હવે લેબગ્રોન હીરાને મળ્યા પોપ ફ્રાન્સિસના આશીર્વાદ

11

DIAMOND TIMES – લેબગ્રોન હીરાના ઉત્પાદન સાથે સંકળાયેલી અમેરીકાની કંપની ડાયમંડ ફાઉન્ડ્રી દ્વારા ઉત્પાદીત લેબગ્રોન હીરાને પોપ ફ્રાન્સિસના આશીર્વાદ મળ્યા છે.યુ.એસ. સ્થિત ડાયમંડ ફાઉન્ડ્રી દ્વારા લેબમાં ઉગાડવામાં આવેલા 30 કેરેટના લેબગ્રોન રફ હીરાને ચીનની એક કંપનીએ કટીંગ-પોલિશીંગ કરી તેમાથી પાંચ-કેરેટ વજનનો સોલિટેર ક્રોસ ડાયમંડ તૈયાર કર્યો છે.ખ્રિસ્તીઓના ધર્મચિહન ક્રોસના આકારના આ લેબગ્રોન હીરાને પોપ ફ્રાન્સિસે આશીર્વાદ આપ્યા છે.

ભૂતકાળમાં પણ લેબગ્રોન હીરાની તરફેણમાં વિવાદાસ્પદ નિવેદન આપતા પોપ ફ્રાન્સિસે કહ્યુ હતુ કે હીરાની ખાણ ધરાવતા વિસ્તારમાં વસતા સ્થાનિક ગરીબ સમુદાયને રફ હીરાના ઉત્પાદનથી કોઇ મોટો આર્થિક ફાયદો મળતો નથી . જેથી કુદરતી હીરાની તુલનાએ લેબગ્રોન હીરા પર પસંદગી ઉતારી આમૂલ પરિવર્તન લાવવા હીરા અને ઝવેરાતના શોખિનોને તેમણે હાંકલ કરી હતી.

લેબગ્રોન હીરા ઉત્પાદન કાર્ય સાથે સંકળાયેલી અમેરીકાની અગ્રણી કંપની ડાયમંડ ફાઉન્ડ્રીના સીઈઓ માર્ટિન રોશેઈસેને પ્રતિભાવ આપતા કહ્યુ કે અમે લેબગ્રોન હીરાનું ઉત્પાદન કાર્યથી અત્યંત ગૌરવ અનુભવીએ છીએ.કારણ કે લેબગ્રોન હીરાના ઉત્પાદનથી ખાણકામ દ્વારા થતા પર્યાવરણીય અને માનવીય નુકસાન પર કાબુ મેળવવામાં અમને મદદ મળી છે.

ડાયમંડ ફાઉન્ડ્રીએ ફટકાર્યો મોકા પર ચોકો

ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ રોમની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોપ ફ્રાન્સિસની શુભેચ્છા મુલાકાત લીધી હતી.જેના પરથી પોપ ફ્રાન્સિસના પાવર અને પર્સનાલિટીનો આસાનીથી અંદાજ લગાવી શકાય છે.વળી નોંધનિય બાબત એ પણ છે કે અમેરીકા અને યુરોપના કન્ટ્રીઓ હીરા-ઝવેરાતનું સહુથી મોટુ વૈશ્વિક બજાર છે.આ દેશોમાં વસતો વિશાળ જનસમુદાય ક્રિશ્ચિયન ધર્મમાં માને છે.આ બાબત જોતા એમ કહી શકાય કે લેબગ્રોન હીરાના ઉત્પાદન સાથે સંકળાયેલી અમેરીકાની ડાયમંડ ફાઉન્ડ્રી કંપનીએ લેબગ્રોન હીરાના પ્રમોશન માટે ધર્મનો આશરો લઈને લાગ જોઇને ચોગઠી મારી છે.મહત્વની બાબત તો એ છે કે  પોપ પર્યાવરણની જાળવણી બાબતે ખુબ જ સજાગ છે.