી શકતા ઝવેરીઓ ‘કવોલીફાઈડ કેટેગરી’માં ગણાશે અને સોનાની સીધી આયાત કરી શકશે.

ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર તથા ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એકસચેન્જ દ્વારા આ અંગેની માર્ગ દર્શિકા જાહેર કરી છે.અત્યાર સુધી અધિકૃત સાત એજન્સીઓ પાસેથી જ ઝવેરીઓ કે વેપારીઓએ સોનાની ખરીદી કરવી પડતી હતી.આ એજન્સીઓ કિલોએ 7000થી 8200નું પ્રિમિયમ વસુલતી હતી.

વેપારીઓને સોનાની સીધી આયાતની છૂટ્ટ આપતા કાયદા અંતર્ગત કેટલાક નિયમો ઘડવામાં આવ્યા છે જે અંતર્ગત એમએસએનઝેડ 7108,7113, 7114 તથા 7118 હેઠળ કારોબાર કરતી કોઈપણ ભાગીદારી પેઢી,કંપની કે લિમિટેડ લાયેબિલીટી પાર્ટનરશિપ પેઢી સોનાની સીધી આયાત કરી શકશે.

આ કોડ કિંમતી ધાતુઓના કારોબાર માટેના છે. કારોબારીએ તમામ જીએસટી રિટર્ન ભર્યા હોવા જોઈએ તેવી શરત રાખવામાં આવી છે. અન્ય નિયમોમાં છેલ્લા ત્રણ વર્ષમાં 90 ટકા વેપાર સોના-ચાંદી કે કિંમતી હીરામાં હોવા ફરજિયાત છે. ઉપરાંત છેલ્લા નાણાકીય વર્ષની નેટવર્થ 25 કરોડની હોવી જોઈએ અને તેની સાબિતીરૂપે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે કંપની સેક્રેટરીનું સર્ટિફિકેટ પેશ કરવું પડશે.

સીધી આયાતની છૂટ્ટથી સોનાના વેપારીઓ-જ્વેલર્સોને ચાર મોટા ફાયદા થઈ શકે તેમ હોવાનું નિષ્ણાતોનું કથન છે. અત્યારે સાત માન્ય એજન્સીઓ પાસેથી ફરજિયાત ખરીદીથી 6થી 8 હજારનું પ્રિમિયમ લાગતું હતું તે સીધી આયાતથી બચી જશે. પરિણામે ભાવ પર સીધી અસર થશે.

વેપારીઓ વાયદા બજારને 22 કલાક કામ કરી શકશે જે હાલ સવારે 9 થી રાત્રે 11-55 સુધી જ શકય બને છે.આ ઉપરાંત સટ્ટાખોરી અટકી શકશે.સળંગ 12 કલાક વાયદા શકય બનવાના સંજોગોમાં મોટી ઉથલ-પાથલ નહીં થતા અત્યારે સોનાનો ભાવ 50,000થી વધુ છે તે પાછળનું એક કારણ સટ્ટાખોરી પણ ગણાય છે.કિંમત ઘટયાના સંજોગોમાં લોકોને રાહત થઈ શકે.

અત્યારે મર્યાદિત સમયને કારણે નાના વેપારીઓને નુકશાનીનો ખતરો 60 ટકા વધુ હોય છે. મોટા વેપારીઓને 40 ટકા નુકશાન તથા 30 ટકા નફાની સ્થિતિ હોય છે. હવે નફાની સંભાવના 50 ટકા રહે છે. આ નિયમથી નકલી સોનાની સિન્ડિકેટ પર લગામ લાગશે. અત્યારે વિદેશી સોનાના નામે નકલી સોનાના દાગીનાની દેશભરમાં ભરમાર છે.વેપારીઓ જ સીધું સોનુ મંગાવે તે શુધ્ધ સોનુ જ આવશે.